મહેંદી તે વાવી માળવે

મહેંદી તે વાવી માળવે..






તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ લાવ્યો મહેંદીનો છોડ રે …
મહેંદી રંગ લાગ્યો રે…

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે …
મહેંદી રંગ લાગ્યો રે …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે …
મહેંદી રંગ લાગ્યો રે …

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે

અનુકૂળ જ્યાં દિશા આવી

અનુકૂળ જ્યાં દિશા આવી, પ્રતિકૂળ ત્યાં હવા આવી;
એ કેવી દુર્દશા મિત્રો, કે શત્રુને દયા આવે.
અનુકૂળ જ્યાં......

નજર થાકી, કદમ થાક્યાં, ને હૃદય પણ થાકવા આવ્યું;
મને તો એમ લાગે છે, કે રમત પૂરી થવા આવી.
અનુકૂળ જ્યાં......

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની;
મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી.
અનુકૂળ જ્યાં......

સમયના સેંકડો તોફાનો વચ્ચે પણ અડીખમ છે;
‘અમર’ અમ નાવની વહારે, કિનારેથી દુઆ આવી
અનુકૂળ જ્યાં......

- ‘અમર’ પાલનપુરી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

- અવિનાશ વ્યાસ

અડધી રાતલડીએ મને રે જગાડી

અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !

મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !

ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે !

ઉંબરે ઊભી....

ઉંબરે ઊભી....





ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

- મણિલાલ દેસાઇ

ભોળી રે ભરવાડણ.

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

- નરસિંહ મહેતા

એક એહસાન.... - 'હું' કિરણકુમાર રોય ( Ek Ehsaan - 'Hun' KiranKumar Roy)

દુનિયા નો ભાર ઉઠાવી શકતો હતો...
પણ તારા એક એહસાન નીચે દબાયો..

સત્યની સમજ તો ખુબ હતી..
પણ તારા એક જુઠાણામા ખોવાયો.

દરેક શ્વાસ માં તારુ નામ ઝંખતો હતો..
પણ લેતા તારુ નામ શ્વાસ મારો રુંધાયો...

- 'હું' કિરણકુમાર રોય

તાલીઓના તાલે

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,

ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,

રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત

- અવિનાશ વ્યાસ

ચરર ચરર મારું ચકડોળ ચાલે

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર

- અવિનાશ વ્યાસ

રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

-અવિનાશ વ્યાસ

આજે

આજે તને માફ કરવાની ઈચ્છા થઈ છે,
પણ દોષી હું જ છુ! એ જાણીને રોકાઉ છુ...

- 'હું'

અહીં માણો ગુજરતીનેટ જગત...

  1. સહિયારું સર્જન - પદ્ય - ઊર્મિસાગર
  2. સહિયારું સર્જન - ગદ્ય - ઊર્મિસાગર, વિજય શાહ, નીલમ દોશી
  3. ઊર્મિનો સાગર - ઊર્મિસાગર
  4. ગાગરમાં સાગર - ઊર્મિસાગર, મુક્તિ શાહ
  5. લયસ્તરો - ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર
  6. શબ્દો છે શ્વાસ મારાં - ડો.વિવેક મનહર ટેલર
  7. રીડગુજરાતી - મૃગેશ શાહ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)