નથી ગમતું મને.

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને.

- 'ખલીલ' ધનતેજવી

પ્રેમપત્ર

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

- 'ઊર્મિ'

એક (કોરો) (પ્રેમ) પત્ર

ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
બસ એમજ સાવ કોરો કાગળ લખું.

ખબર અંતર પૂછું પહેલા સમયના,
પછી પોરો ખાઈ થોડો, અંજળ લખું.

કેમ કરી અશ્રુઓ મોકલી શકાય પત્રમાં,
કહે તો વાદળ કહે તો ઝાકળ લખું.

ના, નથી સ્થિતિ કોઈને કહેવા જેવી,
છતાં શુભ-શુભ મંગળ મંગળ લખું.

ફુલોનો માર ખાઈ ખાઈ કોહવાઈ ગયો છું,
થોર છું થોર બીજું શું બાવળ લખું.

નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
છતાં તું મળે એવી અટકળ લખું.

હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને,
એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું.

વચ્ચેનો સમય જો દોહરાવી શકે તો,
એજ લી.-પહેલી અને છેલ્લી પળ લખું

- ફકત તરુણ

વ્યથા કોણ માનશે!

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

- મરીઝ

એક લાશ તરીને આવે છે..

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે

સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો

એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

- 'સૈફ' પાલનપુરી

મને મારો ખુદા યાદ...

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!!

- 'સૈફ' પાલનપુરી,

દિલ બધા માટે..

દર્દ રાખે છે દિલ બધા માટે,
એ સજા છે કવિ થવા માટે.

યાદ માં તારી કે ગુનાહો માં,
કંઈક ઈચ્છું છું ડૂબવા માટે.

દિલ ઊઠી જાય છે એ દુનિયાથી,
હાથ ઊઠતા નથી દુઆ માટે.

કંઈક એ રીતથી ફના થઈએ,
કંઈ ન બાકી રહે ખુદા માટે.

એ શહીદોથી કમ નથી હોતા,
જે જીવી જાય છે ખુદા માટે.

જિંદગી ભીડમાં હતી કિંતુ,
રાહ કરવી પડી કઝા માટે.

જો કવિતા નહીં લખો તો ‘અનિકેત’
કોણ બોલાવશે નશા માટે ..?

- અનિકેત

લાજ રાખી છે.

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

- કૈલાસ પંડિત

શાંતિ તો પારાવાર છે

અંતરે શાંતિ તો પારાવાર છે
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.
યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.
સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.

- રાકેશ ઠક્કર

સંસાર સળગી જાય છે

વાત વણસી જાય, લોકોને તમાશો થાય છે
એક નાની ભૂલમાં સંસાર સળગી જાય છે

- મહેશ યાજ્ઞિક

પ્રણયમાં ચોકડી તારી હતી

જીંદગી જાણે રમત શૂન-ચોકડી મારી હતી
ભાગ્યમાં મીંડુ, પ્રણયમાં ચોકડી તારી હતી

આવ-જા ના બેય પલ્લે પગ મુકી સાધ્યું અમે
લક્ષ્યમાં મારા, તમારી અધખુલી બારી હતી

વીરડીનાં શાંત જળ, અધ્યાય છે મીઠાશનાં
ને ઘૂઘવતાં સાગરોની વારતા ખારી હતી

એ ખરૂં વાતાવરણમાં ચોતરફ કલરવ હતો
જે હતી ટહુકામાં તારા, વાત કંઈ ન્યારી હતી

નાખુદા માન્યો તને, પણ ક્યાંય દીઠો ના ખુદા
માન કે ના માન, તારી સાવ ગદ્દારી હતી

- ડો. જગદિપ નાણવાટી

અમથીયે ક્યાં કોઈ અમને પડી છે

અમથીયે ક્યાં કોઈ અમને પડી છે
'જખ મારે દુનિયા' એ બુટ્ટી-જડી છે

હોઠે મેં પ્યાલી અડાડી હજી જ્યાં
મયખાનું પીધાની અફવા ઉડી છે

સપનાઓ બિચ્ચારા આળોટે રણમાં
વર્ષોથી બન્ને ક્યાં આંખો રડી છે

લક્ષમણની ખેંચેલી રેખાઓ સામે
ભીતરની ઈચ્છાઓ જંગે ચડી છે

મૃત્યુને સૌ કોઈ સંગાથે ગાજો
જીવતરના ગીતોની છેલ્લી કડી છે

- ડો. જગદિપ નાણવાટી

મસ્જીદ કે મંદિર ના નડ્યું

શબ્દ જે કહી ના શક્યું એ આંખથી સરકી પડ્યુ
કેમ જાણે રણ મહી મીઠું ઝરણ આવી ચડ્યું

એ અદા,ચંચલ હંસી, ઝુલ્ફો અને ગોરૂં બદન
સ્પર્શ નો પર્યાય હો એવી રીતે અમને અડ્યું

કંટકોના શહેરમાં, કંકર સમા છે દોસ્તો
લાગણી નામે અમોને એક પણ ઘર ના મળ્યું

હર પ્રસંગે આંસુઓ ચોધારને મુલવી જુઓ
કોણ કોની યાદમાં, ને કેટલું શાથી રડ્યું

આટલો તું રહેમદિલ ક્યારેય ન્હોતો એ ખુદા
આજ મયખાને જતાં, મસ્જીદ કે મંદિર ના નડ્યું

- ડો. જગદિપ નાણવાટી

હાથની રેખાના વળ

હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે

ભોળપણ ને બાળપણ બન્ને હજુ
ઉંબરા પાસેજ ટળવળતાં હશે

છન્ન પાયલ, ને સુરાના છમ્મથી
કેટલાના કાળજા ઠરતાં હશે

મૈકદામાં ક્યાં કદી આવે ખુદા
બેઉ જોકે પ્રાસમાં મળતા હશે

બોધ પરવાના ઉપરથી લઈ બધાં
મોતની શમ્મા ઉપર જલતા હશે

- ડો. જગદિપ નાણવાટી

સપના રૂપે ય આપ ન આવો

સપના રૂપે ય આપ ન આવો નજર સુધી
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી

શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયા
આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી

મંઝિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી

'બેફામ' તો યે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

- બરકત વિરાણી ‘બેફામ’

જીવન સ્થિર લાગે છે...

મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર લાગે છે.

નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર લાગે છે.

ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે.

નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

હસ્તરેખામાં નથી હોતી....

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારા થયાં નહિ તોય મારા માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

- બરકત વિરાણી ‘બેફામ’

જુઓ જાહેરમાં તો

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.

વહાવે ગગન બસ ત્યારથી વરસાદનાં આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.

ગમે તેવા પ્રસંગો દઈ બગડી નાખી દુનિયાએ,
હતી નહીતો બહુ સારી જીવનની વાર્તા મારી.

ભલેને આજ મારી હાજરી માં ચુપ છે લોકો,
નહીં હું હોવ એ વખતે બધા કહેશે કથા મારી.

હસીને જો જરા મારી કબર પર વ્યંગ માં ‘બેફામ’,
જગત છોડી ગયો એ પછી થઇ છે જગ્યા મારી.

- બરકત વિરાણી 'બેફામ'

ઠોકર બનીને આવ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ...

- બરકત વિરાણી 'બેફામ'

માફ હો

હો પ્રેમ જો ગુનાહ તો ગુનાહ માફ હો
ને લાગી જો નિગાહ તો નિગાહ માફ હો

ભલે મળે નહીં કદી ય મંજિલો અહીં
પસંદ છે આ રાહ તો એ રાહ માફ હો

હવે જ જિંદગી દીસે છે જીવવા સમી
થશે જીવન તબાહ તો તબાહ માફ હો

સદા હસે છે હોઠ, દર્દ ભીતરે ભરી
રખે ભરું જો આહ તો એ આહ માફ હો

ભલે ગગન સુધી જવાય ના કદી ‘સુધીર’
છે ઊડવાની ચાહ તો એ ચાહ માફ હો

- સુધીર પટેલ

બે કામ

જીવનમાં બે કામ તન્મયતાથી કર્યા છે
એકતો તને યાદ અને બીજું તને પ્રેમ
મનને મનાવવા આટલુંજ જરુરી છે
એકતો તારો ભ્રમ અને બીજું તારો વ્હેમ
તારી આસપાસજ રહેવાનાં કારણો
એકતો તુંજ લક્ષ્ય ને બીજું તું જ નેમ

- જયેશ ઉપાધ્યાય

હૈયે છે સતત નામ તારું

હૈયે છે સતત નામ તારું
ભુલથી ભુલવા ન વિચારું

રાતભર રાહ જોઇ એણે તારી
સ્વપ્નથી પણ રહ્યું એ બીચારું

હાથોની રેખામાં ટળવળે
કિસ્મતમાં લખ્યું છે અંધારું

ઠાલા શબ્દોનોજ એ ખેલ છે
કહી ક્યાં શકાયુ જે વિચારું

ભેદ પાડીજ પછીના શકાયો
આ મારું ને આ મન તારું

- જયેશ ઉપાધ્યાય

પ્રેમમાં કોઈ ફરક નથી....

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

- બરકત વિરાણી 'બેફામ'

નહોતી...

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– બરકત વિરાણી 'બેફામ'

કેવો ફસાવ્યો છે મને....

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- બરકત વિરાણી 'બેફામ'

શેર - મરીઝ

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલો ના શેર,
વાંચી ને એ રહે છે બીજાના ખયાલ માં..
-------

મીઠા તમારા પ્રેમ ના પત્રો સમય જતા
નહોતી ખબર કે દર્દ નુ વાંચન બની જશે.
-------

ચિત્રુ છું એનુ નામ હથેળી પર 'મરીઝ'
વિશ્વસ મને મારા મુક્કદ્દર પર નથી
-------

નથી સ્પર્શી શકાતુ સહિત્યને અલ્પ વાણીથી,
નથી ભિંજાતુ આકશ વાદળ ના પાણીથી.
-------

આ જીણા રમકડા બહુ મનહર લગ્યા ,
સૌંદર્ય અને રંગ થી સરભર લગ્યા.
ઇન્કાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો,
હસ્તાક્ષરો તારા મને સુંદર લગ્યા.
-------

થયું મોડુ છત્તા કામ થયું,
સૌના મોઢામાં રામ રામ થયું.
સઘડા સદગત મને કહે છે મરીઝ,
ચાલો મર્યા પછી તો નામ થયું.
-------

સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગોના ગેબી ઇસારે પી ગયો છું હું.
કોઇ વેળા કશી ઓછી મળે તો એની શીકાયત શું,
ઘણી વેળા ગજાથી વધારે પી ગયો છું હું.
-------

- મરીઝ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)