અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં - બરકત વિરાણી 'બેફામ'

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

- બરકત વિરાણી 'બેફામ'

હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં - પિંકલકુમાર જે. પરમાર ‘સખી’

હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં,
કારણ વગર રોજમળવામાં મજા નહીં.

આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,
દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં.

સપનાઓ કો’ક વખત હકીકત બને છે,
ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં.

ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,
આદત અજવાળાની પાડવામાં મજા નહીં.

‘સખી’ સમજાવે છે, તો સમજી લે ગઝલમાં,
દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહીં.

-પિંકલકુમાર જે. પરમાર ‘સખી’

હોળીના તહેવાર ની ખુબ ખુબ શુભકામનાઓ - ૨૦૧૧

મારા સર્વ વાચક મિત્રો ને હોળી ના પવિત્ર અને રંગો ભર્યા તહેવાર ની ખુબ ખુબ શુભકામનાઓ..
આ  હોળી આપ સર્વ નાં જીવનમાં રંગો થી ભરેલી ખુશી અને આનંદ લાવે..
કિરણકુમાર  રોય
હેત્વી  રોય

ઓ ઇશ્વર ભજીએ તને - પ્રાથના

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ...

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ...

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય...

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય...

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત...

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ...

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ...

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત...

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ...

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન...

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર...

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ...

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર...

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ...

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ...

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ...

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ...

- પ્રાથના

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)