શાંત ઝરુખે

શાંત ઝરુખે વાટ નિરખતી

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …

એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું

એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી

એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો

એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી

એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..

ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી

બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન

મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું

તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….

- 'સૈફ' પાલનપુરી

છોડ.

તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.

વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઇ
વગડે વગડે હવે ફરવાનું છોડ.

તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.

તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.

પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.

એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

તારી ભીતર આખો ઝાકળનો દેશ છે
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.

તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી - ખરવાનું છોડ.

બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.

કોણે કીધું કે તને કોઇ નથી ઝંખતુ - ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.

- કાજલ ઓઝા

અમે અમદાવાદી

અમે અમદાવાદી…
અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…- અવિનાશ વ્યાસ

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.

જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.

ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર ફ. ખબરદાર

મારા સિવાયબીજા કેટલાં પડે છે

ગામ આખું કે’ છેએ હસે છે તોએના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,આ ખાડામાં, મારા સિવાયબીજા કેટલાં પડે છે ?

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ.
એકલા રહેવાની આદત થઇ ગઇ.

એક આંસુ કો’કનું લૂછી દીધું,
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ.

આયના સામે કશા કારણ વગર,
આજ બસ મારે અદાવત થઇ ગઇ.

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે,
કેવડી મોટી સખાવત થઇ ગઇ.

એમણે પીડા વિશે પૂછ્યા પછી,
કેટલી પીડામાં રાહત થઈ ગઈ.

કાલ મન ઉજજડ હતું પણ આજ તો,
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ.

- ઉર્વીશ વસાવડા

ખોબે ખોબે

ખોબે ખોબે દર્દ ના અપો મને,
દર્દો નો સમુંદર લૈ ને બેઠો છુ.
ભિખારી છુ તમારી દોસ્તિ ખાતર,
બાકિ તો હુંય સિકંદર થૈ ને બેઠો છુ...."

જૂનાં સંબંધોના સરવાળાં

”જૂનાં સંબંધોના સરવાળાં કરવાં ગમે છે;
મને આમજ ગોટાળાં કરવાં ગમે છે.

શાંત છું છતાં અશાંતી અનુભવું છું એટ્લે;
સ્થિર પાણીમાં કુંડાળાં કરવાં ગમે છે.

સ્વાર્થ સાધે છે લોકો મારી પાસે એટ્લે;
મને ક્યાં કોઇને વેગળાં કરવાં ગમે છે.

રક્તદાન કરવાં રક્ત રે’તુજ નથી કારણ;
મને હવે લોહીનાં કોગળાં કરવાં ગમે છે.

પાણી તો સીધું જ વહે છે ને “નિશાન”?
તો કેમ બધાંને વોકળાં કરવા ગમે છે..!

-કુશલ “નિશાન” દવે.

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડયો,
ન ફળી મહેનત મારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી.

ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ, હું અધિક ન માંગુ,
માંગુ એક ચિનગારી.

- હરિહરભાઈ ભટ્ટ

વાંદરાનું કાળજું

એક નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું. એ ઝાડ પર એક વાંદરો રહે. એ તો રોજ ઝાડ પરનાં મીઠાં મીઠાં જાંબુ ખાય, નદીનું સ્વચ્છ પાની પીએ અને આનંદ કરે. એ નદીમાં એક મગર રહેતો હતો. વાંદરાને આમ મોજ કરતો જોઈ મગરને એની સાથે દોસ્તી કરવાનું મન થયું.

એક દિવસ કાંઠે આવીને મગર વાંદરાને કહે કે ‘તમે એકલા એકલા આનંદ કરો છો, તે કરતાં આવો આપણે સાથે મજા કરીએ.’ વાંદરો કહે કે, ‘તું મને મારી નાખે તો ?’ મગર કહે કે ‘ના રે ના; એમ તે કાંઈ બને ? આપણે બન્ને તો દોસ્ત થઈશું.’ પછી તો મગર રોજ પાણીની બહાર આવે ને વાંદરો ઝાડ પરથી નીચે ઊતરે અને બન્ને ખાઈ-પી ગમ્મત કરે.

એક દિવસ વાંદરો ઝાડ પરથી ખૂબ પાકાં પાકાં જાંબુ લાવ્યો ને મગરને આપ્યાં. મગરે એકબે પોતે ખાધાં ને બીજાં એની મગરી માટે લઈ ગયો. મગરી તો મીઠાં મીઠાં જાંબુ ખાઈ ખુશ ખુશ થીઈ ગઈ અને મગરને કહે કે, ‘આ જાંબુ આવાં મીઠાં છે, ત્યારે જે હંમેશાં આ ફળ ખાતો હશે તેનું કાળજું કેટલું બધું મીઠું હશે ! માટે તમે એ વાંદરાને મારી નાખો ને એનું કાળજું મારે માટે લઈ આવો.’

મગરે તો મગરીને બહુ સમજાવી ને કહ્યું કે ‘તારે માટે હું દરરોજ મીઠા જાંબુ લાવીશ; પણ મારા મિત્ર વાંદરાને તો મારાથી કેમ મરાય ?’ પણ મગરી એકની બે થઈ નહીં ને હઠ લઈને બેઠી. ખાય નહીં પીએ નહીં. આખરે મગર બિચારો થાક્યો ને વાંદરાને કોઈ પણ બહાને મારી નાખવાનો નિશ્ચય કર્યો.

બીજે દહાડે દરરોજના નિયમ પ્રમાણે બન્ને મિત્રો નદીકિનારે સુખદુ:ખની વાતો કરતા બેઠા હતા, ત્યાં મગર વાંદરાને કહે કે ‘વાંદરાભાઈ, વાંદરાભાઈ, આપણે આટલા દિવસ થયાં દોસ્તી છે, પણ તમે એકેય દિવસ મારે ઘેર નથી આવ્યા. માટે આજ તો ચાલો. મારી મગરી તમને મળવાને બહુ જ આતુર છે. તમારે જરૂર આવવું પડશે.’

વાંદરો કહે કે, ‘મગરભાઈ, હું તો જમીન ઉપર રહેનારો. મને પાણીમાં તરતાં કેમ આવડે ? મગર કહે કે ‘એમાં શું? મારી પીઠ પર સવાર થઈ જાઓ.’ વાંદરો તો મગરની પીઠ પર બેઠો ને મગરે પાણીમાં તરવા માંડ્યું.

થોડે દૂર ગયા ત્યાં વાંદરાએ મગરને રડતો જોયો. વાંદરો પૂછે કે ‘મગરભાઈ, મગરભાઈ, કેમ રડો છો ?’ ત્યારે મગર કહે કે ‘ભાઈ, મારી મગરીને તારું કાળજું ખાવું છે, માટે તને હું ત્યાં લઈ જાઉં છું. એણે તો હઠ પકડી છે. ત્યાં પહોંચીશું એટલે એ તને મારી નાખશે. એટલા માટે હું રડું છું.’

વાંદરો આ સાંભળીને મનમાં તો ગભરાયો, પણ બહાર જણાવ્યું નહીં. મગરની વાત પૂરી થતાં એ તો ખડ ખડ હસી પડ્યો. મગર પૂછે કે ‘કેમ ભાઈ, હસો છો ? તમને મરવાની બીક નથી ?’ વાંદરો કહે કે ‘ભલા માણસ, તેં મને પહેલેથી કેમ ના કહ્યું ? કાળજું તો હું ઝાડ પર મૂકી આવ્યો છું. પાછો કિનારે લઈ જા એટલે હું લઈ આવું.’

વાંદરાની આ યુક્તિથી મગર ભોળવાયો ને વાંદરાને કિનારા તરફ લઈ જવા માંડ્યો. જેવો કિનારો થોડે દૂર રહ્યો કે વાંદરો છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો. ત્યાંથી તે મગરને કહે કે ‘અરે મૂરખ, કાળજાં તે વળી ઝાડ પર હોય ? મેં આ યુક્તિ ન કરી હોત તો મારું તો આવી જ બન્યું હતું ને ? આજથી આપણી દોસ્તી તૂટી. જા, તારી મગરીને કહેજે કે એના નસીબમાં કાળજુંયે નથી ને મીઠા જાંબુયે નથી, માત્ર ઠળિયા જ છે.’

મગર નિરાશ થઈને ઘેર ગયો.

સિંહની પરોણાગત

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

– રમણલાલ સોની

હાથી અને સસલો

એક વનમાં ચતુર્દન્ત નામનો હાથી રહેતો હતો. એ ખૂબ જ મોટો હતો. જાણે નાનકડો પહાડ જ સમજી લો. એ હાથીઓના ટોળાનો રાજા હતો.

એક વાર એ વનમાં દુકાળ પડ્યો. વર્ષો સુધી વરસાદ પડ્યો નહિ. વનમાં આવેલા તમામ તળાવ, તળાવડાં અને નદીઓ સૂકાઈ ગયાં. ત્યારે સૌ હાથીઓએ પોતાના રાજા ચતુર્દન્તને કહ્યું : ‘દેવ ! પાણી વગર અમારા સૌના જીવ અકળાય છે. કેટલાંક મદનિયાં તો પાણી વગર મરી ગયાં છે અને બીજાં કેટલાંક મરવાની અણી પર છે. એટલે આપ કોઈક તળાવ શોધી કાઢો જ્યાં પાણી પીને અમે પાછા તાજા થઈએ.’ ગજરાજ ચતુર્દન્ત થોડી વાર વિચાર કરતો રહ્યો પછી બોલ્યો : ‘આપણા વનની વચ્ચે એક વિશાળ સરોવર છે. એની નીચે પાતાળગંગા આવેલી છે. એને કારણે એ સરોવરમાં બારેમાસ ભરપૂર પાણી રહે છે. માટે આપણે સૌ ત્યાં જઈએ.

ગજરાજનો હુકમ મળતાં તમામ હાથીઓ વનની વચ્ચેના એ સરોવર તરફ જવા ચાલી નીકળ્યા. પાંચ દિવસ અને પાંચ રાત ચાલતા રહ્યા. છઠ્ઠા દિવસની સવારે તેઓ સરોવર પાસે પહોંચી ગયા અને તરત જ સૌ પાણીમાં કૂદી પડ્યા. હાથીઓને પાણી ખૂબ જ ગમે છે. આ હાથીઓને તો વરસો સુધી આટલું બધું પાણી મળ્યું નહોતું. એટલે તેઓ આખો દિવસ પાણીમાં રમતા અને નહાતા રહ્યા. છેક સાંજ પડે જ તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા. હવે વાત એવી હતી કે આ સરોવરની આસપાસ પોચી જમીન હતી. અને એમાં અનેક સસલાઓએ પોતાનાં દર બનાવ્યાં હતાં. આનંદ અને મસ્તીમાં ઝૂમતા હાથીઓને દોડધામને કારણ સસલાંઓનાં ઘરમાં દર ભાંગી ગયાં. અંદર બેઠેલાં ઘણાં સસલાં મરી ગયા અને ઘણાનાં હાથપગ તૂટ્યાં. જે બચી ગયા તે એકદમ સરોવર કાંઠેથી દૂર ભાગ્યા.


સૌ સસલાં નજીકની ઝાડીમાં ભેગા મળ્યા. ઘણાંનાં ઘર હાથીઓનાં પગ નીચે કચડાવાથી ભાંગી ગયાં હતાં. ઘણાના પગ ભાંગ્યા હતા. ઘણાનાં શરીર લોહિયાળ હતાં. ઘણાનાં બાળકો મરણ પામ્યાં હતાં અને તેઓ રડી રહ્યાં હતા. તેઓ એકબીજા સાથે વાતો કરતા વિચાર કરવા લાગ્યા કે અરે, આ હાથીઓ આવી પહોંચ્યા છે એટલે આપણે તો હવે માર્યા જ જઈશું. વનમાં બીજે ક્યાંય પાણી તો છે નહિ, એટલે હાથીઓ દરરોજ અહીં આવ્યા કરશે. માટે આ મુસીબતનો કશોક વિચાર કરવાની જરૂર છે.
એક સસલો બોલ્યો : ‘આપણે આ દેશ છોડીને જતા રહીએ. કારણ કે આ જંગી હાથીઓ સામે આપણું તો કશું ચાલવાનું નથી.’
ત્યારે એક ઘરડો સસલો બોલ્યો : ‘ભાઈઓ ! આપણા બાપદાદાના વખતથી આપણે અહીં રહીએ છીએ. એટલે આ જગ્યા છોડી શકાય તો નહિ. વળી, વનમાં બીજે ક્યાંય પાણી તો છે નહિ. એટલે આપણે આ હાથીઓને કશીક બીક બતાવીને એમને અહીં આવતા અટકાવવા જોઈએ.’

એક બીજો સસલો બોલ્યો : ‘તમારી વાત સાચી છે. આ હાથીઓને કશીક બીક બતાવવી જોઈએ. તે કામ આપણા રાજાને સોંપીએ. આપણા રાજા વિજયદત્ત છે અને તે ચંદ્રમંડળમાં રહે છે. એટલે આપણે કોઈ દૂતને આ હાથીઓ પાસે મોકલીએ. તે જઈને હાથીઓને કહે કે ચંદ્રદેવનો હુકમ છે કે આ સરોવરમાં આવશો નહિ. ચંદ્રદેવના પ્રીતિપાત્ર સસલાંઓનાં અહીં ઘર છે ! આ દૂતની વાત માનીને કદાચ હાથીઓ જતા રહેશે.’ આ સસલાની વાત સૌને ગમી ગઈ. એમણે નક્કી કર્યું કે આપણે લંબકર્ણ નામના સસલાને હાથીઓ પાસે મોકલીએ. તે ખૂબ જ ચતુર છે અને દૂત તરીકે કામ કરવામાં હોશિયાર છે. આવું નક્કી કરીને તેઓએ લંબકર્ણને બોલાવ્યો. એને એનું કામ સમજાવ્યું. એટલે લંબકર્ણ ચાલ્યો અને હાથીઓના માર્ગમાં એક ઊંચી શિલા ઉપર જઈને બેઠો. હાથીઓ સરોવર તરફ આવવા લાગ્યા એટલે એ મોટા અવાજે બોલ્યો, ‘અરે દુષ્ટ હાથીઓ ! તમે તમારા મનમાં સમજો છો શું ? આ તો ભગવાન ચંદ્રદેવનું સરોવર છે. એને ડહોળવા માટે કેમ રોજરોજ આવ્યા કરો છો ? જલદી પાછા વળો, અને હવે કદી આ તરફ આવશો નહિ !’

એક સસલાને આવી ધમકીભરી વાત કરતો સાંભળીને હાથીઓના રાજાને નવાઈ લાગી. એ બોલ્યો, ‘અરે, તું કોણ છે ?’
સસલો કહે : ‘હું લંબકર્ણ નામનો સસલો છું અને ચંદ્રમંડળમાં રહું છું. અત્યારે ભગવાન ચંદ્રદેવે મને દૂત બનાવીને તમારી પાસે મોકલ્યો છે.
આ સાંભળીને ગજરાજ બોલ્યો : ‘સસલાભાઈ ! તમે ભગવાન ચંદ્રદેવનો જે સંદેશો હોય તે કહો. દેવની આજ્ઞાનું અમે પાલન કરીશું.’
સસલો લંબકર્ણ બોલ્યો : ‘તમે લોકોએ ગઈકાલે આવીને ઘણાં સસલાંઓને મારી નાખ્યા છે અને ઘણાનાં ઘર ભાંગી નાખ્યાં છે. ભગવાન ચંદ્રદેવે કહેવડાવ્યું છે કે સસલાઓ સૌ મારા કુટુંબીઓ છે અને એમના મોતથી મને ભારે ખોટું લાગ્યું છે. એટલે હવે તમે આ સરોવર તરફ આવશો નહિ.’
હાથીઓનો રાજા બોલ્યો : ‘અત્યારે ચંદ્રદેવ ક્યાં છે ?’
સસલો કહે : ‘તમારા ટોળાથી દુ:ખ પામેલા સસલાઓને આશ્વાસન આપવા માટે તેઓ સરોવરમાં ઊતરી આવ્યા છે. એમણે જ મને તમારી પાસે મોકલ્યો છે.’
હાથીરાજ કહે : ‘તો મને એમનાં દર્શન કરાવ. હું એમને પ્રણામ કરીને અહીંથી બીજે ક્યાંક જતો રહીશ.’
સસલો કહે : ‘ભગવાન ચંદ્રદેવ અત્યારે આરામ કરી રહ્યા છે. આજે રાત પડ્યે તમે એકલા અહીં આવજો. હું તમને એમનાં દર્શન કરાવીશ.’

આટલી વાત કરીને હાથીઓ પાછા વળી ગયા. રાત પડી એટલે ગજરાજ ચતુર્દન્ત એકલો સરોવર તરફ આવ્યો. લંબકર્ણ એના માથા ઉપર બેઠો અને તેઓ સરોવરકાંઠે પહોંચ્યા. હવે તે દિવસે પૂનમ હતી. એથી પૂર્ણ ચંદ્રમા ઊગ્યો હતો અને સરોવરનાં શાંત પાણી ઉપર એનું પ્રતિબિંબ દેખાતું હતું.

સસલો કહે : ‘જુઓ, આ છે અમારા દેવ ભગવાન ચંદ્રદેવ. એ સરોવરની વચ્ચે સમાધિમાં બેઠા છે. ચૂપચાપ એમને પ્રણામ કરીને ચાલ્યા જાવ. જો અવાજ કરશો અને એમની સમાધિમાં ભંગ પડશે તો ખૂબ ગુસ્સે થશે અને તમામ હાથીઓનું નિકંદન કાઢી નાખશે.’ હાથી ગભરાઈ ગયો. એણે ચંદ્રમાના બિંબને પ્રણામ કર્યા. પછી તે પોતના હાથીઓને લઈને જતો રહ્યો અને સસલાં ફરી પાછા સુખશાંતિથી જીવવા લાગ્યા.

આમ, ઘણી વાર મોટા લોકોનું ખાલી નામ લેવાથી પણ કેટલાંક કામ પાર પડી જાય છે.

– યશવંત મહેતા

લોહીની સગાઈ

મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એક જ જવાબ આપતાં : ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય ? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અમરતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતાં, ચાકરી કરતાં અને લાડ લડાવતાં એ પ્રત્યક્ષ જોઈ લોકો એમનાં વખાણ પણ કરતાં કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે; બીજાને ઘેર હોય તો ભૂખીતરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તોપણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય.

મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં : બે દીકરા અને એક દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા. દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી. અમરતકાકી એ ત્રણે સંતાનોને વીસરી ગયાં હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ-પૌત્ર-પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઊઠતું, છતાં દાદીમા તરીકે અમરતકાકી હરખપદૂડાં થઈ જતાં નહીં. ભાગ્યે જ બાળકોને તેડતાં, રમાડતાં કે લાડ કરતાં. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી : દીકરાઓનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમરતકાકીને અન્યાય કરી બેસતી એટલું જ, બાકી દીકરીનાં બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યાં રહી જતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી : ‘મંગુને ખોટાં લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરનેય ઝાડોપેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે, તો બાર વરસની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે ? એ મૂંગી છે, પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે.’


દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી : ‘તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુ:ખી દુ:ખી થઈ જશે.’ સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ‘કહેવત છે એ ખોટી નહીં કે પારકી મા જ કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો-પેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી.’ અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં ત્યારે લોકો પરાયાં તરીકે જે કહી શકતાં નહીં તે દીકરી કહી નાખતી : ‘દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે !’ મંગુના મોતને અમરતકાકી પણ છૂટકારો માનતાં હતાં – જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણીજોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો : સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા-ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળાખાટે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અરથ નથી. મંગુની સાચી મા બની રહું, ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તોપણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરતકાકી તૈયાર ન હતાં.

દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. વળી ઉચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે ત્રણ ગોરા નિષ્ણાત દાક્તરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાકતરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો-પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા.

છતાં અમરતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજિત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતાં પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરતકાકી માનતાં કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એટલે બીજાને મન ગાંડીઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતાં અને શ્રદ્ધાથી એનો અમલ કરતાં. જોષીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોષીએ ભાખ્યું હતું કે, આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પૂરાં થઈ રહેતાં હતાં એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરતકાકી ચડી જતાં – ચૌદમું ઊતરતાં કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો… મૂઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતાં સમો હા પાડી દે ! – અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં – કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે, પછી મંગુનાં લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં !

એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતાં અમરતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું : ‘જોષીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી !’ સાંભળનારને ગળે આ વાત ઊતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી ! અમરતકાકીની નજર એ ભણી જતાં ડાહી દીકરીને શિખામણ આપતાં હોય તેમ ધીમેથી કહેતાં : ‘મંગુ ! એવું ગંદુ ન કરાય, હો બેટા !’ મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી : ‘મેં કહ્યું તે સમજી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ !’ આમ અમરતકાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાહી ન થઈ પણ શહેરના કન્યાવિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી – કુસુમ – ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડાપેશાબનું ભાન ન રહ્યું. અમરતકાકીને એથી દુ:ખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહીડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ ?

કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમરતકાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતાં મંગુને આ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા : એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડાપેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે : ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઊમટ્યું હતું. સૌથી મોખરે અમરતકાકી હતાં. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરતકાકીને દરેક સલાહ આપવા મંડી ગયું : ‘કાકી ! તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ; જરૂર એને મટશે.’

અમરતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યાં. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. મા દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો દાકતર-નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઊકલી ગઈ. નર્સ કે દાકતરને કોઈ કોઈ ગાંડાં તમાચા મારી જાય તોપણ એ લોકો એના ઉપર ખિજાતાં નથી કે એને મારતાં નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર ? આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી ? છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ હતી – જાણે પોતે હારીને આ કામ કરી રહ્યાં હતાં એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું, બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોકિયાં કરતું એમને દેખાતું હતું.

મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતાં હતાં એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તોપણ, જો એને દવાખાનામાં ગોઠી જાય, તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચારવહેણ સાથે અમરતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકરી ઊઠતું – ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમેય દીકરીથી થાક્યાં છો ! અમરતકાકી ઊંઘમાંથી ઝબકી જતાં, બોલી ઊઠતાં : ‘શું હું થાકી છું ? હૈયું બમણા જોરથી પોકારી ઊઠતું : એક વાર નહીં ને હજાર વાર !

અમરતકાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે ? રાતમાં હું એને કેટલીય વાર ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડી ઘડીએ કોણ ઓઢાડશે ? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત…. પરંતુ પત્ર મળતાં દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મૅજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરતકાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતાં તરત આવી શું કામ પહોંચે ? લાગવગ વાપરી તરત ને તરત દાક્તર તથા મૅજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ ? એમને થયું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી. પણ દીકરાને કહેતાં જીભ ઊપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલાદુખલી કરાવી લીધું. હવે ના પાડું તો એને થાય, કે માને બીજો ધંધો નથી.

મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમરતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયાં, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી તે કેમેય ઊખડતી ન હતી. મંગુ એને પહેરાવેલાં નવાં કપડાંનો રંગ ધારીધારીને જોતી રહી ગઈ. ગેલમાં આવી હોય તેમ અમરતકાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમું અમરતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે; મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતાં અમરતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યાં, હૈયું કકળી ઊઠ્યું : ‘અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં – સગી મા પણ એની ના થઈ !’ દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. મા સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો, તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણિયે જોડેલા બળદ પગ ઉપાડવા તળે-ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતાં કહ્યું : ‘મોડું થાય છે. હવે નીકળવું જોઈએ.’ અને ફળિયા બહાર નીકળતાં એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી.

પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમરતકાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભાં થયાં. બે જણે ઝાલીને ચડાવ્યાં ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જણાતાં ગાડીમાં મુસાફરોને મઝાનો ખોરાક મળી ગયો.
‘આવી ખાધેપીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનુંતેમનું નીર્યું એટલે બસ !’
‘અમારા ગામમાંથી એક ડોસીને એના દીકરા પાંચ વરસથી મૂકી આવ્યા છે પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય છે તો રડવા લાગે છે, પગે પડીને કહે છે : ‘મને અહીંથી તેડી જાઓ’ પણ આજના દીકરા લાવતા જ નથી !’
‘દીકરાઓ શું દીસ્તા રાખવાના ?’
‘દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ… જાણો છો ને ! પહેરી-ઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી.’
‘આ છોડીને મા નથી ?’
અમરતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયાં. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથેસાથે માથું નમતાં મા તરીકેનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો.
‘બાપ રે ! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાંનો શો દોષ કાઢવો !’
અમરતકાકી જો એકલાં હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછાં ફર્યાં હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયાં.

મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાસંબંધી છૂટાંછૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણાં જમતાં. કોઈ કોઈ ફળ ખાતાં હતાં. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો તેને બાઝી પડી હતી અને બાજુમાં ઊભેલી વૉર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી – આ ભૂતડીઓ મને સારાં કપડાં પહેરવા આપતી નથી; સારું ખાવાનું આપતી નથી; માથામાં નાખવા તેલ આપતી નથી. અમરતકાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યાં હતાં. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી : ‘હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એક વાર ખાઈ લ્યો.’
પેલી ગાંડી બાઈ છણકો કરતાં બોલી : ‘મેં દાતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું.’
અમરતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખિજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવરાવ્યું, નૅપ્કિન વતી મોં લૂછી નાખ્યું. અમરતકાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ.

દાક્તર અને સ્ત્રી-વૉર્ડની મેટ્રન આવી પહોંચ્યાં. અમરતકાકીના દીકરાએ મૅજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું.
મેટ્રને કહ્યું : ‘એ બાબતમાં તમારે ચિંતા ન કરવી….’
વચ્ચે અમરતકાકી બોલ્યાં : ‘બોન ! ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી….’ આટલું બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી : ‘તમે બા, કોઈ જાતની ફિકર કરશો નહીં. અમે એને મોમાં કોળિયો ઘાલીને ખવડાવીશું.’
ગળગળા સાદે અમરતકાકી બોલ્યાં : ‘એ જ બોન, મારે કહેવું છે. એને ઝાડા-પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે.’
બીજી પરિચારિકા બોલી : ‘રાતમાં ચારપાંચ વખત તપાસ કરવામાં આવે છે.’
અમરતકાકી : ‘રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી.’
‘જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ.’
‘એને બીજાં તોફાની મારે નહીં તે જોજો.’
‘તોફાની હોય તેને જુદાં રાખવામાં આવે છે. રાતે બધાંને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે.’

મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતાં ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખૂલતું એ તક ઝડપી લઈ અમરતકાકીની નજર બે-ત્રણ વખત અંદર ડોકાઈ રહી હતી. ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે, અસ્તવ્યસ્ત કપડાંમાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યાં. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી : ‘મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો.’ મેટ્રને કહ્યું : ‘અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી.’ ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરતકાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમરતકાકી રોજનો વહાલસોયો ‘બેટા’ શબ્દ ઉચ્ચારવા ગયાં ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યાં. આવા રુદનથી ટેવાઈ ગયેલાં દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં પણ ભરાઈ આવ્યાં. દીવાલો પણ ધ્રૂજી ઊઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી !

અને પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી : ‘લે, જોઈએ છે તારે ?’ એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશભર્યા શબ્દો બોલી : ‘તું મારી પાસે રહીશને, બહેન ? હું તને સારું સારું ખાવાનું આપીશ. નવાં નવાં કપડાં પહેરાવીશ.’ મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતાં ‘ચાલ આપું.’ કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખૂલું થઈ મંગુને ગળી ગયું. ‘મંગુ….મંગુ…’ની કાળજું કંપી જાય તેવી ચીસ અમરતકાકીએ ફરી નાખી. દાકતરે આશ્વાસન આપતાં કહ્યું : ‘ઘરડાં બા !’ અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતાં જણાવ્યું : ‘આ તમારા દીકરા જેવો મને આ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો.’

આધેડ ઉંમરની; બાળવયથી વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતાં કહ્યું : ‘આજ સુધી તમે એનાં એક બા હતાં; આજથી હું એની નવી બા થઈ છું.’
અમરતકાકી ડૂસકું ભરતાં બોલ્યાં : ‘એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનાનું મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી…’ અને એમનો કંઠ રૂંધાઈ ગયો.
મેટ્રન : ‘એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે.’ અમરતકાકીનું ડૂસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યાં : ‘એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો; દૂધના હોય તો દાળમાં.’ અમરતકાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નીચી દષ્ટિ રાખીને કહ્યું : ‘સારું.’
અમરતકાકી : ‘એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજેત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.’

અમરતકાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડબામાં પગ મૂકતાં અમરતકાકીને સાંભરી આવ્યું – દવાખાનામાં સૂવા ખાટલો આપતાં હશે કે નહીં ? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલાં છે, એવી ખાતરી અમરતકાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધાં ન હતાં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને ? એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું; ભૂતની માફક ભમતી ગંદી, જથરતથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યાં. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી : ‘કેમ બા, રડો છો ? કોઈનું મૈણું થાય છે ?’

રાત્રે પોણા અગિયાર વાગ્યે ઘેર આવ્યાં ત્યારે એમની વાટ જોતી પડોશણ, જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળુ કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઊપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. અમરતકાકીના અંતરમાં એક જ તંબૂરો વાગી રહ્યો હતો – મંગુ અત્યારે શું કરતી હશે ? પળે પળે એ જ વિચાર એના હૈયાને વીંધી રહ્યો હતો : કેટલી ઠંડી છે ? ઓઢાડ્યું હશે ? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યાં હશે ? જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યાં : ‘બેટા ! પેશાબ ન કરતી. ઓઢાડેલું કાઢી ન નાખતી.’ આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતાં, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતાં. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતાં, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરતકાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું : મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે ? એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું : હું મા થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી ! એમનાથી ડૂસકું ભરાઈ ગયું.

બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. માનાં ડૂસકાં સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં : પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે ? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઊઠ્યું : માનું આ દુ:ખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી : હું મંગુને જીવતાં સુધી સારી રીતે પાળીશ, વહુ એનાં મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ ! એ સાથે વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમરતકાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યાં હોત, પરંતુ એ જંપી ગયેલાં લાગ્યાં એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીંચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ.

વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાંનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી : ‘ધાજો, રે….. ધાજો, મારી મંગુને મારી નાખી રે…..’ દીકરો ખાટલામાંથી ઊછળી પડ્યો. પાડોશી દોડી આવ્યાં. ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યાં અને આવ્યાં તેવાં હબકી ગયાં : અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં !

– ઈશ્વર પેટલીકર

જનનીની જોડ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

-દામોદર ખુશાલદાસ બોટાદકર

વ્યર્થ દુનિયામાં પ્રણયને

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં 'બેફામ' કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

- બેફામ

આ મોહબ્બત છે - મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

- મરીઝ

- મરીઝ

કહેવતો

- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
- વારા ફરથી વારો અને મારા પછી તારો.
- વઘારેલી ખીચડી દાઢે વાળગી.
- ન બોલવામાં નવ ગુણ.
- બોલે એના બોર વેચાય.
- કાગડો દહીંથરુ લઇ ગયો.
- વિદ્યા વિનય થી શોભે છે.
- સાહસ વિના સિદ્ધિ નથી.
- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
- વાંદરા ને સીડી ના અપાય.
- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
- નામ છે એનો નાશ છે.
- કુવામાં હોય તો હવાડા માં આવે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- મોર ના ઇંડા ચીતરવા ના પડે.
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જેની લાઠી એની ભેંસ.
- જેવું વાવો તેવુ લણો.
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- સો વાત ની એક વાત.
- દુર થી ડુંગરા રળિયામણા.
- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ
-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે
-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ
-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
-હઁગીને આહડવા બેસવુઁ
-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)
-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ
-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ
-પેટ કરાવે વેઁઠ
-દીધે પે દયા ભલી
-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
-ઘર બાળીને તીરથ ન કરાય
-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા.
- થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
- થાકશે, ત્યારે પાકશે.
- વાર્યાં ના વરે, હાર્યાં વરે.
- થોડું બોલે તે થાંભલો કોરે.
- થોડું સો મીઠું.
- થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
- થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
- થોડે નફે બમણો વકરો.
- થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
- થોડે બોલે થોડું ખાય.
- થોડે થોડે ઠીક જ થાય.
- પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
- અંતે ધર્મો જય, પાપો ક્ષય.
- ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
- અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો

હવે તો બસ કર..!!

માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?
આદમ આવી “ઈવ” માંગી,
રહેવા આસરો,પીવા પાણી ને અન્ન આપ્યું,
ઈવ સાથે સંતાન-સુખ દીધું..

ન કરી માંગ કોઈ ઓછી માનવીએ,
હાથ ઉંચા કરી કરી માંગતો રહ્યો,
ઉંડવા આકાશમાં, દોડવા ધરતી પર,
સુખ-સાયબી, મહેલો માંગતો રહ્યો.

“ભોગવે છે,માણેછે એજ તારું સ્વગૅ છે,
રહું છું ખુદ સાગર તળે,શેષનાગ સંગ,
શંકર રહે રાખ ચોળી સ્મશાન ઘાટ પર,
રહે બ્રહ્માં કમળ કુંડે,પલાઠી પર.”

“મળ્યું છે જે સુખ તને વિશ્વમાં,
નથી એવું કોઈ સાધન બ્રહ્માંડમાં ,
માંગ્યું એ બધું જ તને મળ્યુ ,
સુખ શોધવા બીજા ગ્રહે શીદ ફરે ?”

“પૈદા કરી આ માનવ જાત,
ખુદ પસ્તાયો છું મારી જાત પર,
નથી કોઈ આરો તારી માંગનો માનવ,
ખમૈયા કર, હવે તો બસ કર !!

વાંદરો અને મગર

એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ ખાઈ જવું જોઈ એ. બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.” વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..” અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને હવેથી બોર પણ તને કદી નહીં આપું!

ઉખાણાં-જોડકણાં

ડૉશીમા,ડૉશીમા !
ક્યાં ચાલ્યા ?
છાણાં વીણવા,
છાણાં માંથી શું જડ્યું?
રુપિયો ,
રુપિયાનું શું લીધું,
ગાંઠીયા..
ભાંગે તમારા ટાંટીયા..
****************
રામ કરે રીંગણા
ભીમ કરે ભાજી,
ઉઠો ઠાકોરજી ટંકોરી વાગી.. ટીન, ટીન..
**********************
રામ નામ રીંગણા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણ નામ કેરી,
ઘોળી ઘોળી પી..
*************

ઊંટ કહે...

ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”

જમતી વખતે જળ

આયુર્વેદમાં જમતી વખતે જળ-પાણી પીવા માટે લખાયું છે કે,
ભુક્તસ્યાદિ જલં પીતં
કાર્શ્યમંદાગ્નિ દોષકૃત ।
મધ્યે અગ્નીદીપનં શ્રેષ્ટમ્
અંતે સ્થૌલ્યકફપ્રદમ્ ।।
જમ્યા પહેલાં જળ-પાણી પીવાય તો જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર કૃશ-દુબળું થાય છે. જમતી વખતે વચ્ચે પાણી પીવું જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવામાં આવે તો શરીર જાડું થઈ જાય છે અને કફ વધે છે (માટે ભોજન મધ્યે પાણી પીવું એ ઉત્તમ-શ્રેષ્ઠ છે.)

ગિરનારની લીલી પરિક્રમા

કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી યોજાતી ૩૬ કિ.મી.ની લીલી પરિક્રમા ભવનાથ તળેટીથી શરૂ થઈને ભવનાથ મહાદેવનાં દર્શન કરીને પાંચ દિવસે સમાપ્ત થાય છે

ગુજરાતનો ગૌરવ સમો ગિરનાર પર્વત વર્ષોવર્ષથી શ્રદ્ધાળુઓને સમગ્ર વર્ષ દરમિયાન આમંત્રિત કરતો રહે છે પરંતુ કારતક સુદ દેવ ઊઠી અગિયારસથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસ આ પર્વતની પ્રદક્ષિણા વર્ષમાં માત્ર આ દિવસોમાં જ કરી શકાય છે તેથી આ દિવસો દરમિયાન અહીં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટે છે. ગિરનાર પર્વતમાં વસી ગયેલા સિદ્ધપુરુષો, તપસ્વીઓ તેમજ સાધુઓની અનેક વાયકાઓ પ્રચલિત છે. હિંદુઓ માને છે કે તેત્રીસ કરોડ દેવો તેમજ ચોરાસી સંતાની અહીં બેઠક છે. દિવ્યાત્માઓ ઉપરાંત ભર્તુહરિ, અશ્વત્થામા તથા માર્કંડેય ઋષિ નિ:શરીર રૂપે હજુ પણ અહીં વિચરે છે! મહાન યોગી લક્કડભારથી, જ્ઞાનસાગરજી, મેકરણજી, પ્યારેરામજી, ઝીણાબાવા, કન્નીરાયજી, રૂખડજી, શાલગરજી, બાપા સીતારામ તેમજ માતાજી હિરાગિરિજી જેવા સંત-મહાત્માઓના ચમત્કાર અને પરચાની વાતોથી પ્રભાવિત થઇ અહીં પરિક્રમાનો પ્રવાસી ભાવક બની શ્રદ્ધાપૂર્વક તકલીફો વેઠીને પણ કારતક સુદ પૂર્ણિમા સુધી આ પરિક્રમા પૂર્ણ કરી ધન્ય બને છે.

આ ગિરનારની સતત બાર વર્ષથી પરિક્રમા કરતા એક શ્રદ્ધાળુ ભાવક જણાવે છે કે, અહીં સઘળું જંગલનું વાતાવરણ ભયાનક હોવા છતાં આજ સુધી કોઇ અજુગતો બનાવ બન્યો નથી.

લગભગ ૩૬ કિ.મી.ની પ્રલંબ આ પદયાત્રાનો શુભારંભ ભવનાથ તળેટીમાં દામોદરકુંડ અને મૃગીકુંડમાં સ્નાન કરીને એક આચમન લઇ ભવનાથ મહાદેવ અને દુગ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરીને થાય છે. ભવનાથથી પ્રયાણ કરી ઝીણાબાવાની મઢી તરફ જતાં પ્રથમ ઇશ્વેશ્વર મહાદેવનું મંદિર આવે છે. અહીં બુદ્ધ વિહારનો પાયો ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યો હતો. આ સ્થળેથી ઇટાવા ઘોડી નામની ટેકરીના ચઢાણથી યાત્રિકોને પરિક્રમાના પ્રારંભનો અનુભવ થવા લાગે છે. આ વર્ષે તો અહીં મેઘરાજાની મહેરના કારણે લીલોતરી અને જળ વિપુલ પ્રમાણમાં છે. અહીં અડધી ઊચાઇ પૂર્ણ થતા ગિરનાર પર્વતની મઘ્ય ઊચાઇએ જટાશંકર મહાદેવનાં દર્શન થાય છે. અહીંની સાગ, ખાખરા, સીતાફળીથી ભરપૂર વનશ્રી યાત્રિકોને પ્રસન્ન કરી મૂકે છે. ઇટાવાથી ઘોડી ચઢી ચારચોક પહોંચાય છે.

ચારચોકથી એક રસ્તો ઝીણાબાવાની મઢી તરફ જાય છે અને બીજો રસ્તો જમણે એકાદ કિ.મી. દૂર જંગલમાં રાણિયા કૂવા પાસે મહાદેવના સ્થળે પહોંચે છે. આ સ્થાન વનરાજીથી ભરપૂર છે. જંગલનું વાતાવરણ અને વનકેસરીની ગર્જના અને પંખીઓનો કલરવ અહીં સહજ છે. ચારચોકથી ઝીણાબાવાની મઢીએ પહોંચાય છે. ઝીણાબાવા નામના સિદ્ધપુરુષે આ સ્થાનક સ્થાપેલ છે અને તેઓના અગણિત ચમત્કારોની ભભૂતિથી અભિભૂત યાત્રાળુઓ અહીં રાત્રિ મુકામ કરે છે. અહીંથી પરિક્રમા બે રસ્તામાં ફંટાય છે. એક રસ્તો સરકડિયા ઘોડી-પર્વત ચડીને સરકડિયા હનુમાન, સૂરજકુંડ થઇ માલવેલા જાય છે જયારે બીજો રસ્તો માલવેલા પર્વત ચડીને માલવેલાની જગ્યાએ પહોંચે છે.

હાજરાહજૂર સરકડિયા હનુમાનના સ્થાનકના ઘણા પરચા મળ્યાની વિગતો ભાવિકોમાં આજે પણ ચર્ચાય છે. સૂરજકુંડમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓ માલવેલામાં મહાદેવનાં દર્શન કરી રાત્રિ રોકાણ કરે છે. અહીં માલવેલાની તળેટીમાંથી રામગંગા નીકળે છે. આ નદીનું મૂળ પુરાઓમાંથી મળી આવે છે. અહીં પૌરાણિક કાળમાં પરશુરામનો આશ્રમ હતો તેમ કહેવાય છે. સૂર્યકુંડ પણ અહીં જ છે. પરિક્રમાનો આ માલવેલા પડાવ એવો છે જેની બંને તરફ ઊચા ચઢાણની ઘોડીઓ આવે છે અને આવા કિઠન સ્થાને પણ શ્રદ્ધાળુઓની સેવા કરનાર સદાવ્રત ચાલે છે. સેવકો સખત પરિશ્રમ કરી ભંડારા ચલાવે છે, અને ભાવપૂર્વક સૌરાષ્ટ્રના આતિથ્યનાં દર્શન કરાવે છે. પરિક્રમા કરતા યાત્રાળુઓ અને ભંડારાના સેવકોની શ્રદ્ધાનાં ધન્ય દર્શન અન્યોન્યને ગદ્ગદિત કરી દે છે.

માલવેલાથી નળપાણીની ઘોડી-પર્વત ચઢીને નળપાણીની જગ્યામાં વિસામો કરી યાત્રાળુઓ હેમાજલિયા થઇ બોરદેવી પહોંચે છે. જયાં બોરદેવી માતાજીનું પુરાણું મંદિર છે. આ મંદિરના સ્થાને બોરડીનું વૃક્ષ હતું. ત્યાં માતાજી પ્રગટ થતાં બોતદેવી કહેવાયાં. બાજુમાં લાખા ખેડી નામે જીર્ણ ખંડેર છે. અહીંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે. તેમાં એક સ્તુપ છે, જેની પાસેથી માટીના પાત્રમાં ત્રાંબાનું પાત્ર તેમાં ચાંદીનું પાત્ર અને સુવર્ણની એક ડબ્બી પણ મળી આવી છે.

આ અંતિમ પડાવ છે. બોરદેવીના સ્થાન પરથી ગિરનાર પર્વતના ગોરખનાથની ટૂક, દત્તાત્રેયની ટૂક, કમંડળ ટૂક, કાળકાની ટૂંક તેમજ અનસૂયા ટૂકના પાવન દર્શન થાય છે. અંતે બોરદેવીથી ખોડિયાર ઘોડી ચઢીને ભવનાથની તળેટીમાં પુન: પહોંચાય છે. આમ સમગ્ર પરિક્રમાનો કષ્ટદાયક પાવક માર્ગ સંપન્ન થાય છે અને જયારે શ્રદ્ધાળુઓ ભાવસભર બની નત મસ્તકે ભવનાથ મહાદેવજીનાં દર્શન કરી વિદાય લે છે, ત્યારે પ્રત્યેકના મસ્તિકમાં આ ભવની પરિક્રમા દરમિયાન આ સુભગ પાંચ દિવસના સમન્વયની ધન્ય ઘડીઓની દિવ્ય અનુભૂતિનાં કેટલાંય સંભારણાં સચવાઇ રહે છે, જે તેમની જીવનયાત્રા દરમિયાન ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ બનાવતી રહે છે!

મનુષ્યત્વનું સ્તર રોજબરોજ નીચું જતું જાય છે

સંગીતના અલ્પાનુભવથી એ પરમ સંગીત ભણી જઈ શકાય છે, પ્રકાશના નાનકડા અનુભવને આધારે અનંત પ્રકાશ ભણી વધી શકાય છે. એક બિંદુને ઓળખવું તે સિંધુને ઓળખવાનું પહેલું પગથિયું છે. નાનકડા અણુને જાણવાથી પદાર્થની બધી શકિત જાણી શકાય છે. સંભોગનું નાનું અણુ માણસને પ્રકૃતિ તરફથી મફતમાં મળ્યું છે, પરંતુ આપણને એની ઓળખ નથી. પીઠ ફેરવીને, આંખો બંધ કરીને ગમે તેમ જીવી લઈએ છીએ. આપણા મનમાં એનો સ્વીકાર નથી. આનંદ અને અહોભાવથી ને જીવવાની, જાણવાની, એમાં પ્રવેશ કરવાની કોઈ વૃત્તિ જ નથી. એટલે જ સંભોગને સમાધિ બનાવનાર વિધિના જ્ઞાનથી આપણે વંચિત રહ્યા છીએ. માણસ આ વિધિ જાણી લેશે તો આપણે નવા પ્રકારના માનવને સર્જવા સમર્થ બનશું.

આ સંદર્ભમાં મારે તમને એ કહેવાનું છે કે સ્ત્રી અને પુરુષ તો વીજળીના નેગેટિવ-પોઝિટિવ પોલ છે. પોઝિટિવ ને નેગેટિવ -વિધાયક ને નકારાત્મક બે છેડા છે. એ બંનેના મળવાથી સંગીત જન્મે છે, વિધુતનું પૂર્ણ ચક્ર જન્મે છે.

હું એ પણ કહેવા માગું છું કે સંભોગ લાંબો સમય ગહનતામાં સ્થિર રહે તો આ વિધુત ઘટનાનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય. સ્ત્રી અને પુરુષનું યુગલ જો અડધો કલાક સુધી મૈથુનમાં સ્થિર રહી શકે તો બંનેની આસપાસ પ્રકાશનું વલય નિર્મિત થઈ શકે છે. બંનેના દેહની વિધુત જયારે પૂર્ણ રીતે મળે છે, ત્યારે આસપાસ અંધકારમાં એક પ્રકાશ જોવા મળે છે. કેટલાક શોધકોએ આ દિશામાં સંશોધન કર્યું છે અને ફોટોગ્રાફસ પણ લીધા છે. જે યુગલને વિધુતનો અનુભવ થાય છે, એ હંમેશને માટે સંભોગમાંથી મુકત થઈ જાય છે.

પરંતુ, આપણને એવો અનુભવ નથી અને એવી વાતો અજબ લાગે છે. કારણ કે જે આપણા અનુભવનું ન હોય તે વિશ્વસનીય નથી લાગતું. આ તો આપણા અનુભવમાં નથી, અનુભવની બહાર છે. જો અનુભવ નથી તો એનો અર્થ એટલો જ કે તમે ફરી વિચારો, ફરીને જુઓ, કંઈ નહીં તો કામની જિંદગીનો કક્કો તો શીખો અને સમજો. સમજવા માટે, સભાનપણે જીવવા માટે કામને માત્ર ભોગ નહીં, યોગ બનાવવો પણ આવશ્યક છે. મારું પોતાનું માનવું છે, કે મહાવીર, બુદ્ધ, ઇસુ અને કૃષ્ણ આકસ્મિક રૂપે જન્મી જતા નથી. બે વ્યકિતઓના પરિપૂર્ણ મિલનનું એ પરિણામ હોય છે.

મિલન જેટલું ગાઢ, જન્મનાર સંતતિ એટલી જ અદભૂત થવાની. મિલન જેટલું અપૂર્ણ, થનાર સંતતિ એટલી જ નિકૃષ્ટ થવાની. આજ દુનિયામાં મનુષ્યત્વનું સ્તર રોજબરોજ નીચું જતું જાય છે. લોકો કહે છે, નીતિ બગડવાથી એમ થયું છે, કળિયુગ આવવાથી એમ થયું છે. આ બધી ખોટી નકામી વાતો છે. ફરક માત્ર સંભોગે પવિત્રતા ગુમાવી છે, પ્રાર્થના ગુમાવી છે, સરળતા ને પ્રાકૃતિકતા ગુમાવી છે.

મનુષ્યનો સંભોગ એક દુ:ખદ સ્વપ્ન થઈ ગયો છે. સંભોગે હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું છે. એ પ્રેમપૂર્ણ કૃત્ય નથી, પવિત્ર ને શાંત કૃત્ય નથી, ઘ્યાનપૂર્ણ કૃત્ય નથી. એથી મનુષ્ય પતિત થતો જાય છે. નીચે ઊતરતો જાય છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

મહોબ્બતમાં હવે મારો પરિચય

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ,
બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- બરકત વિરાણી ‘બેફામ’

વીકસી તો જો

પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો.
ને માસુમ ડાળ પર વીલસી તો જો.

માનવના આયખાને પામનારા દોસ્ત!
નીતનવા ખોળીયામાં શ્વસી તો જો.

પાંખ થઇ પંખીની, પ્રસરી તો જો.
ને ગગનની ગરીમાને ગ્રસી તો જો.

શબ્દોની શમશેર પામનારા દોસ્ત!
કાગળ પર ધાર એની ઘસી તો જો.

મેહુલો થઇ મનથી વરસી તો જો.
ને સાગરને પામવા તલસી તો જો.

રોમરોમ અનુભુતી પામનારા દોસ્ત!
શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો.

- ચારુલતા

સજન મારી પ્રિતડી…

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી
સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…
જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી
જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…
ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

આભાર તારો કે આવી મિત્રતા આપી

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

- રાજીવ ગોહિલ

મરીઝ

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

જિંદગી જીવવી કંઇ સહેલી નથી

આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
આકાશને અડકે છે એ, ધરતીને અઢેલી નથી
ઇશ્વરનો આભાર, શરાબની જેમ છકેલી નથી
એમ ન માનશો કે મોતથી ડરુ છું હું
થોડું કરજ બાકી છે દેહનું એટલે હડસેલી નથી

એ આવે છે.

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે.
ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી
બની જા ઓ દિલ આવારા! એ આવે છે.
ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી
નદી, સંકોચી લે ધારા! એ આવે છે.
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.
ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે
થંભી જાઓ પલકારા! એ આવે છે.
પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ
બંધ થઇ જા ધબકારા! એ આવે છે.

સ્વાર્થ

સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થના નામે દગા થાય છે,
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,
દોસ્તો તો સાવ બેવફા થાય છે,
કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,
એ જ જલ્દી જુદા થાય છે,
ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,
રામના નામે આજે રાવણ બધા થાય છે,
આ જ ન્યાય છે પ્રભુ તારો ?
કે અહિંયા ગુનેગારોને નહીં
'નિર્દોષ'ને સજા થાય છે...

તમને અર્પણ

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

શું નામ આપું આપણા સંબંધન

શું નામ આપું આપણા સંબંધને,
મને ખબર નથી પડતી,
દિલ કહે છે કે આ ખુબ જ જુનો સંબંધ છે..
જેમ...
ચાંદનો ચાંદની જોડે..
તારલાનો છે આકાશની જોડે..
સમુદ્રનો છે ઉંડાઇની જોડે..
ફુલનો છે સુગંધની જોડે..
સુરજનો છે કિરણોની જોડે..
તેમ આપણો સંબંધ પણ કુદરતે જ બનાવ્યો છે.

તો પછી હું શું નામ આપુ તેને ? ? ? ?

પ્રેમ ઉધાર છે....

દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....

આમ તો હું.......

આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું....

કેમ છો?

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

- અજ્ઞાત

યાદ તારી

યાદ તારી આવતાં જ,
ચૂપચાપ રડી લઉં છું હું.
સપનામાં તું સતાવે તો,
રાતભર જાગી લઉં છું હું.
તું નજરે ન પડે તો તારી,
તસવીર જોઇ 'લઉં છું હું.
રિસાઇને તું ચાલી જાય તો,
દિલને મનાવી લઉં છું હું.
યાદોથી હું ક્યાં લગી જીવું ?
ક્યારેક તો પ્રત્યક્ષ આવી જા તું...

બાકી શું વધશે?

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?

તુ ચાલી ગ ઇ જીવનમાંથી

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

પ્રેમની રમત

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે....

તમે જ છો....

'તમે ', 'તમે' ફ્ક્ત તમે જ છો,
મારા હ્યદયમાં દસ્તક દેનાર 'તમે' છો,
મારાં સ્વપ્નોમાં-વિચારોમાં હરહંમેશ રહેતા 'તમે' જ છો,
મારી આંખોના દરેક પલકારે આવતા-જતા'તમે' જ છો,
મારી આંખોના દરેક વહેતા અશ્રુમાં 'તમે' જ છો,
મારા તન-મનમાં રોમ-રોમમાં સમાયેલા 'તમે' જ છો,
મારા હ્યદયને હચમચાવનાર,
ભાન ભુલાવનાર-મારી ઊંઘ બગાડનાર 'તમે' જ છો,
જાગતાં-ઊંઘતાં,ઊઠતાં-બેસતાં,
મારા મનને વલોવનાર 'તમે' જ છો,
મારા જીવનમાં ઓજસ પાથરનાર 'તમે' જ છો,
દૂર-દૂર રહીને મારા મનને તડપાવનાર પણ 'તમે' જ છો,
'તમે','તમે' ફક્ત તમે જ છો....

તમે આવ્યા પછી..

હ્યદય ઉપવન બની ગયું, તમે આવ્યા પછી,
મન મધુવન બની ગયું, તમે આવ્યા પછી,
જીવન મારું હતું વેરાન વગડા જેવું,
ખંડેર હવે ભવન બની ગયું, તમે આવ્યા પછી,
પ્રેમ પારસમણિ છે થઇ ખાતરી મને,
કથીર કંચન બની ગયું, તમે આવ્યા પછી,
લાખો દુઃખોથી ભરેલી મારી જિંદગી હતી,
સુંદર જીવન બની ગયું, તમે આવ્યા પછી,
તમારો પ્રેમ પામી ધન્ય બની ગયો,
દિલ પાવન બની ગયું, તમે આવ્યા પછી...

જો તું આપી શકે તો

આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું...

શાયરી

મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે,
તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે,
પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય,
યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે....


પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

શબ્દ તું આપજે ગીત હું બનાવીશ

શબ્દ તું આપજે ગીત હું બનાવીશ,
રસ્તો તું આપજે મંઝીલ હું શોધીશ,
ખુશી તું આપજે હસીને હું બતાવીશ,
મિત્રતાં તું શીખજે,
હું તો મિત્રતાં નિભાવીશ........

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું....

રહીશું........

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

- સુનીલ શાહ

સરી જવુ છે.........

આ સંસાર સાગરમાં, તરી જવુ છે
નામ રોશન જગતમાં, કરી જવુ છે

દુનિયા ભુલી ન શકે મને કોઇ કાળે
એવુ કંઇ મરતા પહેલા કરી જવુ છે

તને હું મેળવી શક્યો જ નથી કદી
છતાં જુદાઇના ડરથી, ડરી જવુ છે

તારી આંખોમાં ઉતરવા દે મને
મારે ત્યાં મંઝિલ સુધી, તરી જવુ છે

તારી આંખોનું આંસુ બનીને મારે
પાંપણથી હોઠ સુધી, સરી જવુ છે

તારા હૃદયના દરેકે દરેક ખુણે
તારી ધડકનો થઇ, ધડકી જવુ છે

- રાજીવ

મારી કબરમાં

અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ.....

પછી વરસાદ આવે છે

અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે

કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે

ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ

પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!

અધુરો પ્રેમ.....

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો

બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં....
બધુ જ ચુપચાપ સહી ગયો..

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,

મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,

રડાવી જાય છે ક્યારેક એની યાદ મને...
કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'.........

એમા આમ તો કંઇ નથી...

હોય પૂનમની રાત એમા આમ તો કંઇ નથી,
રાતની છે વાત એમા આમ તો કંઇ નથી.

આગ્રહ હું કરતો રહું અને આપ પણ ના-ના કરતા રહો,
છે વિનયની વાત એમા આમ તો કંઇ નથી.

આપ વિના સુનુ જીવન મારું આપથી છે આબાદ,
છે હ્યદયની વાત એમા આમ તો કંઇ નથી,

રૂપ તો ક્યાં નથી પણ જોયુ કેવળ આપને,
છે નજરની વાત એમા આમ તો કંઇ નથી,

આપને મળવાની આશાએ જનમતો મરતો રહું છું,
છે ધીરજની વાત એમા આમ તો કંઇ નથી...

બસ આટલી જ અભીલાષા........

કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં,
પ્રેમ ક્યાં બનવાનો છે, આ શબ્દોની સીમાઓમાં,

કંઇ જ નથી મારી પાસે, ખુદને તમને સોંપી રહ્યો છું,
સાથ નિભાવીશ જીવનભર, આ જ સંદેશો મોકલી રહ્યો છું,

નાના-નાના સપનાઓ મારા, નાની સરખી જ આશા છે,
હળીમળીને સુખ-દુઃખ વહેંચીએ, બસ આટલી જ અભીલાષા છે...

શાયરી....

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

તરસી લાગણી.......

તરસ્યાં લોક ઘણાં મળ્યા જીવનમાં પણ,
લાગણી પીનારા કોઇ ન મળ્યા.

હતી એક જીવનસંગિની એ લાગણી પીવાને માટે પણ,
એ લાગણીમાં વેદના સિવાય બીજું કાંઈ ના મળ્યું.

એમનામાં સ્વાર્થ સિવાય બીજું કાંઇ ન મળયું.
ક્યાંક ઝાંકળની થોડી બુંદો મળી પીવાને માટે પણ,
એ ઝાંકળની બુંદોમાં પણ અશ્રુ સિવાય કાંઇ ન મળ્યું.


'મુકેશ'

ચોમાસું ક્યાંક આસપાસ છે

ચોમાસું ક્યાંક આસપાસ છે...


આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

- તુષાર શુક્લ

ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

- ‘આદિલ’ મન્સૂરી

દોહા...

પૈસા પૈસા સહુ ચાહે,
પણ એ છે હાથનો મેલ,
સઘળું અહીં રહી જશે,
પૂરો થાશે જીવન ખેલ.


ઢાઈ અક્ષર પ્રેમનાં,
પઢી પઢી પછતાય,
જો લક્ષ્મી ગાંઠ ના રહી,
તો ગૃહલક્ષ્મી પણ જાય.


એક પેટે દાણો નહીં,
દૂજે ભર્યા ભંડાર!
કાહે ઐસી દુઃસંગતી,
ચેતન કર તું વિચાર.

ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..

માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

પણ કોણ કબુલાત કરે ?

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

શાયરી.......

વિતી ગયેલા સમયનો જ્યારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહતનો ત્યારે ખયાલ આવે છે...


દિલમાં કોઇની યાદના પગલા રહી ગયા,
ઝાંકળ ઉડી ગઇ અને દગા રહી ગયા...


એમની આંખમાં આંશુ શોધવા ગયો અને,
રણમાં મૃગજળ વચ્ચે ભુલો પડયો...

દિલમાં જ્યાં સુધી......

દિલમાં જ્યાં સુધી તારી યાદ રહેશે,
આંખમાં ત્યાં સુધી આંસું રહેશે.

તને મારે હવે ભૂલવી કઇ રીતે ?
ભૂતકાળ તો સદા ઊછળતો રહેશે.

વરસો વીતી જાશે તારી જુદાઇના,
તો પણ સફરમાં તારો સથવારો રહેશે.

મેઘની માફક આંસુ પણ વરસે છે,
સ્વાદ જળનો જરા અલગ રહેશે.

ધારેલું ક્યારેય સફળ થતું નથી,
રસ્તા વચ્ચે તારું મિલન થતું રહેશે.

મળે જો પાંખોને અહીં થોડી હવા,
આકાશે આ પારેવું ઊડતું રહેશે....

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)