છોડીને આવ તું...

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અહેસાન

ભૂલવા તમને ક્યાં આસાન છે.
તમને ભૂલે એ તો નાદાન છે.
આપ તો વસો છો દિલ માં અમારા.
તમે અમને યાદ રાખો છો એ તો અહેસાન છે.

આણજાણ બને છે....

જાને છે છત્તા આણજાણ બને છે ,
એવી રીતે શુ કામ મને હેરાન કરે છે ,
મને પુછે છે કે તને શુ ગમે છે,
કેવી રીતે કહુ કે મને તો તુ ગમે છે.

શતરંજ

દૂરતા ના આ બધા દેખાવ છે,
છે નદી તો બેય કાંઠે નાવ છે.

ખૂટતી ખરચી ને લાંબી વાટ છે,
હાંફતા શ્વાસોનો શો પ્રસ્તાવ છે?

આંસુ ની ઇચ્છા અકારણ થાય છે,
ક્યાંક મારામાંય ઉંડી વાવ છે.

એક તરણું પહાડ ને માથે ચડયું,
પહાડ નું દિલ પણ ઘણું દરિયાવ છે.

ગોઠવી જ્યારે રહ્યો શતરંજ ને
એક મ્હોરું કહેતું; મારો દાવ છે.

- ચિનુ મોદી

એટલું આકાશ ફેલાવી શકું.....

એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.

રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?

જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.

હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.

હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

- અંકિત ત્રિવેદી

બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે......

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

- હર્ષવી પટેલ

હા, પાણીડાં છલકે છે

હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે

હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે

હે અંગે અંગરખું વા'લાને બહુ શોભે રાજ
હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે

હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે

ધૂણી રે ધખાવી...

ધૂણી રે ધખાવી બેલી..


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

– અવિનાશ વ્યાસ

ઊંચી મેડી તે મારા સંતની રે....

ઊંચી મેડી તે મારા સંતની રે..ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

- નરસિંહ મહેતા

કોઇના વગર !

વિચિત્ર રીતે કરું ક્યારેક મજાક ખુદની-
કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !

જુઠાણાંને સાચાં જે ઠરાવી જાણે -
તેને ચાલે જરૂર કોઇ બહાના વગર !

દુ:ખો દુનિયાનાં ઘણાં દૂર થઇ જાય -
ચાલે માનવને જો કંઇ વિચાર્યા વગર !

કોણે કયારે બનાવ્યું આ જીવન કેવું -
કોણ ક્યારે કરમાય કોઇના વગર !

સ્વાભાવે પરવાનાથી ચડિયાતો વળી -
જલી જાઉં ઘણીવાર કોઇ શમા વગર !

રહ્યો હું ખરે જ જમાનાથી પાછળ
મિથ્યાભિમાને કે ચાલશે જમાના વગર !

દીવાના હતા..

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.

કેટલુ સમજાવશે એ લોકને તું પણ "અદીલ"
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

શું છે નામ તમારું ??

એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે નામ તમારું ?”

આંસુ..

તમારી આંખમાંથી ટપક્યું
એકાદ ટીપું આંસુ,
હું દોડું તે પહેલાં દોડ્યાં,
મારી આંખમાંથી આંસુ.

પાલવ

ઊડ્યો પાલવ એમનો,
એમને ક્યાં ખબર છે ?
જઈને સ્પર્શ્યો જેમને, પૂછો
એમના શું ખબર છે.

રાત રાની ને દિવસે મહેકવું હતું....

રાત રાની ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું…

રડવું કેમ ?

રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.

ભીનો છું નહીં સળગું....

ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.

- મનોજ ખંડેરિયા

એ પ્રેમ છે....

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

- ડૉ. વિવેક મનહર ટેલર

જ્યારે પી ગયા ઝેર તો કહે છે હવે જીવવુ પડસે..! - અજ્ઞાત

જો પ્રેમ હતોજ નહી એમને તો એકરાર શા માટે કર્યો ?
જો આપવુ હતુ ઝેર તો ઈઝહાર શા માટે કર્યો ?
આપીને ઝેર કહે છે કે પીવુ પડસે..!
અને જ્યારે પી ગયા ઝેર તો કહે છે હવે જીવવુ પડસે..!

- અજ્ઞાત

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

- અજ્ઞાત

મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા.. - અજ્ઞાત

મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા..
મદીરા તો શું કોઇ ની કમી પણ પી ગયા..
રડાવી જાય છે અમને બીજા નાં દર્દો ..
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...

- અજ્ઞાત

પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે.. - અજ્ઞાત

પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

- અજ્ઞાત

તમારા માટે પણ કોઇ જીવતુ હસે. - અજ્ઞાત

સાગર ની પેલે પાર કોઇ રડતુ હસે,
તમને યાદ કરીને કોઇ તડપતુ હસે,
જરા દિલ પર હાથ રાખીને તો જુઓ,
તમારા માટે પણ કોઇ જીવતુ હસે.

- અજ્ઞાત

અમૃત વલોવી જહર શોધીએ છીએ - અજ્ઞાત

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ

- અજ્ઞાત

----
ઉપ્રોક્ત પન્ક્તિ કોણે લખેલ છે એ મને ખ્યાલ નથી પણ આ બે પન્ક્તિ ચિન્ટુ ની મમ્મી એ માત્ર મારા માટે લખેલ છે.

ભૂખ સદીઓથી મરી ગઈ છે અમને તોય,
કોઈક ખુશ થાય એટલા માટે થોડું ખાઈ લઈએ છીએ

- હેતવી સોની

તરસી જાય છે... - અજ્ઞાત

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….

- અજ્ઞાત

કવિતા...

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

- મુકુલ ચોક્સી

પ્રસંગો...

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા

- સૈફ પાલનપુરી

મા... - અજ્ઞાત

અણાધાર્યા આવી પડે, ઘટમાં દુ:ખના ઘા;
નાભિથી વેણ નીકળે, મોઢે આવે મા.

- અજ્ઞાત

વસાવી ના શક્યો..

તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને...! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો...!!

ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી...
...પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો...!

તમારી આ... યાદે... તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!

આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર .....
લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો

આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં...
પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો...

કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને...'અંકુર'
દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો...!!!

એક સ્મિત આપી દો જવાબ મા....

ઊજ્જ્વળ આ કિનારા ને ક્યા સુધી તરસ્યો રાખશો તમારા અન્તર મા,
શબ્દોને થીજાવી, મૌન વહેવડાવી, એક સ્મિત આપી દો જવાબ મા.

- પૌલિન શાહ

હુસ્ન તારું જ......

ઈશ્ક દુનિયામાં બદનામ છે,
હુસ્ન તારું જ આ કામ છે.

શું છે ચાહત નથી જાણતા,
બેવફા તેનું ઉપનામ છે.
હુસ્ન તારું જ......

દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે.
હુસ્ન તારું જ......

શાને સરગમ સૂરો છેડવા
આ તો બહેરાઓનું ગામ છે,
હુસ્ન તારું જ.......

મોહબ્બત...

કદી વસતી મહીં ભૂલા પડ્યા છો ?
હૃદય જેવા હૃદય સાથે લડ્યા છો ?
મોહબ્બત શું છે ? શું સમજાવું તમને -
કદી કોઈ વાર તહેવારે રડ્યા છો ?

- સૈફ પાલનપુરી

ઝાકળ કહેવાશે નહીં

વિગ્રહના ભાગાકારને ચળવળ કહેવાશે નહી
જીવન વિભાગી નાખવાથી પળ કહેવાશે નહીં

છોને કરોડો બુંદનો સંગ્રહ છલોછલ હોય એ,
દરિયો જશે જો ખેતરે, ઝાકળ કહેવાશે નહીં

- ઘનશ્યામ ઠક્કર

દાવ જીતે છે ઘણાએ હારનારાઓ..

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

- સાગર સિદ્ધપુરી

હું નથી આ પાર કે તે પારનો…

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

- અમૃત ‘ઘાયલ’

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

- મરીઝ

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું!

પણ હતું – એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ ન છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું.

- ‘શયદા’

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

- અનિલ જોશી

દીવાલો

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખય દીવાલો.

તમારે યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.

-મોહમ્મદ અલી ભૈડુ'વફા'

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

- અમૃત ‘ઘાયલ’

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં “ઘાયલ”
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.

- અમૃત ‘ઘાયલ’

ભુલી ગયા મને....

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

- કૈલાસ પંડિત

પૂછે છે ?

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

- કૈલાસ પંડિત

મારી આંખ લૂછું છું....

તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

- શેખાદમ આબુવાલા

બની જશે..

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

- મરીઝ

મેં કરી વિનંતી...

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા - એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!

– સૈફ પાલનપુરી

ફૂલોનું કબ્રસ્તાન

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

જનાજે જનાજે....

જુદી જીંદગી છે મીજાજે મીજાજે,
જુદી બંદગી છે નમાજે નમાજે;
છે એક સમુંદર એટલે થયું શું,
જુદા છે મુસાફીર જહાજે જહાજે;
છે જીવન જુદા છે કાયાયે જુદી,
છે મૌત જુદા જનાજે જનાજે.

ભીખરી...

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

શું થયું?

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

-ગુંજન ગાંધી

સંબંધો ના રહ્યાં તે ના રહ્યાં....

આપણે લાંબો સમય એવાં મળ્યાં અંતે એનાં કંઈ પૂરાવા ના મળ્યા.
એ રીતે સંબંધ સૌ પૂરા થયા બે ઘડી વાતો કરી છૂટાં પડ્યાં

લોક તો ભૂલી ગયાંતા ક્યારના તું મને ને હું તને ભૂલી ગયાં
જે થયું સારું થયું કહેજે હવે કે ઘણાં બંધન તને છોડી ગયાં

જે સતત સંભાળવા મારે પડ્યાં ડાયરીનાં પાન એ ફાટી ગયાં
તરી છે કે ફરી મળશે નહિં માર્ગ એવાં આજ ફંટાઈ ગયાં

પારદર્શી ના રહ્યો એ ક્યાંય થી એટલાં છે કાચનાં ટૂકડાં થયા
એ નથી સર્જન કે તે ના જાળવ્યાં પણ સંબંધો ના રહ્યાં તે ના રહ્યાં

વેચતો જ આવ્યો છુ......

જિંદગી ની કિતાબ ખુલી રાખી છે
તમને ગમે તે લખતો આવ્યો છુ
શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી
નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ.

- સોહિલ પટેલ

જીત પણ તકલીફ આપે છે....

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે....

ખુદા પાસે હવે શું માંગશે ?

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

અમાસ મા....

યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.

“ના" નથી હોતો.

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ "ના" નથી હોતો.

પ્રેમ

પ્રેમ ને આંખો નથી કે હોઠ નથી
પ્રેમ ની વ્યાખયા એટલી સચોટ નથી
આતો દિલ ના ઝખ્મો છે દોસતો
નરી આંખે જોઇ શકાય એવી ચોટ નથી

વિસ્તરણ મારું..!!

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો,
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું..!!

કેવી રીતે...

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

નાવનો ઉદ્ધાર કર !

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

યુદ્ધ ના માંગ્યુ છતાં આવી ઊભું
જા, ખુમારીથી ધનુષટંકાર કર !

જિંદગીમાં જે ક્ષણો આવી મળે
તું ઉલટથી સર્વનો સ્વીકાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

વરસાદમાં..

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

મામો

કરવાનું શું ને આ શું કરી રહ્યો છે?
તૂટેલ તુંબડીથી સાગર તરી રહ્યો છે?
મુશાયરાના દિવસો વેઢે ગણી ગણીને
ધંધો મૂકીને ‘મામો’ ગઝલો લખી રહ્યો છે.

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

– આદિલ મન્સૂરી

સુરજ પણ મારી આગળ નમે છે !

ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે !

- સોહિલ પટેલ

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.

————-
સુરતના ‘ગુજરાતમિત્ર’ની પુર્તીમાંથી.

આભાર

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

કિસ્મત

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

એક બીજાને મળવાનુ રખો...

આજ નહીં તો કાલે મળજો; પણ મળવાનું રાખો
મુજમાં ઓછા વધતા ભળજો; પણ ભળવાનું રાખો.

સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં
ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો.

જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી
મનગમતા ઢાંચામાં ઢળજો; પણ ઢળવાનું રાખો.

તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના
મને નહીં તો બીજાને ફળજો; પણ ફળવાનું રાખો.

તેનાથી કંઈ ફેર પડે ના આ જગનાં પાપોમાં
પુણ્યો થોડાં થોડાં રળજો; પણ રળવાનું રાખો.

માફકસરનું તમે બધાને આપી ના શકવાના
ઝીણું દળજો; જાડું દળજો; પણ દળવાનું રાખો.

ગઝલો પણ સાંભળવી, લખવી નીતર્યો બ્રહ્માનંદ છે
એ બાજુ છો ઓછા ઢળજો; પણ ઢળવાનું રાખો

- સોનલ

ક્ષીતીજ

સ્નેહનું મીલન જેટલું મધુર છે..
એ સ્નેહ થી દીલ ચુર ચુર છે...
આકાશ ને ધરતી આમ તો મળતા નથી....
તોય ક્ષીતીજ નુ નામ મશહુર છે.....

નથી રહ્યા

નિર્દોષ આંખડીના ઇશારા નથી રહ્યા
જીવન અને મરણના સહારા નથી રહ્યા
કોઈનો કેવી રીતે ભરોસો કરું ભલા
મિત્રોય આજકાલ તો મારા નથી રહ્યા

નથી દેતા...

આપે છે દિલાસો અને રડવા નથી દેતા,
દુ:ખ મારૂ મિત્ર મને જીરવવા નથી દેતા,
આંસુ જ ટકાવે છે મને ભેજ બની,
એ જીવતા માણસ ને સળગવા નથી દેતા

પ્રેમ નો બદલો..

એના થી વિશેશ પ્રેમ નો બદલો કશો નથી,
એને ભુલી જવા મને એનિ રજા મલી....!

પાણીના ટીપે...

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલને,કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

સંબધ

આપણા સંબધ નો એજ સાર છે,
પાણી ની સમજ નથી અને વ્હાણ નો આકાર છે.

સંબંધો...

સંબંધો એવા બનાવો કે જેમા ..
શબ્દો ઓછા ને સમજ વધારે હોય
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય્
શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.

રહી જાઉં......

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

પ્રેમ !!!!!!!!!!

પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !
સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
હર રાત એક મિઠો ઉજાગરો છે !
આખ અને નિન્દર ને સામ સામુ વેર છે.." એનુ નામ પ્રેમ છે "..

તું અને હું

તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

- સુખદેવ પંડ્યા

મરીઝ

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે, તો જોતી થઈ જતે દુનિયા મને.

- મરીઝ

મન થાય..

મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય.....

શંકર નથી હોતા.......

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા............

આવજે......

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.
ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે.
લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે.
હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.
તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.
મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.

'હા' અને 'ના'

તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...

તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
.
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
.
પણ હું રહીશ તો તારી જ સાથે...

હુંય આખો નીતરૂં.......

કંઇક એવા ખ્વાબ મારી આંખમાં હું ચીતરું,
કે આભ આખુ આવરું એટલો હું વિસ્તરું.
જો તને લાગી રહ્યું હોય મારૂં દિલ પત્થર સમુ,
લાવ છીણી ને હથોડી નામ તારૂં કોતરૂં.
ખેંચવાનું બેય બાજુ એક સરખું ચાલશે,
એ ક્યાં સ્હેજેય ચડે છે, હુંય શેનો ઉતરું.
હુંય છુ જીદ્દી સખત જો એજ તારી જિદ્દ હોય,
ભુલવા જ્યારે કરે કોશીશ, પ૬ઓ સાંભરૂં.
પ્રેમની આંધી ઉઠે ને ઝાપટુ થઇ ત્રાટકે,
તુંય લથબથ થાય આખી, હુંય આખો નીતરૂં.......

વહાલ ની સરીતા.........

હુ એ નથી જે કોઇના જીવન ની વાર્તા બની જવુ,
હુ એ નથી કે કોઇના આખ ના અશ્રુ બની જવુ,
હુ એક એવી વહાલ ની સરીતા છુ કે જેના જીવન મા વહૂ...
તેની જીન્દગી બની જવુ

પ્રેમની અસર

કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું

રેહવાતુ નથી...

તમારા પ્યાર વીના રેહવાતુ નથી
પ્યાર નુ આ દર્દ હવે સહેવાતુ નથી
કહેવા માટે આવુ છુ તારી મેહફીલ મા
મો ખોલુ છુ અને કશુ કહેવાતુ નથી....

બમણુ રમે....

મારી આંખો માં તારૂ મુખડુ રમે,
તારી આખો મા મારી મસ્તી રમે,
તને એમ કે તારા પ્રેમ મા થાકી હારી બેશીસ હું,
પણ ના ગાંડી હાર્યા જુગારી તો બમણુ રમે....

પ્રેમ..

તારી પ્રેમની નાવડીમાં મુસાફર બની ફરું છું,
તારા વિશ્વાસના દરીયામાં મરજીવો બની તરું છું,
ભલે જીદંગીના તુફાનો લઇ જાય છે પ્રેમની નાવડીને તારા કિનારાથી દૂર,
પણ તારી લાગણીના હલેસા મારી ફરી આ જ કિનારે આવી તરું છું.

હું પીતો નથી...

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પડી ગયો હોઈશ !

હક....

જેને અમે પ્રેમ કરતા હતા,
એને અમારા પ્રેમ પર શક હતો
જ્યારે એમને અમારા પ્રેમ પર વિશ્વાશ આવ્યો.
ત્યારે અમારા પર હક કોઇ ઓર નો હતો.

તમે...

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.

આંખ લડી

ન તને ખબર પડી, ન મને ખબર પડી
ને હું પ્રેમમાં પડ્યો, ને તું પ્રેમમાં પડી
કારણ માં આમ કઇ નહીં, બે આંખ બસ લડી....

બન્નેના દિલ ધડ્કતા હતાં જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડ્તી ક્ડી

શરમાઇ જતી તોયે મને જાણ તો થતી
મારી તરફ તુ જે રીતે જૉતો ઘડી ઘડી
હૈયુ રહ્યું ન હાથ, ગયુ ઢાળમાં દડી
મેળામાં કૉણ કોને ક્યારે ક્યાં ગયુ જડી

ઢળતા સુરજની સામે સંમંદરની રેતમાં
બેસી શકેતો બેસ, અડૉઅડ અડી અડી
મારા વિના ઉદાસ છું તે જાણુ છું પ્રિયે,
મેં પણ વિતાવી કેટ્લી રાતો રડી રડી

મેં સાચવ્યો'તો સૉળ વરસ જે રુમાલને
તું આવ્યો જ્યાં નજીક ને ઉકલી ગઈ ગડી

ન તને ખબર પડી, ન મને ખબર પડી
કે હું પ્રેમમાં પડ્યો, કે તુ પ્રેમમાં પડી
કારણ માં આમ કઇ નહીં, બે આંખ બસ લડી....

-તુષાર શુકલ

પગલાં

સમયની ભીની રેત પર યાદોનાં પગલાં પડ્યા છે,
ના તો રેત સુકાય છે, ના એ પગલાં ભુંસાય છે.

અફ્વા

દર્દને દવા મળી
અગ્નિને હવા મળી,
તમારી હા છે એવી
અમને અફ્વા મળી.

હું કોઇને નડતો નથી

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

સ્મશાન

મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ,
મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ,
મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે?
હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે

- 'મક્કુ'

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)