દિલમાં વ્યથા આખી ઉમર લાગી - મરીઝ

ફકત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી.
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી
તને પણ પાછા ફરતા એક મુદ્દત નામાબાર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધના લીધી.
મને તો આખી દુનીયા મારા જેવી બેકદર લાગી.


ઝરણ સુકાઈને આ રીતથી મ્રુગજળ બની જાએ
મને લાગે છે એને કોઈ પ્યાસાની નઝર લાગી

હવે એવું કહીને મારુ દુ:ખ શાને વધારો છો.
કે આખી જીંદગી ફીકી મને તારા વગર લાગી


હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો.
ને શંકા કદી લાગીતો એ તારી ઉપર લાગી.

ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પૂરાવો છે
જે મેહંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.

બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યો છે
પછી આ આખી દુનીયા મારું દીલ લાગી, જીગર લાગી.

અચલ ઈન્કાર છે એનો 'મરીઝ' એમાં નવું શું છે?
મને પણ માંગણી મારી અડગ લાગી, અફર લાગી.

- મરીઝ

સ્ત્રોત આત્મા પરથી

નથી શકતો - બરકત વિરાણી 'બેફામ'

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

- બરકત વિરાણી 'બેફામ'


સ્ત્રોત ગુજરાતી કવિતાઓ પરથી

પરિચય છે મંદિરમાં દેવોને મારો - 'શૂન્ય' પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું જ કોઈથી
તમારા પ્રતાપે બધાં ઓળખે છે

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો
મને તારું સૌ મયકદા ઓળખે છે

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી
સભાને ભલે હોય ન કોઈ ગતાગમ
મને ગર્વ એ છે કે શમા ઓળખે છે

મેં લો’યાં છે પાલવથી ધરતીનાં આંસુ
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની
મને જ્યારથી તારલાં ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં
તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે
દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો છું રોગી જેને
બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યાં છે
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ ખબર છે વફાને
દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે

- 'શૂન્ય' પાલનપુરી

સ્ત્રોત: ગીત ગુંજન પરથી

આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે...

ફેલાવીને આ વિશાળ પાંખ ઊડાન અમારી સફળતાના ગગન પર છે...
મંઝિલની દૂરી માપી નથી, કારણ કે હજી હોંસલો અમારો અકબંધ છે...

ગરુડ છીએ અમે, નજર સતેજ છે, કોઇ પારેવડું નથી કે ડરી જઈએ...
પરવા નથી કોઇ ઝંઝાવાતની, આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે...

- અજ્ઞાત

સ્ત્રોત - પ્રિયદર્શી સાહેબ ના ફેસબુક ની વોલ પરથી..
(આ રચના ના સર્જકનુ નામ ગુગ્લીંગ કરતા મને આ લિંક મળી..)

ભગવાનનો ભાગ - રમેશ પારેખ


ખુબજ સરસ રચના રમેશભાઈ ની વાંચી ને ખરેખર આંખ માં ઝળઝળિયાં આવી ગયા.. આશા રાખું કે આપ સૌને પણ આ રચના ગમશે... મને આ રચના મારા ફેસબુક ના અકાઉન્ટ માંથી મળી છે..


નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
...ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

- રમેશ પારેખ

સ્ત્રોત મારા ફેસબુક ના અકાઉન્ટ માંથી

અત્તરિયાને – બાલમુકુન્દ દવે


દોસ્તો મને એક એવું ગીત મળ્યું જે હું તમારા બધા સાથે પણ શેર કરવા માંગું છું..નાનપણ માં ગુજરાતી ની પાઠ્ય પુસ્તક માં આ બાલમુકુન્દ દવે સાહેબ નું ગીત વાંચ્યું હતું અને પરીક્ષા માં પાસ થવા ગોખ્યું પણ હતું ;).. મને હજી પણ યાદ છે અમારા ગુજરાતી ના સાહેબ શ્રી બાબુભાઈ ગોન્ડલીયા આ ગીત સરસ રાગ માં ગઈ સંભળાવતા.. અને અમને વેચવા અને વહેચવા વચ્ચે નો ભેદ સમજાવતા.. હું ટહુકો.કોમ નો ખુબ ખુબ આભાર માનું છું..


અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

– બાલમુકુન્દ દવે

સ્ત્રોત ટહુકો પરથી

બાકી છે - ભરત વિંઝુડા

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

- ભરત વિંઝુડા

સ્ત્રોત

મોંઘી પડી - શેખાદમ આબુવાલા

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

- શેખાદમ આબુવાલા

સ્ત્રોત

શૂન્યમાં પણ આકાર છે.. - જીતેશ શાહ 'જીવ'

અભાર જીતેશ ભાઈ આપની આ સુંદર રચના મને મેલ કરવા બદલ..

મઝધાર માં પ્રભુ તારો આધાર છે...
ભલે લાગે શૂન્ય ,શૂન્યમાં પણ આકાર છે.

ભલે ના હોઈ કીમત શૂન્ય તારી ....
આકડા ની પાછળ ભલે હોઈ તું?

શૂન્ય તારી પણ કોઈ કીમત છે.
પ્રભુ નો સાથ છે તો કિનારો શું?

ભૂતને ભૂલી આજમાં ભળી જા..
ભાવી ની ફિકરમાં આજ કાં ભૂલે ?

આજે જીવી લીધું જી ભરીને
"જીવ" કાલની કોણે પડી છે?

૦૬/૧૧/૧૦
{ મારા વ્હાલા પ્રભુ! તમાંરો સાથ હશે તો જિંદગી થોડી આસiન હશે }

- જીતેશ શાહ 'જીવ'

દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ

આપ સૌ સ્નેહીજનો ને મારા દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને ને નુતન વર્ષાભિનંદન..

આપ સૌ સ્નેહીજનો ને મારા દિવાળી ના ખુબ ખુબ શુભેચ્છાઓ અને ને નુતન વર્ષાભિનંદન..

તુજ તારો ભગવાન... - જીતેશ શાહ 'જીવ'

 જીતેશ ભાઈ આપની આ સુંદર રચના આપવા બદલ ખુબ ખુબ આભાર..

હે જીવ! ક્યારેક...

લખેલું ભુંસાઈ જાશે...
વાંચેલું વિસરાઈ જાશે..

ગોખેલું ભૂલાય જાય..
જોએલું અદ્રશ્ય થાય...

શબ્દોના અર્થ બદલાઈ જાય ...
અરે ભાવાર્થ પણ બદલાઈ જાય ..

દુશ્મન મિત્ર થઈ જાશે?
મિત્ર દુશ્મન થઈ જશે?

દુનિયા આખી બદલાઈ જાશે ...
હોઈ શકે ભગવાન પણ બદલાઈ જાય....

જીવ જયારે તને તારી
સાચી ઓળખાણ થાશે

અનુભવ કામ નહિ આવે
સંસાર અસાર દેખાશે...

તારો આ "હું" મરી જશે ?
તુજ તારો ભગવાન થશે...

- જીતેશ શાહ 'જીવ'

સ્ત્રોત

ગિરા ગુર્જરી - કંચન ચાવડા

પોપટ બોલી
વિદેશી, કેકારવ
ગિરા ગુર્જરી

- કંચન ચાવડા

કંચન બહેન મને આપનું હુઈકું મેઈલ કરવા બદલ ખુબ ખુબ આભાર..
સ્ત્રોત : મારા મેઈલ બોક્ષ માંથી

સપના કહે હું બહાર ના જાઉં.. - અજ્ઞાત

મારી આવડી અમથી આંખમાં..હું બેઉને કેમ સમાવું ???
નીંદર કહે હું અંદર આવું...સપના કહે હું બહાર ના જાઉં..

- અજ્ઞાત
(મારા ફેસબુક ના એકાઉન્ટ માંથી બોલતારામ દ્વારા પોસ્ટ કરેલ..)

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)