ગઝલાક્ષરી - 5

જીવનમાં બને એવા ય બનાવ;
સાવ અમસ્તો થઈ જાય તનાવ.
નટવર મહેતા

જીવનમાં બને એવા ય બનાવ;
કારણ વગર થઈ જાય અણબનાવ!
- મહેન્દ્ર શાહ.

*****

નથી આવડતું નટવર લખતા તને;
હવે કોઈ બીજા પાસે કંઈ લખાવ.
- નટવર મહેતા

નથી આવડતું નટવર લખતા તને;
તો તારી ગઝલનું રહસ્ય મને બતાવ!
- મહેન્દ્ર શાહ.

*****

સ્પર્શની એક મજા છે એ દોસ્તો;
સુંવાળા સ્પર્શથી ય રૂઝાય ઘાવ.
- નટવર મહેતા

સ્પર્શની મજા ચખાડીને આમ તું ના મને ડુકાવ;
સુંવાળા એ ક્ષણિક સુખથી ના તું મને સતાવ!
- મહેન્દ્ર શાહ.

*****

ધનદોલત, રૂપ, યૌવનને શું કરવું;
મને તો જોઈએ માત્ર પ્રેમનો ભાવ.
- નયન પંચાલ

છતાં નયન બધા આના જ ભૂખ્યા છે;
આમ ખોટું બોલીને ના તું મને નચાવ!
- મહેન્દ્ર શાહ

સ્ત્રોત : મારા મેઈલ બોક્ષમાં થી.. મહેન્દ્રભાઈ પાસે થી પરવાનગી મળેલ છે... આ ગઝલાક્ષરી માં થી અમુક હિન્દી અને અંગ્રેજી પંક્તિઓ કાઢી નાખેલ છે..

અદા - કુશલ "નિશાન" દવે

કાતીલ છે તમારી અદા એ વાત ધ્યાનમાં રાખો;
હવે મારી જાન લઇને જ છુટશે થોડી તો દયા રાખો.

પાગલ છું આ અદાનો દિવાનો પણ છું;
હવે આ અસહ્ય પ્રેમની થોડી તો કદર રાખો.

નહિ જુઓ સામે તો હું જ મરી જઈશ;
થોડો પ્રેમ જતાવીને કાજળના કણમાં તો રાખો.

વર્ષોથી છે પ્રેમ જે આજેય સુકાણો નથી;
આ પ્રેમની ભીનાશને થોડી તો સમજણમાં રાખો.

કાંઇતો કહેવું હશેને તમારે મારા પ્રેમ વિશે;
તમેય મખમલી પ્રેમનો જવાબ તૈયાર રાખો.

"નિશાન" તને ખબર છે કે તે તને પ્રેમ કરે છે?
શું? કહી શકીશ કે તમે ફક્ત 'હા' તૈયાર રાખો.

- કુશલ "નિશાન" દવે

સ્ત્રોત : "ક્ષિતીજનો સ્પર્શ" પરથી

દિલમાં વ્યથા આખી ઉમર લાગી - મરીઝ

ફકત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી.
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી
તને પણ પાછા ફરતા એક મુદ્દત નામાબાર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધના લીધી.
મને તો આખી દુનીયા મારા જેવી બેકદર લાગી.


ઝરણ સુકાઈને આ રીતથી મ્રુગજળ બની જાએ
મને લાગે છે એને કોઈ પ્યાસાની નઝર લાગી

હવે એવું કહીને મારુ દુ:ખ શાને વધારો છો.
કે આખી જીંદગી ફીકી મને તારા વગર લાગી


હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો.
ને શંકા કદી લાગીતો એ તારી ઉપર લાગી.

ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પૂરાવો છે
જે મેહંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.

બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યો છે
પછી આ આખી દુનીયા મારું દીલ લાગી, જીગર લાગી.

અચલ ઈન્કાર છે એનો 'મરીઝ' એમાં નવું શું છે?
મને પણ માંગણી મારી અડગ લાગી, અફર લાગી.

- મરીઝ

સ્ત્રોત આત્મા પરથી

નથી શકતો - બરકત વિરાણી 'બેફામ'

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

- બરકત વિરાણી 'બેફામ'


સ્ત્રોત ગુજરાતી કવિતાઓ પરથી

પરિચય છે મંદિરમાં દેવોને મારો - 'શૂન્ય' પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું જ કોઈથી
તમારા પ્રતાપે બધાં ઓળખે છે

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો
મને તારું સૌ મયકદા ઓળખે છે

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી
સભાને ભલે હોય ન કોઈ ગતાગમ
મને ગર્વ એ છે કે શમા ઓળખે છે

મેં લો’યાં છે પાલવથી ધરતીનાં આંસુ
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની
મને જ્યારથી તારલાં ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં
તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે
દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો છું રોગી જેને
બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યાં છે
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ ખબર છે વફાને
દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે

- 'શૂન્ય' પાલનપુરી

સ્ત્રોત: ગીત ગુંજન પરથી

આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે...

ફેલાવીને આ વિશાળ પાંખ ઊડાન અમારી સફળતાના ગગન પર છે...
મંઝિલની દૂરી માપી નથી, કારણ કે હજી હોંસલો અમારો અકબંધ છે...

ગરુડ છીએ અમે, નજર સતેજ છે, કોઇ પારેવડું નથી કે ડરી જઈએ...
પરવા નથી કોઇ ઝંઝાવાતની, આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે...

- અજ્ઞાત

સ્ત્રોત - પ્રિયદર્શી સાહેબ ના ફેસબુક ની વોલ પરથી..
(આ રચના ના સર્જકનુ નામ ગુગ્લીંગ કરતા મને આ લિંક મળી..)

ભગવાનનો ભાગ - રમેશ પારેખ


ખુબજ સરસ રચના રમેશભાઈ ની વાંચી ને ખરેખર આંખ માં ઝળઝળિયાં આવી ગયા.. આશા રાખું કે આપ સૌને પણ આ રચના ગમશે... મને આ રચના મારા ફેસબુક ના અકાઉન્ટ માંથી મળી છે..


નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
...ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

- રમેશ પારેખ

સ્ત્રોત મારા ફેસબુક ના અકાઉન્ટ માંથી

અત્તરિયાને – બાલમુકુન્દ દવે


દોસ્તો મને એક એવું ગીત મળ્યું જે હું તમારા બધા સાથે પણ શેર કરવા માંગું છું..નાનપણ માં ગુજરાતી ની પાઠ્ય પુસ્તક માં આ બાલમુકુન્દ દવે સાહેબ નું ગીત વાંચ્યું હતું અને પરીક્ષા માં પાસ થવા ગોખ્યું પણ હતું ;).. મને હજી પણ યાદ છે અમારા ગુજરાતી ના સાહેબ શ્રી બાબુભાઈ ગોન્ડલીયા આ ગીત સરસ રાગ માં ગઈ સંભળાવતા.. અને અમને વેચવા અને વહેચવા વચ્ચે નો ભેદ સમજાવતા.. હું ટહુકો.કોમ નો ખુબ ખુબ આભાર માનું છું..


અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

– બાલમુકુન્દ દવે

સ્ત્રોત ટહુકો પરથી

બાકી છે - ભરત વિંઝુડા

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

- ભરત વિંઝુડા

સ્ત્રોત

મોંઘી પડી - શેખાદમ આબુવાલા

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

- શેખાદમ આબુવાલા

સ્ત્રોત

શૂન્યમાં પણ આકાર છે.. - જીતેશ શાહ 'જીવ'

અભાર જીતેશ ભાઈ આપની આ સુંદર રચના મને મેલ કરવા બદલ..

મઝધાર માં પ્રભુ તારો આધાર છે...
ભલે લાગે શૂન્ય ,શૂન્યમાં પણ આકાર છે.

ભલે ના હોઈ કીમત શૂન્ય તારી ....
આકડા ની પાછળ ભલે હોઈ તું?

શૂન્ય તારી પણ કોઈ કીમત છે.
પ્રભુ નો સાથ છે તો કિનારો શું?

ભૂતને ભૂલી આજમાં ભળી જા..
ભાવી ની ફિકરમાં આજ કાં ભૂલે ?

આજે જીવી લીધું જી ભરીને
"જીવ" કાલની કોણે પડી છે?

૦૬/૧૧/૧૦
{ મારા વ્હાલા પ્રભુ! તમાંરો સાથ હશે તો જિંદગી થોડી આસiન હશે }

- જીતેશ શાહ 'જીવ'

દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ

આપ સૌ સ્નેહીજનો ને મારા દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને ને નુતન વર્ષાભિનંદન..

આપ સૌ સ્નેહીજનો ને મારા દિવાળી ના ખુબ ખુબ શુભેચ્છાઓ અને ને નુતન વર્ષાભિનંદન..

તુજ તારો ભગવાન... - જીતેશ શાહ 'જીવ'

 જીતેશ ભાઈ આપની આ સુંદર રચના આપવા બદલ ખુબ ખુબ આભાર..

હે જીવ! ક્યારેક...

લખેલું ભુંસાઈ જાશે...
વાંચેલું વિસરાઈ જાશે..

ગોખેલું ભૂલાય જાય..
જોએલું અદ્રશ્ય થાય...

શબ્દોના અર્થ બદલાઈ જાય ...
અરે ભાવાર્થ પણ બદલાઈ જાય ..

દુશ્મન મિત્ર થઈ જાશે?
મિત્ર દુશ્મન થઈ જશે?

દુનિયા આખી બદલાઈ જાશે ...
હોઈ શકે ભગવાન પણ બદલાઈ જાય....

જીવ જયારે તને તારી
સાચી ઓળખાણ થાશે

અનુભવ કામ નહિ આવે
સંસાર અસાર દેખાશે...

તારો આ "હું" મરી જશે ?
તુજ તારો ભગવાન થશે...

- જીતેશ શાહ 'જીવ'

સ્ત્રોત

ગિરા ગુર્જરી - કંચન ચાવડા

પોપટ બોલી
વિદેશી, કેકારવ
ગિરા ગુર્જરી

- કંચન ચાવડા

કંચન બહેન મને આપનું હુઈકું મેઈલ કરવા બદલ ખુબ ખુબ આભાર..
સ્ત્રોત : મારા મેઈલ બોક્ષ માંથી

સપના કહે હું બહાર ના જાઉં.. - અજ્ઞાત

મારી આવડી અમથી આંખમાં..હું બેઉને કેમ સમાવું ???
નીંદર કહે હું અંદર આવું...સપના કહે હું બહાર ના જાઉં..

- અજ્ઞાત
(મારા ફેસબુક ના એકાઉન્ટ માંથી બોલતારામ દ્વારા પોસ્ટ કરેલ..)

એક સરનામું મળ્યું - હરિશ્ચન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી

નહીં શકે – રિષભ મહેતા

તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

- રિષભ મહેતા

સ્ત્રોત (મારા મેઈલ માંથી)

મંજુર નથી... નથી મંજુર... - જીતેશ શાહ 'જીવ'

જીતેશ ભાઈ આપની આ રચના મેલ કરવા બદલ ખુબ ખુબ આભાર...

સમય સાથે
રહ્યો નથી
એનો અફસોસ નથી.

સમય ને ભૂલ્યો નથી
એનો આનંદ છે.

સમય મને ભૂલી જશે?
એની પરવાહ નથી.

સમય માં ઓગળી
જવાનું મને મંજુર

સમય ની રેતમાં...
પગલા જરૂર હશે..

ભલે ફરી વળે પાણી....
દરિયા માં મળી જવું મંજુર છે

અફસોસ નથી ગુમાવ્યું કેટલું?
આનંદ છે કે ના માંગે મળ્યું!

આભાર હે ભગવાન!
તને હું ભૂલ્યો નથી.

યાદ રાખજે હે પ્રભુ ?
જીવ ને ભૂલવાનું મંજુર નથી...
નથી મંજુર નથી મંજુર...

- જીતેશ શાહ 'જીવ'

બા એટલે બા - જીતેશ શાહ 'જીવ'

બા એટલે કરકસર ની દેવી
પણ ભણવા માટે કરકસર નહિ
બા ના ગુસ્સ્સામાં પણ પ્રેમ નીતરે
બા ના મારમાં પણ નર્યો પ્રેમ
બાએ મને ક્યારેય ભૂખ્યો નથી રાખ્યો.. બા એટલે બા ....

બા એટલે ઊર્મિનો સાગર
બા એટલે અંતરની અનુભૂતિ
બા એટલે બળબળતા વાયરામાં
પણ મીઠી મઝાની નીંદર ...
બા એટલે ખળખળ વહેતું અમી ઝરણું
પાપી પણ તેમાં ડૂબકી દઈને મુક્ત થાય બા એટલે બા ....

બા એટલે દયાની દેવી ..
બા એટલે સંતાનનું સુખ માટે
જિંદગી સમર્પણ કરતી માતા
બા એટલે ભગવાનની અમૂલ્ય ભેટ. બા એટલે બા ....


બા એટલે દુનીયાની પહેલી
જીવતી અને જાગતી અજાયબી
બાકી બધી એમના પછી આવે
બા તો ભગવાન ને પણ
એમની રીતે ઉઠાડે નવડાવે
રમાડે જમાડે ને સુવાડે
ભગવાન પણ ચુપચાપ બધું કરી લે
બા પાસે એમનું પણ ન ચાલે. બા એટલે બા .....

બા એટલે મારી કવિતા ની પ્રેરણા
બા એટલે કવિતા ની શુરુઆત
મધ્યાંતર અને અંત ,
બા એટલે અલ્પવિરામ અને
બા એટલે જ પૂર્ણવિરામ. બા એટલે બા ....
"જીવ" અજબ છે આ બા !
કોણે બનાવી આ બા?
ભગવાનને જયારે લાગ્યું કે
હું બધે નહિ પહોંચી વળું ૨૪/૭
એટલે મોકલી આપણી પાસે
" જીવ "સવાલ એ નથી કે
બાએ શું કર્યું આપણે માટે ?
આપણે શું કર્યું બા માટે ?

- જીતેશ શાહ 'જીવ'

તને - હર્ષદ ત્રિવેદી

આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,

તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.


હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને.


એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.

નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.

- હર્ષદ ત્રિવેદી

સ્ત્રોત

અમે સૂતા ઝરણાને જગાડ્યું - ઉમાશંકર જોષી



અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

- ઉમાશંકર જોષી

આવો તોય સારું



પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાઓ તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘું તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું.

- અજ્ઞાત

કલ્પનાનું જગત - ગની દહીંવાલા

કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે...

- ગની દહીંવાલા

એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું - સુનીલ શાહ

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

- સુનીલ શાહ

સ્ત્રોત

આભાસ

હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે આભાસ છે.”

- અજ્ઞાત

માંગે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છે
એક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે.

માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજી
એક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે.

ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાં
આ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે.

મારા શબ્દો પર ભરોસો ન હોય તો પૂછ ઇશ્વરને
આ હોઠ હર પળ તારા માટે જ દુવા માંગે છે.


મારુ જીવન કદાચ તને નહી લાવી મારી પાસે
દગાબાજ શ્વાસો જો! મારા મરણની અફવા માંગે છે.

અમે તો છીએ વિસરાઇ ગયેલી કથની નાની
મારા મરશીયા તારા જીવનના ગીત નવા માંગે છે.

- અજ્ઞાત

જરાક મોડો પડ્યો - વિશાલ મોણપરા

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો,
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો.

બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા,
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.

મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ,
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો.

વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ,
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો.

- વિશાલ મોણપરા

તારો જવાબ શું હશે? - વિશાલ મોણપરા

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

- વિશાલ મોણપરા

સ્ત્રોત

શું કરું ?- બેફામ

જે જલાવે જાત, એ ધબકાર લઇને શું કરું ?
પારકો જે થઇ ગયો એ પ્યાર લઇને શું કરું ?

- બેફામ

અઘરો જવાબ છું - ડો.ફિરદૌસ દેખૈયા

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

- ડો.ફિરદૌસ દેખૈયા

સ્ત્રોત

કાનજી તારી મા કહેશે - નરસિંહ મહેતા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી તારી મા....

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે.. કાનજી તારી મા....

- નરસિંહ મહેતા



સ્ત્રોત

ખબર નથી

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાનીના આભાસથી દોટ મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું

- અજ્ઞાત

કુમકુમના પગલાં પડ્યાં - ગરબો

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

માડી તું જો પધાર
સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર
કરજે પાવન પગથાર

દીપે દરબાર
રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો
થાયે સાકાર
થાયે સાકાર થાયે સાકાર

ચાચરના ચોક ચગ્યાં
દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

મા તું તેજનો અંબાર
મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો
થાશે આનંદ અપાર

ભવો ભવનો આધાર
દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક
પર થોડી લગાર
થોડી લગાર થોડી લગાર

સૂરજના તેજ તપ્યાં
ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

તારો ડુંગરે આવાસ
બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું
રમે રૂડા રાસ

પરચો દેજે હે માત
કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ
તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ

માડી તારા નામ ઢળ્યાં
પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

એક તારો આધાર
તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી
ભવ તું સુધાર

તારા ગુણલાં અપાર
તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ
માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર

માડી તને અરજી કરું
ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા - ગરબો

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ..

ઝીણી ઝીણી જાળીયું મેલાવો ઓલ્યા ગરબા,
ઝીણી ઝીણી જાળીયું મેલાવો રે લોલ..

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ..

અંબાજીના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
અંબાજીના માથે ઘૂમ્યો રે લોલ..

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ..

અબાંજી ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
અબાંજી ગામે પધરાવ્યો રે લોલ..

માએ ગરબો કોરાવ્યો - ગરબો

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

અશ્રુની વર્ષા થૈ - અજ્ઞાત

અશ્રુની વર્ષા થૈ ને સ્વપ્ન ધોવાઇ ગયા,
એમને શોધ્યા વિનાજ એ દેખાઇ ગયા.
જીવન ભર પ્રેમ કરતી રહી મીરા,
અને ક્રિષ્ન બસ રાધા માંજ ખોવાઇ ગયા.

- અજ્ઞાત

તરત અવતાર લે - ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.


- ચિનુ મોદી ‘ઇર્શાદ’

હું તમને બહુ ચાહું છું - સૈફ પાલનપુરી

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

લાગશે કેવું તને? - ચિનુ મોદી ‘ઇર્શાદ’

પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?

આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાચશે
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?

પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને ?

આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને ?

નિત્યના અંધારનો ઇર્શાદ તું હિસ્સો થશે,
દ્રશ્યથી બાકાત બનશે, લાગશે કેવું તને ?

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

ભાવ-અભાવ- શબ્દશ્યામ કૃત

સુખ નો પણ એક ભાર હોય છે,
દુખ પણ ક્યારેક એક આધાર હોય છે.

લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે,
લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે.

કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે,
વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે.

સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય છે,
શબ્દોની પણ કાતિલ એક ધાર હોય છે.

મન મા ભટ્કતા અનેક વિચાર હોય છે,
ક્યારેક ભટકી જવા માજ શાર હોય છે.

તબિબો પણ આમતો ઘણા બિમાર હોય છે,
દિલ જીતનારના હાથમા કયાં તલવાર હોય છે?.

અમિરો ને પૈસાની બહુ ભરમાર હોય છે,
પણ તેનો ક્યાંકોઇ સાચો દિલદાર હોય છે?.

જીવતા આદમી નું કલેજુ ઠંડુગાર હોય છે,
કબરમા સુતેલ હૈયામા પણ ધબકાર હોય છે.

ગગન નો વરસાદ મંદ મથાર હોય છે,
અશ્રુ ના શ્રાવણ ભાદરવા ચૌધર હોય છે.

મન્દિરમા જઇ ભિખ માંગતા શાહુકાર હોય છે,
રસ્તે રઝ્ડતો ભિખારિ વધુ ખુદાર હોય છે.

દુનિયા દારી નો રોકડો વેપાર હોય છે,
દારિયાદિલના ખાતે બોલતું ગણુ ઉધાર હોય છે.

રાજાઓ ના મહેલો પણ નર્કાગાર હોય છે,
રંક્ના દિલમા પણ ભરાતા દરબાર હોય છે.

નાની મોટી અથડામણો તો બેસુમાર હોય છે,
વિચારો નો ટ્કરાવ ઘણો ગમખ્વાર હોય છે.

રુપૂમતિ ઐશ્વરિયાઓ પાસે કિમતી હાર હોય છે,
સાધુને તો સાદગીજ એક અલંકાર હોય છે.

નેતાઓની વાણીમા ઠાલા વચનોનો રણકાર હોય છે,
પીડાતી પ્રજાનુ મૌન એક ચિત્કર હોય છે.

- શબ્દશ્યામ કૃત

અધુરા પ્રેમ ના ઉદાહરણ - શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
તેની પાછળ કૈંક કારણ હોય છે.

મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.

લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.

એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.

શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

- શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં - મહેશ શાહ

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

- મહેશ શાહ

પ્રેમમાં તો એવું ય થાય છે.

પ્રેમમાં તો એવું ય થાય છે.
સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે, સખી,
સંગાથે ઊડવાનું થાય છે.

...જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ત્યારે અંદર હેમંત કોઇ ગાય છે.

પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ
બસ એવું એવું તો પ્રેમમાં થાય છે.
જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે

વ્યસ્ત ઝીંદગી - 'હું' કિરણકુમાર રોય (Vyast Zindagi - 'Hun' KiranKumar Roy)

મારી વ્યસ્ત ઝીંદગી કઈક એ રીતે જીવી લઉં છું,
કે એક મુક્તક,
એક ગઝલ,
એક શેર લખી લઉં છું..

પીંજરા મા પુરઈ ને રહેવાની આદત થઈ ગઈ છે હવે,
સમય મળે તો આકશ મા આશાની ઉડન ભરી લઉં છું
હોંશલો હોય તો કોઇ તુફાન કે આન્ધી શુ??
'હું' તો હાથ ના હલેશા કરી દરિયો તરી લઉં છું

- 'હું' કિરણકુમાર રોય.

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય - રેખા સરવૈયા

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !

છાની પીડાને પારખી શકે,
ઘૂંટાતી વેદનાને ચાખી શકે !

લાગણી અવ્યક્ત જાણી શકે,
જગજિતની ગઝલ માણી શકે !

મૌનની લિપિને જે ઉકેલી શકે,
સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !

આનંદમાં પૂર્ણત: ખીલી શકે !
ઉદાસીને એક ખભે ઝીલી શકે !

અજાણી કેડી પર ચાલી શકે !
ભેરુનો હાથ પણ ઝાલી શકે !

સઘળું મન વણબોલ્યે કળી શકે,
શક્ય છે…. મને એક જણ (એવું) મળી શકે !!!

– રેખા સરવૈયા

આ ગઝલ - ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

- ડૉ. વિવેક મનહર ટેલર

દયા કરી દર્શન શિવ આપો.

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો. દયા કરી…

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો. દયા કરી…

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી…

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો. દયા કરી…

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો. દયા કરી…

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો.

સ્રોત

જીવી લઈશું - મહેક ટંકારવી

આ ઝીંદગી ની ચાર ઘડી એ રીતે જીવી લઈશું,
બે ઘડી હસી લઈશું,બે ઘડી રડી લઈશું.

બે દિવસ તમન્ના માં, બાકી બે પ્રતિક્ષ માં,
બાળશાહ ઝફર માફક આહ પણ ભરી લઈશું.

આ નફરતની નગરી માં પ્રેમ ગીત ગાવું છે,
ભરબજારે મજનું થઇ તું હી તું કરી લઈશું.

બોજ વાસ્તવિક તા નો થઇ જશે અસહ્ય જયારે,
આંખ બે ઘડી મીચી સ્વપ્નમાં સારી લઈશું.

હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે,
નામ આપનું લઇ ને સાગરો તરી લઈશું.

નામ , ઠામ ના પૂછો....ઓરખી તમેં લેશો,
મેહફીલ 'મહેક' થઇ ને જયારે મધમધી લઈશું.

- મહેક ટંકારવી

સ્રોત

પંડિત ચાલ્યા જાય છે

આ સુંદર રચના, નાની કવિતા મારા બાણપણ ની યાદ કરાવી દે છે.
પહેલા અમારા વર્ગ શિક્ષક ગાય અને અમે બધા એમની ગયેલી લાઈનો એમના પછી મોટે મોટે થી બુમો પડી ને ગાઈએ..

પંડિત ચાલ્યા જાય છે ,પંડિત ચાલ્યા જાય છે .
પગ માં જૂના જૂતા પેહરી પંડિત ચાલ્યા જાય છે .

આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે .
તડાક કરતા કેરી તૂટી તાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે .

ખીસા માંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે,
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થઇ છે.

આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે,
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે આથદય છે,
પંડિત ચાલ્યા જાય છે .પંડિત ચાલ્યા જાય છે .

સૂના સરવરિયા ને કાંઠડે - અવિનાશ વ્યાસ

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

- અવિનાશ વ્યાસ

સ્રોત

વગડાની વચ્ચે વાવડી

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે

નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે

મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે

સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી
વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે...વગડાની...

સ્રોત

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો...

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

વૈષ્ણવજન - નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

જીવન અંજલિ થાજો - કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો!
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો!
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!

-કરસનદાસ માણેક

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું - મુનિ શ્રી ચિત્રભાનુ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

- મુનિ શ્રી ચિત્રભાનુ

શબ્દો ને ચડી ગઈ છે ખાલી - રાજેશ

શબ્દો ને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી.. શબ્દો ને ચડી..

આભાસ વસંત નો ભરપૂર થયો,
ને પાનખરે કર્યા ઝાડવાં ખાલી.... શબ્દો ને ચડી..

આ જો ને હમણાં બાળપણ હતું,
ને જુવાની’ય છીનવાઇ ગૈ ખાલી....શબ્દો ને ચડી..

હજુ સમરું છુ સ્મરણો હું તારા,
ને વિદાય થી તારી ઘર થયું ખાલી....શબ્દો ને ચડી..

નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી.... શબ્દો ને ચડી..

-રાજેશ

ઇચ્છા નથી ઇશ્ચર લાગું - 'શૂન્ય' પાલનપુરી

ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
‘શૂન્ય’ છું, ઠીક છું, ઇચ્છા નથી ઇશ્ચર લાગું.

- 'શૂન્ય' પાલનપુરી

મહેંદી

ધણા વર્ષો બાદ મળ્યા નો પુરાવો છે કે
જે મહેંદી હતી હાથોમાં તે જણાય છે કેશોમાં

ફરી ન છૂટવાનું બળ - જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી,

ઉભો છું

આંખોમાં એક અદ્મ્ય આશ લઈ ઉભો છું
તું મળી જઈશ કદી, વિશ્વાસ લઈ ઉભો છું

તું મારી થઈ ગઈ છતાં મારાથી દુર છે
જાણે કે મધદરિયે હું, પ્યાસ લઈ ઉભો છું

તારી યાદના આંસુઓ ઘુંટડે ઘુંટડે પીધા છે
અને હોઠોં પર હું, ખારાશ લઈ ઉભો છું

તું જો નહિ હોય તો શ્વાસના પુર થંભી જશે
હું સ્વપ્નમાં પણ તારો સહવાસ લઈ ઉભો છું

એક એક ધડકન પર નામ તારું કોતર્યુ છે
ને છાતીમાં પણ તારો, શ્વાસ લઈ ઉભો છું

તારા સ્પર્શ માત્રથી અંતર મહેંકી ઉઠ્યુ છે
અને હૂં તારા સ્પર્શની સુવાસ લઈ ઉભો છું

આપ તારી જીદગી

આખરી રસ્તો બની ને મળ મને,
એક છે આધાર તારો કળ મને
ઓળખી લે તું સમય ની ચાલને,
આપ તારી જીદગી પળ પળ મને

જીવ્યો છું

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું

- અમૃત ‘ઘાયલ’

જિંદગી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- 'સૈફ' પાલનપુરી

એમનો સથવારો મળે ના મળે!! - 'હું' કિરણકુમાર રોય (Emno sathvaro male na male - 'Hun' KiranKumar Roy)

શમણા મારા ખોટાના પડે.
એમનો સથવારો મળે ના મળે!!

પ્રેમ મારો સાચો છે..
પુરાવા એના ક્યાથી મળે??

પ્રેમ કરનાર ને પ્રેમ મળતોજ હશે??
ઉત્તર આનો ક્યાથી મળે..

'હું' માત્ર એક આસ રાખુ.
મરજી એમની ફળે ના ફળે.

- 'હું' કિરણકુમાર રોય.

તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….!


- ધ્વની જોશી.

આજે તાળી આપો રાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

સાત સમંદર પાર અમારા ડુંગર સાત ખોવાયા
સાત ક્ષણોની વચ્ચે વચ્ચે સાત કિનારા આવ્યા

વરસ્યા નહી સુકાયા નહીં
તરસ્યા નહીં અમે તો કહીં
તમે તમારા કાનને મીંચો
હું મીંચું અવાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

તડકો મહેંક્યો અડધી રાતે અડધી વાતો મ્હેંકી
પગલાં તો શેવાળ થયાં આ પગલી કોની બહેકી ?

અટકી નહીં કે ભટકી નહીં
ઉઝરડા અહીં આ કોના કહીં
તમે તમારું ધુમ્મસ મીંચો
હું મીંચું વરસાદ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

- દિવા ભટ્ટ

જીવન બની જશે....

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

- ‘મરીઝ’

સાજન મારો સપનાં જોતો ...

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

- મૂકેશ જોષી

કરું ફરિયાદ કોને હું?

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ

નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.

જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ

ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ

ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ

- બાલુભાઇ પટેલ

ખામોશી... - 'હું' કિરણકુમાર રોય (Khamoshi - 'Hun' KiranKumar Roy)

તમારી ખામોશી નો જવાબ થઈ જઈશ,
હું હંમેશ માટે મૌન થઈ જઈશ..

નારાજગી તમને મારાથી છે..
સમય આવતા બધી દુર કરી જઈશ..

બધા પ્રશ્નોના ના જવાબ નથીજ હોતા,
એક જવાબથી તમારી મુંજવણ દુર કરી જઈશ.

માત્ર જીવનમાં પ્રેમજ મળવો જરૂરી નથી..
'હું' દુનિયામાં એક નવી મિશાલ મુકી જઈશ..

- 'હું' કિરણકુમાર રોય

પ્રણયમા જવાની

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

– અમૃત ‘ઘાયલ’

તમે પાંપણને પલકારે વાત કહી કઇ

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

-હરીન્દ્ર દવે

પહેલાં પ્રણયની વાત

ન સમજ ,ન ડહાપણ , ન હતો કોઇ સ્વાર્થનો પણ હાથ
ખૂબ જ સહજતાથી મિલાવી હતી એમણે મારી આંખમાં આંખ

ચહેરો હતો પીડાને દબાવેલો...
હા,પણ નહોતું રોગનું નિશાન !
આછા પ્રકાશમાં ચમકતું હતું ,એ મુગ્ધ પ્રેમીનું વાન.

દૂર હતાં પણ વધારે નજીક હતાં આમ
ખબર પડી ત્યારે ..
જ્યારે એમનાં સરી પડેલ પાલવ અડ્યાનું થયું મને ભાન.

સરળ શબ્દોમાં અથડાઈ મારાં દિલને
એ ઊછળતી ઊર્મિઓની વાત,
લાગ્યું તોડી રહ્યું છે કોઈક
આ પત્થરની જાન !

આંખમાં ઝીણાં સપના ને હતો મૂંગા શબ્દોનો સાથ...
બરાબર સમજી ગયો
આ તો હતી ..પહેલાં પ્રણયની વાત!!

-મેહુલ શાહ

બદનામ

આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

- જૈમિન મક્વાણા 'બદનામ'

તારા વગર કઇ નથી

જીવન મા તારા વગર કઇ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કઈ નથી,
હુ એવી રીતે તારા વિચાર મા ખોયી છુ,
કે મારા વિચાર તારી યાદ વગર કઇ નથી..

દોરાયલી રેખા મહીં

તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે

તારી છબી તું આયને જોઇલે પ્રથમ
ને તે પછી તું અન્યને એ ધરી શકે

તોફાન જો આવે હવાનું અહીં બને
તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે

વાતાવરણ આ બાગનું હોયજો માફક
કળિયો તણી અહિ પાંદડીઓ ખિલી શકે

એતો વરસવાનો મૂશળધાર થૈ વફા
તારા મહીં હો હામ તો સંઘળી શકે

- મુહમ્મદઅલી વફા

ખબર નથી મને દુનિયાની

ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે.
ખબર નથી કઈ દિશામાં જવાનું જ્યારથી દરેક દિશામાં તમોને જોયા છે..

- રાજ

એ કેવી સજા છે ?

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે..

- ‘મરીઝ’

લાગણીનો પાથરી જઈશ

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

- મનોજ ખંડેરિયા

સાવ સાચી વાત છે

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે
સૂર્ય દેખાશે ગગનમાં ક્યાંક એવી રાત છે...

યાદ આવી ગઈ.

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ.

ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ.

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ.

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ.

- નીનુ મઝુમદાર

મને કહેજે.....

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે.

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે.

મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે.

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે.

- અદી મિરઝાં,

તમને સમય નથી

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;

જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઈંતિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

- બાપુભાઈ ગઢવી

પ્યારની વાતો..

રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ ‘દી તો પ્યારની વાતો.

બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.

ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.

આપ્યું ‘તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.

‘રજની’ એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.

- રજની પાલનપુરી

મને જોઈ ને શરમાય છે.....

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

જાણી જોઇને..

જાણી જોઇને કોઈ મને દુર કરી રહ્યું છે,
હું એના દિલમાં છું છતાં મને શોધી રહ્યું છે....

સમ તને...

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,
આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને..

- આકાશ ઠક્કર

ના આવડ્યું.

કોઈના અંગત થતા ના આવડ્યું,
સ્વપ્નમાં પણ જાગતા ના આવડ્યું.

સાંજ પડતા, એ જ રસ્તો એ જ ઘર,
તો ય ત્યાં પાછા જતા ના આવડ્યું.

જિન્દગીભર નામ જે રટતા રહ્યા,
અંતમાં ઉચ્ચારતા ના આવડ્યું.

જે પળેપળ હોય છે હાજર સતત,
સાથ એનો પામતા ના આવડ્યું.

નીકળ્યો પગમાંથી જે મરજી મુજબ
એ જ રસ્તે ચાલતા ના આવડ્યું.

એટલે કેદી રહ્યા કાયમ અમે
ક્યાંય કાચું કાપતા ના આવડ્યું.

છે બધું પણ કૈં નથી ‘આકાશ’માં,
ભાગ્યને અજમાવતા ના આવડ્યું.

- આકાશ ઠક્કર

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)