ઉભો છું

આંખોમાં એક અદ્મ્ય આશ લઈ ઉભો છું
તું મળી જઈશ કદી, વિશ્વાસ લઈ ઉભો છું

તું મારી થઈ ગઈ છતાં મારાથી દુર છે
જાણે કે મધદરિયે હું, પ્યાસ લઈ ઉભો છું

તારી યાદના આંસુઓ ઘુંટડે ઘુંટડે પીધા છે
અને હોઠોં પર હું, ખારાશ લઈ ઉભો છું

તું જો નહિ હોય તો શ્વાસના પુર થંભી જશે
હું સ્વપ્નમાં પણ તારો સહવાસ લઈ ઉભો છું

એક એક ધડકન પર નામ તારું કોતર્યુ છે
ને છાતીમાં પણ તારો, શ્વાસ લઈ ઉભો છું

તારા સ્પર્શ માત્રથી અંતર મહેંકી ઉઠ્યુ છે
અને હૂં તારા સ્પર્શની સુવાસ લઈ ઉભો છું

આપ તારી જીદગી

આખરી રસ્તો બની ને મળ મને,
એક છે આધાર તારો કળ મને
ઓળખી લે તું સમય ની ચાલને,
આપ તારી જીદગી પળ પળ મને

જીવ્યો છું

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું

- અમૃત ‘ઘાયલ’

જિંદગી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- 'સૈફ' પાલનપુરી

એમનો સથવારો મળે ના મળે!!

શમણા મારા ખોટાના પડે.
એમનો સથવારો મળે ના મળે!!

પ્રેમ મારો સાચો છે..
પુરાવા એના ક્યાથી મળે??

પ્રેમ કરનાર ને પ્રેમ મળતોજ હશે??
ઉત્તર આનો ક્યાથી મળે..

'હું' માત્ર એક આસ રાખુ.
મરજી એમની ફળે ના ફળે.

- 'હું' કિરણકુમાર રોય.

તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….!


- ધ્વની જોશી.

આજે તાળી આપો રાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

સાત સમંદર પાર અમારા ડુંગર સાત ખોવાયા
સાત ક્ષણોની વચ્ચે વચ્ચે સાત કિનારા આવ્યા

વરસ્યા નહી સુકાયા નહીં
તરસ્યા નહીં અમે તો કહીં
તમે તમારા કાનને મીંચો
હું મીંચું અવાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

તડકો મહેંક્યો અડધી રાતે અડધી વાતો મ્હેંકી
પગલાં તો શેવાળ થયાં આ પગલી કોની બહેકી ?

અટકી નહીં કે ભટકી નહીં
ઉઝરડા અહીં આ કોના કહીં
તમે તમારું ધુમ્મસ મીંચો
હું મીંચું વરસાદ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

- દિવા ભટ્ટ

જીવન બની જશે....

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

- ‘મરીઝ’

સાજન મારો સપનાં જોતો ...

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

- મૂકેશ જોષી

કરું ફરિયાદ કોને હું?

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ

નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.

જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ

ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ

ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ

- બાલુભાઇ પટેલ

ખામોશી...

તમારી ખામોશી નો જવાબ થઈ જઈશ,
હું હંમેશ માટે મૌન થઈ જઈશ..

નારાજગી તમને મારાથી છે..
સમય આવતા બધી દુર કરી જઈશ..

બધા પ્રશ્નોના ના જવાબ નથીજ હોતા,
એક જવાબથી તમારી મુંજવણ દુર કરી જઈશ.

માત્ર જીવનમાં પ્રેમજ મળવો જરૂરી નથી..
'હું' દુનિયામાં એક નવી મિશાલ મુકી જઈશ..

- 'હું' કિરણકુમાર રોય

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)