કારણ વગર.....

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

- વિવેક કાણે ‘સહજ’

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તને છંદ રાખ્યું…

- પન્ના નાયક

પ્રયોજન સાવ જુદાં છે....

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પરદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તામાં પ્રયોજન સાવ જુદાં છે.

- નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

- નીતિન વડગામા

તું આવી હશે.....

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ શમણું આંખને અડકે..

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

- વિવેક મનહર ટેલર

પ્રાણ પણ નથી...

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ -
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

- વિવેક મનહર ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે...

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

બનશે નહીં...

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે -
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

- ડૉ. વિવેક મનહર ટેલર

નહિ રૂઠું,....

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રુસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

- ડૉ. વિવેક મનહર ટેલર

ગઝલ...

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

- ડૉ. વિવેક મનહર ટેલર

બધાનો હોઇ શકે...

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

- મનોજ ખંડેરિયા

રોશનીના સમ તને..,,

હામ હારી ના જઇશ મર્દાનગીના સમ તને,
ઘોર અંધારાએ દીધા રોશનીના સમ તને..

છપ્પા

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

માણસ વચ્ચે માણસ..

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.

“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું.

- નાઝિર દખૈયા

હું હાથને મારા ફેલાવું....

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

- નાઝીર દખૈયા

હમણાં હમણાં

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં

કોનો એને સંગ થયો છે ખબર નહીં
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં

પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

– મુકેશ જોષી

કંઈક કષ્ટ છે એ વાત

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

– રમેશ પારેખ

તો જોઇ લેવા દે..

આ દોસ્તોની લગનને તો જોઇ લેવા દે
મરું એ પહેલાં કફનને તો જોઇ લેવા દે.

પછી નજરમાં કોઇ ફૂલ પણ ખટકશે મને,
બસ એક વાર ચમનને તો જોઇ લેવા દે.

ઓ મારા મોત, ઘડી બે ઘડી તો થોભી જા!
જરા ફરીને વતનને તો જોઇ લેવા દે.

નથી, મેં જોયું કદી એને આંખ ઉઠાવીને,
ઓ દિલ, હવે આ જીવનને તો જોઇ લેવા દે.

નકાબ ઓઢી હતી જેને ઉમ્રભર તારી
ઓ પ્રેમ, એના વદન ને તો જોઇ લેવા દે.

- અદી મિરઝાં

કેવળ દુઆનો દોર.

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે !

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

– અંકિત ત્રિવેદી

દર્પણનું બિંબ

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

- અંકિત ત્રિવેદી

તરત તને સમજાય.

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય.

- અંકિત ત્રિવેદી

પર્વતને નામે પથ્થર

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

- ચિનુ મોદી

જામ

જીવું છું આમ ને શું કામ છું હું ?
સૂરાલય માં પૂછાતું નામ છું હું.
હશે બેમાંથી કોની બદનસીબી ?
તમે અડક્યાં નહીં તે જામ છું હું.

- ચિનુ મોદી

કોઇ ઇચ્છા....

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

- ચિનુ મોદી

એમના હાથોમાં પણ પથ્થર હતા..

જેમને મળવા અમે તત્પર હતા,
એમના હાથોમાં પણ પથ્થર હતા..

મારું સર્વસ્વ છો તમે

મારા જીવનરૂપી બાગમાં
આવનાર વસંતરૂપી બહાર છો તમે,

રણ માં હરિયાળી લાવીને
સુંદર બનાવનાર છો તમે,

પણ ડર લાગે છે ભયાનક રણમાં
રહેલ મૃગજળ તો નથી ને તમે,

નહીં માનો પણ મારું સર્વસ્વ છો તમે.....

એમ જ ચાહશો

તમારી સાથે મારો જુગ જુગ નો નાતો,
હૈયામાં છે હજારો મીઠી વાતો,
દિલ ની ધડકન અને આતુર આ આંખો,
પૂછી રહી છે શું તમે પણ મને આમ જ ચાહશો?????

નિષ્ઠુરતા.......

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.
- મરીઝ

આપણા માટે સમજદારી નથી...

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છોને ઊગ્યો અડધી રાતના!
ઓસ નાં ફુલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

- ચિનુ મોદી

કેમ પડતું નથી

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.

- આદિલ મન્સૂરી

બીજું કંઈ નથી અમે

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.


- ડૉ. વિવેક મનહર ટેલર

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ

એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ

દાવાનળ લાગતા પછી વાર નહી લાગે "રમેશ"
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

- રમેશ

માણી લે હર એક પળ તું આજે

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

મૌનને છૂપાવવું સહેલું નથી

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથી
આંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી

પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસ
સુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી

લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકો
બોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી

તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશે
લાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી

જીવન જીવાઇ જાયે છે....

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ‘ઘાયલ’

તમારું પાત્ર આવ્યું

તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

- 'સૈફ' પાલનપુરી

પગ પ્રમાણે ચાદરો લંબાય છે....

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
મિજાજ માફક અંત જેને જે ગમે વંચાય છે.

- ગુંજન ગાંધી

પ્રેમનુ એ ટપકુ પડ્યુ....

દોસ્તી ના પાલવમાં પ્રેમનુ એ ટપકુ પડ્યુ,
એ લાગણીઓને એની બહુ વસમુ પડ્યુ,

એક નાની વાત માં રાત આખી ગુજરી જતી,
એ થોડા શબ્દો પછી બોલવાનુ મોંઘુ પડ્યુ,

હાથ માં હાથ લઈ શહેર માં કેવા ફરતા,
એ દ્રશ્યને નજર માંથી ખસવુ પડ્યુ,

નવીન રજુઆત ના થઈ શકી જિંદગી ની,
અંતે સબંધોને લો પાણી માં ભળવુ પડ્યુ,

એ વાત પછી બીજી કદી આશ નથી નીકળી,
ખાલી ઊર્મિઓને દિલ માંથી મરવુ પડયુ.

એવા ખયાલ માં છુ...

એ ક્યારેક તો મળી જશે એવા ખયાલ માં છુ,
એના જ શહેરમાં બની મુસાફર પ્રવાસમાં છુ,

મારી સુગંધનો અંદાજ થોડો એ કાઢી શકશે,
કેટલાય દિવસથી બની અતર એના સ્વાસમાં છુ,

એક નિશાની મળે એની તોયે બહુ થઈ પડશે,
પગલા ક્યાં હશે ધૂળમાં એના, એ વિચારમાં છુ,

તરસ ના છીપાય મ્રુગજળથી એ તો ખબર છે,
તોયે લઈ ક્ટોરો હાથમાં , એની આશમાં છુ.

ના રાત પડી...

આખર તોયે ના રાત પડી,
મોંઘા સપનઓ ને ફરી લાત પડી,
હિંમત આપે જો ખુદા તો કહુ,
મન માં ઊંડે એક વાત પડી.

યાદ કર,...

જુની વાત ને એકવાર મનથી યાદ કર,
પ્રેમ આપણો કેવો સર્યો તો એ યાદ કર,

તારી કબુલાત પ્રેમની ને મારી હા પડી તી,
આંખો પર દીધેલા એ ચુંબનો યાદ કર,

ઇશારાઓ થી આંખના વાત છલકાતી રોજ,
હોઠો પર તરસતુ એ સ્મીત યાદ કર,

ભીંજાતી તુ કેવી વર્ષા માં મારી બાહોમાં રહી,
નાક અડાડી સાથે લીધેલા શ્વાસ યાદ કર,

હતો અડીખમ પ્રેમ લાખો મુસીબત સામે ,
પ્રેમ માં મળેલી એ વેદનાઓ યાદ કર.

વાવડ - 'હું' કિરણકુમાર રોય (Vavad - 'Hun' KiranKumar Roy)

મિત્ર ને મારા કોઇ આડ ના આપે,
મારા મરવાન વાવડ ના આપે...

- 'હું' કિરણકુમાર રોય

વિચારો - 'હું' કિરણકુમાર રોય (Vicharo - 'Hun' KiranKumar Roy)

આ વિચારો પણ કેવી મહત્વતા ધરાવે છે.
કે એ પત્થર ને ભગવાન અને માણસ ને હેવાન બનાવે છે.

- 'હું' કિરણકુમાર રોય.

શબ્દોનો સંગ્રામ - 'હું' કિરણકુમાર રોય (Shabdo no Sangram - 'Hun' KiranKumar Roy)

આજ શબ્દોએ સંગ્રામ કર્યો છે કે હુ તારુ વર્ણન નથી કરી શકતો,
આંબવા માંગુ છુ આકાશ પણ તારા વિના ઉડી નથી શકતો.

- 'હું' કિરણકુમાર રોય

યાદ ની મહોતાજ નથી.. - 'હું' કિરણકુમાર રોય (Yado ni Mahotaj nathi - 'Hun' KiranKumar Roy)

તુ મારી યાદ ની મહોતાજ નથી,
છોડી દે મને જો તને વિશ્વાસ નથી.

સંબંધોમા શંકાને કોઇ સ્થાન નથી,
બધા નુ ઓસડ છે પણ વહેમની કોઇ દવા નથી.

- 'હું' કિરણકુમાર રોય

મારું જીત્યું હમેશા ગુજરાત

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!

તારા વિના

તારા વિના મને એકલુ ગમતુ નથી,
બીજા કોઈની સાથે મન મારુ મળતુ નથી
આવી જા હવે પ્રેમની પરીક્ષા લીધા વગર,
તારા આવવાની રાહમાં આંખો રસ્તા પરથી હટતી નથી

તમારું નામ

વાત રાખી દિલ મા,વાત કહી ના શક્યા
યાદ કર્યા એમને તો શ્વાસ લઈ ના શક્યા
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે કોની પ્રીત કરી??
જાણવા છતાં પણ તમારું નામ લઈ ના શક્યા

ધીમે ધીમે

તે જો બે મીઠા બોલ બોલ્યા,
મારા કાનોમા સંગીત વાગ્યા,
ધીમે ધીમે તારા વિચારોનું,
મારા જીવનમાં પ્રવાસ જાગ્યું..

શું કરું

તું નથી પાસે પછી તારી છબીને શું કરું ?
જીવ જેમાં કાંઇ નથી એ જિન્દગી શું કરું ?

- બેફામ

શક્યતા નથી

પવન આ પલટાય એવી શક્યતા નથી,
ગગન ગોરંભાય એવી શક્યતા નથી.

પ્રેમ ને વિશ્વાસ બે અણમોલ રત્નો છે,
રતન આ વેચાય એવી શક્યતા નથી.

પૃષ્ઠો બધાં જોયાં સનમ દિલની કિતાબના
એવું મન વંચાય એવી શક્યતા નથી.

શક્યતા મેં તો ચકાસી જોઇ અંતરની,
નયન આ છલકાય એવી શક્યતા નથી.

સંવેદના ના વૃક્ષથી તોડીને લાગણી,
ગઝલ આ લખાય એવી શક્યતા નથી.

‘આનંદ’ ના આવેગને રોકી શકે એવો,
બંધ કોઇ બંધાય એવી શક્યતા નથી.

- અશોક જાની

વેરાન વન

સુમન જેવા તમે અને દિલ હતું મારું ચમન જેવું,
તમે ચાલ્યા ગયા એને કરી વેરાન વન જેવું...

- નાઝિર દખૈયા

દુવા ના આપશો

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….

મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

આજે અમે

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ પ્રેમ નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

હજીયે આંખ શોધે છે

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.
હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.
વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભરે ભેદી અવાજો રોજ પાણીમાં.
નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જયા પાંખો રોજ પાણીમાં.
વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં.

છળ છે કે શું?

કથામાંથી છટકેલ છળ છે કે શું?
ફરી એજ માયાવી સ્થળ છે કે શું?
મને શબ્દ ખેંચી ગયા કયાંથી કયાં,
એ સોના હરણ વાળી પળ છે કે શું?

- મનોજ ખંડેરિયા

છૂટી ગઈ છે આદત

અમને આદત હતી દરેક વાતે શાંત ચિત્તે ધીરજ રાખવાની
જ્યારથી તને પ્રેમ કર્યો છે છૂટી ગઈ છે આદત રાહ જોવાની.

બેવફાનુ નામ

ઈચ્છતો નથી છતા જીભ પર તેનુ નામ આવી જાય છે
પણ કોઈ પૂછે કે કોણ છે તો નામ બતાવી શકતો નથી

પવિત્ર - 'હું' કિરણકુમાર રોય ( Pavitra - 'Hun' KiranKumar Roy)

મારા દરીદ્ર જીવન પર એક દયા કર
તારો અણમોલ પ્રેમ આપીએને પવિત્ર કર

- 'હું' કિરણકુમાર રોય

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)