એ ગભરાઈ જાય છે - 'હું' કિરણકુમાર રોય

મને ઉદાસ જોઈ એ ઉદાસ થઇ જાય છે,
મને રોતો જોઈ માં રઘવાઈ થઇ જાય છે.

કોઈ વાર કાંટા ને પણ પ્રેમ કરી લો,
જેના લીધી બાગ માં ફૂલો સચવાઈ જાય છે.

નદીનો તો પ્રેમ છે કે એ સાગર ને મળે છે,
તળાવ બિચારા એકલા ગરમીમાં સુકાઈ જાય છે.

જ્યાં પૂજા પાઠ ને ભક્તિ નથી હોતી,
એ આંગણે તુલસીનો છોડ કરમાઈ જાય છે.

કદી આસ્થાથી તૂટેલી નાવ માં બેસી જુવો,
સમંદર તો શું? ભવપાર પણ તરી જવાય છે.

ના પૂછો મને કેમની મળી હતી નજરો બાઝારમાં,
આ ચર્ચાયેલો વિષય છે ફરી ચર્ચાઈ જાય છે.

ભલે ડરતું હોય આખું જંગલ એની ગર્જનાથી,
'હું' શ્વાસ પણ જોરથી લઉં તો એ ગભરાઈ જાય છે.

- 'હું' કિરણકુમાર રોય
૨૩ માર્ચ ૨૦૧૩

ગુલાબ બધા ઝાંખા લાગે છે - 'હું' કિરણકુમાર રોય

આજ ગુલાબ બધા ઝાંખા લાગે છે,
બધા પતંગિયાની રજા લાગે છે.

સમંદર આટલો શાંત તો નથી હોતો,
દુરથી આવતું કોઈ તુફાન લાગે છે.

અમસ્તા નથી ઢળતો-ખીલતો આ ચાંદ,
અમાસ માં એની ક્યાંક હાજરી લાગે છે.

રાધા કૃષ્ણ છે સદિયોં થી સાથે,
તો પણ યુગલ એક નવું લાગે છે.

પ્રેમ ક્યાં કોઈનો પુરો થાય છે,
એ શબ્દજ થોડો અધુરો લાગે છે.

શહેરમાં અમન-શાંતિ કેમ છે??
સંસદમાં પડ્યા તાળા લાગે છે.

ઘેલું લાગ્યું છે બધી ગોપીઓને,
કાન્હાએ વગાડી વાંસળી લાગે છે.

લોઢું હતો ને સોનું બની ગયો,
તમારા સ્પર્શનો કમાલ લાગે છે.

મેહુલાને તો વરસવુંજ રહ્યું,
મોરલાએ કર્યો સાદ લાગે છે.

'હું' ફરી અચાનક રડી પડ્યો આજ,
માંએ મને કર્યો યાદ લાગે છે.

- 'હું' કિરણકુમાર રોય
૧૬ માર્ચ ૨૦૧૩

પત્થર ભગવાન બની ગયો - 'હું' કિરણકુમાર રોય

જેને માન્યો હતો ભગવાન એ પત્થર બની જોતો રહ્યો,
જેનાથી લાગીતી ઠોકર એ પત્થર ભગવાન બની ગયો.

ઉડવાની તલપ હતી ને પોતાની પાંખો કાપતો રહ્યો,
ખબર ના પડી ક્યારે એ, માણસ માંથી હેવાન બની ગયો.

એ મુફલસીના દિવસોમાં હતો મારા ગામમાં તવંગર,
આજ શહેરમાં આવી એ તવંગર, ગરીબ બની ગયો.

ઘણા પ્રશ્નો હતા એ હૃદયમાં દબાવતો ગયો,
એ આવ્યા મુજ નિકટ ને હું જ્વાળામુખી બની ગયો.

તડકા છાયા જોયા નહિ ને હું ચાલતો ગયો,
મંજીલની શોધમાં નીકળ્યો ને કોઈ ની મંજીલ બની ગયો.

કુરુક્ષેત્રમાં મારીજ સામે મહાભારત લડતો રહ્યો,
ક્યારેક મુજથી હારતો ને ક્યારેક જીતતો ગયો.

- 'હું' કિરણકુમાર રોય
૧૪ માર્ચ ૨૦૧૩

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)