જાગ રે માલણ જાગ..

જાગ રે માલણ જાગ..

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

હું નથી પૂછતો...

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

- 'શૂન્ય' પાલનપુરી

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો….

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો…

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો….

– આદિલ મન્સુરી

આજનો ચાંદલિયો..

આજનો ચાંદલિયો....

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

સજન મારી પ્રીતડી..

સજન મારી પ્રીતડી..
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી.
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી?
બળતાં હૃદયની તેંતો વેદના ન જાણી.
સજન મારી પ્રીતડી..

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી.
સજન મારી પ્રીતડી..

ભોમિયા વિના

ભોમિયા વિના મારે...

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા,

હર મહોબ્બત..

હર આહ ભરનારા પૂરા આશિક નથી હોતા,
હર આગિયાની રુહમાં સિતારા નથી હોતા,

હર મહોબ્બત..

હર હોઠની મુશકાનમાં મતરા નથી હોતા,
હર વારતાના અંત સરખા નથી હોતા,
હર મહોબ્બત..

હર આસ્થા, શ્રધ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીના નાદમાં ઘનશ્યામ નથી હોતા,
હર મહોબ્બત..

હર વમળનાં વર્તુળમાં કંકળ નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા,
હર મહોબ્બત..

હર ચમનમાં ઉડતાં બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા,

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા(૨)

છાનું રે છપનું કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…
છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

- અવિનાશ વ્યાસ

સગપણ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

- બાલુભાઇ પટેલ

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો…

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

અંધેરી ને ગંડુ રાજા.....

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાર ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે…

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

- દલપતરામ

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ....

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

- કલાપી

મારા વા’લાને વઢીને કે’જો જી…

મારા વા’લાને વઢીને કે’જો જી…


|

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

મારે ટોડલે બેઠો રે..

મારે ટોડલે બેઠો રે....|
|

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

ખોબો ભરીને અમે


ખોબો ભરીને...
|

|ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

- જગદીશ જોષી

ખુદા તારી કસોટીની

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી.
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી.

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો,
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

- બરકત વિરાણી 'બેફામ'

પકડો કલમ ને કોઈ પળે

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને

- મનોજ ખંડેરિયા

આંસુને પી ગયો છું

આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજ-કાલ
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં ભાર છે મિત્રોના માનમાં
હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી

- હરીન્દ્ર દવે

વેણુ વગાડતો

વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો …
વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો …
વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દલડા ચુરાવતો …
વેણુ વગાડતો

ખુશબુમાં ખીલેલાં ફુલ હતાં

ખુશબુમાં ખીલેલાં ફુલ હતાં
ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં
શું આંસુ ભૂતકાળ હતો શું
આંસુનાં પણ નામ હતાં......

થોડીક શિકાયત કરવી'તી
થોડાંક ખુલાસા કરવા'તા
મોત જરા રોકાઇ જતે
બે-ચાર મને પણ કામ હતાં....

હું ચાંદની રાતે નીકળ્યો'તો
ને મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંજિલ પણ મશહૂર હતી
કંઇ રસ્તા પણ બદનામ હતા...

જીવનની સમી સાંજે મારે
ઝખમોની યાદી જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો
બહુ અંગત-અંગત નામ હતાં.....

થઇ રાખને જે બેઠાં છે
એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો
કેવો ચંચલ જીવ હતો
કેવા રમતા રામ હતા.....

- 'સૈફ' પાલનપુરી

પાગલ છે જમાનો ફૂલોનો

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.

અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર
ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર
કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.

તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.

- 'શૂન્ય' પાલનપુરી

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈ ને કહેવાય..

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કૈં કૈં થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
ઇ તો અડતા કરમાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
મને મરવાનું થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર..
ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે નમણી નાર..
મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
ના ના રે બુજાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

- કાંતિ અશોક

કાન તને રાધા ગમે કે મીરાં?

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?.....
કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?

- ઇસુભાઈ ગઢવી

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર..


ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

ભીગી ભીગી જાય મારા સાડલાની કોર
આંખ મદેલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર

ના રહે આંખ્યુંનો તોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

કંકોત્રી

“કંઠસ્થ ગઝલો એમણે મારી કરીતો છે
એને પસંદ છો હું નથી શાયરી તો છે
વર્ષો પછી અમે બેસતાં વરસે દોસ્તો
બિજુંતો ઠિક એમની કંકોત્રીતો છે”

મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે
કાગળનો એનો રંગ છે ખિલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના બદનના જવાબ સમ
રંગીનીઓ છે એમા ઘણી ફુલછાબ સમ
જોણેકે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી
શિરનામ મારું કિધું છે ખુદ એના હાથ થી
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે
જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે
કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

આસીમ હવે એ વાત ગઇ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એજ છું
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

- આસીમ રાંદેરી

એકલાં જ આવ્યા મનવા

એકલાં જ આવ્યા મનવા

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

- ‘બેફામ’

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

બસ એટલી સમજ...

બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારૂં માન સતત હાજરીથી છે;
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું 'મરીઝ ';
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

- 'મરીઝ'

તમારાં અહીં આજ પગલાં થવાનાં

તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે.


શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે.


બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઇ ગઇ છે.


હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર – ડંખથી બેફિકર થઇ ગઇ છે.


પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઇ ગઇ છે.


ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;વિધાતાથી કોઇ કસર થઇ ગઇ છે.


‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઇ ગઇ છે.

- 'ગની' દહીંવાલા

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)