રૂમાલમાં ગાંઠ - મરીઝ

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ;
હ્રદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

ન દિલમાં ગૂંચ છે કોઈ, ન છે ખયાલમાં ગાંઠ;
પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.

નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,
કે કોણ બાંધી ગયું છે અમારી ચાલમાં ગાંઠ.

ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!

પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?
ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.

તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!
હજાર બાંધીને છોડી દીધી ખયાલમાં ગાંઠ.

જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,
પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?

- મરીઝ

હકદાર લાગે છે – ગની દહીંવાલા

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ગની દહીંવાલા

નથી કોઈ તારામાં વિધી મદિરા...

નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

હતી મારી તું પ્રતિનિધી મદિરા,
બધામાં તને આગે કીધી મદિરા.

અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા.

નથી પાપ તુજમાં કે અગ્રિ પરીક્ષા,
સરળતાથી તેં પાર કીધી મદિરા.

સતત થઈ રહ્યાં છે સુરાલયના ફેરા,
નિરાંતે કદી મેં ન પીધી મદિરા.

ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

નશામાં બધી વાત કરવી જ પડશે,
અમારી છે તું પ્રતિનિધી મદિરા.

'મરીઝ' એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા.

સ્રોત

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)