હેલો ...

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વડલો કહે મારી વનરાયું સળગી

વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

-કવિ શ્રી દુલા ભાયા કાગ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)