લિજ્જત છે - અમૃત ‘ઘાયલ'

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

- અમૃત ‘ઘાયલ'

તને જ માગું છુ

તે રાતે મારા સ્વપ્નમાં આવી ઊંઘે છે
ને સવારે ઉઠી હું તેનામાં જાગું છુ

અસ્તિત્વ એક પણ વ્યક્તિત્વ અલગ એથી
એને મળવા ખુદમાં,હું મારાથી ભાગું છુ

તારાથી છુટા પડવાની સ્વતંત્રતા તો કેદ છે
તારા વિના હું મારા જેવોય ક્યાં લાગુ છુ!

મારી જેમજ, તને હું ના ઓળખાયો
હું તારી દુઆ નહીં, તને જ માગું છુ

વૈષ્ણવ ઈશિત

પથ્થર - 'હું' કિરણકુમાર રોય (Pththar - 'Hun' KiranKumar Roy)

પથ્થર ને આજ જીવંત કરી દઉં,
એના કાન માં આજ ખુદા કહી દઉં..

તરવાની કળા એમાં પણ છે,
ફેંકી એને સમંદર માં એ સાબિત કરી દઉં,

પ્રેમ, વેદના, ભાવના રાખે છે એ,
લાય ને આજ એના પર ગુલાબ ઉગાડી દઉં..

મારી આસ્થા ની તાકાત તો જુઓ એ લોકો,
'હું' પૂજીને એ પથ્થર ને ભગવાન બનાવી દઉં...


- 'હું' કિરણકુમાર રોય (૦૩ માર્ચ ૨૦૧૨)

મજાની ખિસકોલી - ત્રિભુવન વ્યાસ

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી.

તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી,
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી.

તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી,
તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી.

તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી,
કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી.

બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી.

- ત્રિભુવન વ્યાસ

ઈશ્વર શક્ય બને - વૈષ્ણવ ઈશિત

આ દેશ ની નૌકા વહે એ તો જ શક્ય બને
કે આસું વહે ને વહેણ શક્ય બને

બધી પ્રાર્થનાઓ ફળશે ત્યારેજ જયારે
બે હાથ જોડો ને ઈશ્વર શક્ય બને

ઇતિહાસ,સંસ્કૃતિ ને પરંપરા જ મળે છે રાહમાં
કદાચ મૌન મળે ને ઉકેલ શક્ય બને

લખું છું એટલે કે હું પણ સમજી શકું
આપ પણ સમજો ને ગઝલ શક્ય બને

- વૈષ્ણવ ઈશિત

કરતા જાળ કરોળિયો - દલપતરામ

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

- દલપતરામ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)