ઓ ઇશ્વર ભજીએ તને.....

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

મીઠી માથે ભાત

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.’

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’

કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? - બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું - ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત.

- વિઠ્ઠલરાય આવસત્થી

વ્યર્થ દુનિયામાં....

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં 'બેફામ' કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.


-બેફામ

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે...

- મુકુલ ચોકસી

મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

-સંત પુનિત

ઓ નીલગગનનાં પંખેરું....

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ

સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે...
મને તારી...(2)

ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે...(2)
મને કોઈ ના માર્ગ બતાવે...(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું....

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે ...(2)
મને તારી યાદ સતાવે...(2)

ઓ નીલગગનનાં પંખેરું....

શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેવ છેક રાખી,
એક શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
"ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે."

- દલપતરામ

આવકારો મીઠો આપજે

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...

માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

- દુલા ભાયા 'કાગ'

ચારણ કન્યા

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી

કિસ્સો

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

ક્ષિતિજ

ડુબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઉતરી ગઇ.

તમારા વિના સાંજ.

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

- ભગવતીકુમાર શર્મા

એક કદમ આગળ

ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

એક ઘા - સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ગાળ હૈયા મહીં તો.
રે! રે! લાગ્યો દિલ પર અને વિશ્વાસ રુંધાઈ જાતા,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થાતામાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાટ્યું દિલ ધડકતે ત્હોયે ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જોખમ દિલના ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઉગરશે? કોણ જાણી શકે એ,
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીવ ગાવા ફરીને,
આ વાળીના મધુર ફળને ચાખવાને ફરીને.

રે! રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે! રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.

- સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

જળકમળ છાડી જાને...

જળકમળ છાડી જાને...
|
|

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે...

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ...

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ...

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો...

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો...

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ...

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ...

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો...

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો...

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે...

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને...

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો...

તારી આંખનો અફીણી......

તારી આંખનો અફીણી.........
|
|


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

આજ સુધી હુ રાધા હતી...

આજ સુધી હુ રાધા હતી...



હો....ઓ.....
(આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા..)-(2)
આજ સુધી તુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો... હો.... તુ... હુ...
(થઈ ગયા રાધે શામ...)-(2)

હે.... સાચુ પડ્યુ જાણે સમણુ મારુ
થઈ ગયુ મારુ કામ
(થઈ ગયા રાધે શામ...)-(2)

હો....ઓ.....
મીરા થઈ ને નાચુ,
પુર્તિ થઈને વાંચુ,
શમણામાં તુજને ભાળીને
શમણામાં હુ રાચુ..

હે... મનથી મનમે જોડી દીધુ માણીગરનુ નામ..
(થઈ ગયા રાધે શામ...)-(2)

હો....ઓ.....
તારી ચુદડી ઓઢીશ માથે..
તારો ચુડલો પહેરીશ હાથે..
ભાલ કંકુની ટીલડી કરી જનમો જનમ સાથે..

હે... તુ વનરાવન, તુ છે મથુરા, તુ ગોકુળિયુ ગામ..
(થઈ ગયા રાધે શામ...)-(2)

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા..
આજ સુધી હુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો... હો.... હુ તુ
(થઈ ગયા રાધે શામ...)-(2)

મીરાં -સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

અરધી રાતે દરશન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકે ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે

સર્જન

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક 'દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

- 'શૂન્ય' પાલનપુરી

મુહોબ્બતના સવાલોના

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

મુક્તકો

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

ન કર

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

કાનજી ડૉટ કૉમ...

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...

પગ મને ધોવા દ્યો રઘુરાય

પગ મને ધોવા દ્યો રઘુરાય...
|
|

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી...
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

કોઈ હથોડી છે?

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?


તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

છપ્પા

તિલક કરતાં ત્રેપન થયાં,ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત,ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?


દેહાભિમાન હૂતો પાશેર,વિધ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો,ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,આત્મજ્ઞાન મૂળગું ખોય.

શિવાજીનું હાલરડું...........

શિવાજીનું હાલરડું......






આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

મિત્રતા

જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?

મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.

મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.

મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.

એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ|
|

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

મને નવી આંખે દેખાય છે !!

સપનાનું કાજળ જ્યારે આંખોમાં અંજાય છે,
આ જૂની દુનિયા મને નવી આંખે દેખાય છે !!

એ જ દિવસ,એ જ રાત,એ જ અંધકાર,એ જ ઉજાસ,
પણ મારી આંખોમાં નિત નવા કૌતુક સર્જાય છે !!!

ચંદ્રનું આથમવું ઉગવું બદલાતું નથી ક્યારેય,
પણ હવે મને ચંદ્રમાં તારો ચહેરો દેખાય છે..!!!

નદી-ઝરણાંની ગતિ એ જ છે સાગર તરફ
પણ મને એમાં હવે તારું જ હાસ્ય સંભળાય છે !!!

અમાવાસ્યાની એ રાત્રિ તારાની જાજમ બિછાવે છે,
પણ એ તારાઓમાં કેમ તારા છુપાયેલા આંસુ દેખાય છે???

આ દુનિયા તો અહર્નિશ ચાલતી જ રહે છે હંમેશા
પણ તારા જીવનમાં આવવાથી મને તુજમાં જ મારો વિસામો દેખાય છે...!!!!!

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

પાટણથી પટોળાં મોંઘાં લાવજો| |

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)