એક સરનામું મળ્યું - હરિશ્ચન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી

નહીં શકે – રિષભ મહેતા

તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

- રિષભ મહેતા

સ્ત્રોત (મારા મેઈલ માંથી)

મંજુર નથી... નથી મંજુર... - જીતેશ શાહ 'જીવ'

જીતેશ ભાઈ આપની આ રચના મેલ કરવા બદલ ખુબ ખુબ આભાર...

સમય સાથે
રહ્યો નથી
એનો અફસોસ નથી.

સમય ને ભૂલ્યો નથી
એનો આનંદ છે.

સમય મને ભૂલી જશે?
એની પરવાહ નથી.

સમય માં ઓગળી
જવાનું મને મંજુર

સમય ની રેતમાં...
પગલા જરૂર હશે..

ભલે ફરી વળે પાણી....
દરિયા માં મળી જવું મંજુર છે

અફસોસ નથી ગુમાવ્યું કેટલું?
આનંદ છે કે ના માંગે મળ્યું!

આભાર હે ભગવાન!
તને હું ભૂલ્યો નથી.

યાદ રાખજે હે પ્રભુ ?
જીવ ને ભૂલવાનું મંજુર નથી...
નથી મંજુર નથી મંજુર...

- જીતેશ શાહ 'જીવ'

બા એટલે બા - જીતેશ શાહ 'જીવ'

બા એટલે કરકસર ની દેવી
પણ ભણવા માટે કરકસર નહિ
બા ના ગુસ્સ્સામાં પણ પ્રેમ નીતરે
બા ના મારમાં પણ નર્યો પ્રેમ
બાએ મને ક્યારેય ભૂખ્યો નથી રાખ્યો.. બા એટલે બા ....

બા એટલે ઊર્મિનો સાગર
બા એટલે અંતરની અનુભૂતિ
બા એટલે બળબળતા વાયરામાં
પણ મીઠી મઝાની નીંદર ...
બા એટલે ખળખળ વહેતું અમી ઝરણું
પાપી પણ તેમાં ડૂબકી દઈને મુક્ત થાય બા એટલે બા ....

બા એટલે દયાની દેવી ..
બા એટલે સંતાનનું સુખ માટે
જિંદગી સમર્પણ કરતી માતા
બા એટલે ભગવાનની અમૂલ્ય ભેટ. બા એટલે બા ....


બા એટલે દુનીયાની પહેલી
જીવતી અને જાગતી અજાયબી
બાકી બધી એમના પછી આવે
બા તો ભગવાન ને પણ
એમની રીતે ઉઠાડે નવડાવે
રમાડે જમાડે ને સુવાડે
ભગવાન પણ ચુપચાપ બધું કરી લે
બા પાસે એમનું પણ ન ચાલે. બા એટલે બા .....

બા એટલે મારી કવિતા ની પ્રેરણા
બા એટલે કવિતા ની શુરુઆત
મધ્યાંતર અને અંત ,
બા એટલે અલ્પવિરામ અને
બા એટલે જ પૂર્ણવિરામ. બા એટલે બા ....
"જીવ" અજબ છે આ બા !
કોણે બનાવી આ બા?
ભગવાનને જયારે લાગ્યું કે
હું બધે નહિ પહોંચી વળું ૨૪/૭
એટલે મોકલી આપણી પાસે
" જીવ "સવાલ એ નથી કે
બાએ શું કર્યું આપણે માટે ?
આપણે શું કર્યું બા માટે ?

- જીતેશ શાહ 'જીવ'

તને - હર્ષદ ત્રિવેદી

આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,

તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.


હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને.


એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.

નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.

- હર્ષદ ત્રિવેદી

સ્ત્રોત

અમે સૂતા ઝરણાને જગાડ્યું - ઉમાશંકર જોષી



અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

- ઉમાશંકર જોષી

આવો તોય સારું



પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાઓ તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘું તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું.

- અજ્ઞાત

કલ્પનાનું જગત - ગની દહીંવાલા

કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે...

- ગની દહીંવાલા

એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું - સુનીલ શાહ

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

- સુનીલ શાહ

સ્ત્રોત

આભાસ

હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે આભાસ છે.”

- અજ્ઞાત

માંગે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છે
એક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે.

માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજી
એક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે.

ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાં
આ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે.

મારા શબ્દો પર ભરોસો ન હોય તો પૂછ ઇશ્વરને
આ હોઠ હર પળ તારા માટે જ દુવા માંગે છે.


મારુ જીવન કદાચ તને નહી લાવી મારી પાસે
દગાબાજ શ્વાસો જો! મારા મરણની અફવા માંગે છે.

અમે તો છીએ વિસરાઇ ગયેલી કથની નાની
મારા મરશીયા તારા જીવનના ગીત નવા માંગે છે.

- અજ્ઞાત

જરાક મોડો પડ્યો - વિશાલ મોણપરા

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો,
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો.

બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા,
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.

મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ,
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો.

વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ,
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો.

- વિશાલ મોણપરા

તારો જવાબ શું હશે? - વિશાલ મોણપરા

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

- વિશાલ મોણપરા

સ્ત્રોત

શું કરું ?- બેફામ

જે જલાવે જાત, એ ધબકાર લઇને શું કરું ?
પારકો જે થઇ ગયો એ પ્યાર લઇને શું કરું ?

- બેફામ

અઘરો જવાબ છું - ડો.ફિરદૌસ દેખૈયા

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

- ડો.ફિરદૌસ દેખૈયા

સ્ત્રોત

કાનજી તારી મા કહેશે - નરસિંહ મહેતા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી તારી મા....

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે.. કાનજી તારી મા....

- નરસિંહ મહેતા



સ્ત્રોત

ખબર નથી

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાનીના આભાસથી દોટ મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું

- અજ્ઞાત

કુમકુમના પગલાં પડ્યાં - ગરબો

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

માડી તું જો પધાર
સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર
કરજે પાવન પગથાર

દીપે દરબાર
રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો
થાયે સાકાર
થાયે સાકાર થાયે સાકાર

ચાચરના ચોક ચગ્યાં
દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

મા તું તેજનો અંબાર
મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો
થાશે આનંદ અપાર

ભવો ભવનો આધાર
દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક
પર થોડી લગાર
થોડી લગાર થોડી લગાર

સૂરજના તેજ તપ્યાં
ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

તારો ડુંગરે આવાસ
બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું
રમે રૂડા રાસ

પરચો દેજે હે માત
કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ
તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ

માડી તારા નામ ઢળ્યાં
પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

એક તારો આધાર
તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી
ભવ તું સુધાર

તારા ગુણલાં અપાર
તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ
માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર

માડી તને અરજી કરું
ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં
માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા - ગરબો

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ..

ઝીણી ઝીણી જાળીયું મેલાવો ઓલ્યા ગરબા,
ઝીણી ઝીણી જાળીયું મેલાવો રે લોલ..

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ..

અંબાજીના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
અંબાજીના માથે ઘૂમ્યો રે લોલ..

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ..

અબાંજી ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
અબાંજી ગામે પધરાવ્યો રે લોલ..

માએ ગરબો કોરાવ્યો - ગરબો

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

અશ્રુની વર્ષા થૈ - અજ્ઞાત

અશ્રુની વર્ષા થૈ ને સ્વપ્ન ધોવાઇ ગયા,
એમને શોધ્યા વિનાજ એ દેખાઇ ગયા.
જીવન ભર પ્રેમ કરતી રહી મીરા,
અને ક્રિષ્ન બસ રાધા માંજ ખોવાઇ ગયા.

- અજ્ઞાત

તરત અવતાર લે - ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.


- ચિનુ મોદી ‘ઇર્શાદ’

હું તમને બહુ ચાહું છું - સૈફ પાલનપુરી

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

લાગશે કેવું તને? - ચિનુ મોદી ‘ઇર્શાદ’

પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?

આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાચશે
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?

પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને ?

આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને ?

નિત્યના અંધારનો ઇર્શાદ તું હિસ્સો થશે,
દ્રશ્યથી બાકાત બનશે, લાગશે કેવું તને ?

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)