કહાર

ડોળીનો ભાર ક્યાં, અરે! દુલ્હનનો ભાર ક્યાં?
અશ્રુનો ભાર હોય છે ઝાઝો કહાર પર.

- હરીન્દ્ર દવે

ઈશ્વર

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

- સૌમ્ય જોશી

વરસાદ

ધરતી પર નાભ નમે તે ગમે ,
મસ્ત આ મૌસમ મા કોઇ યાદ કરે તે ગમે ,
વરસાદ તો વરસે એની મૌસમ મા ,
કોઇ ની દોસ્તી બેમૌસમ વરસે તે ગમે.

વલણ

વલણ હું ઍક સરખું રાખુ છું,આશા-નિરાશામાં ,
બરાબર ભાગ લઊ છું,જીંદગી ના સૌ તમાશામાં,
સદા જીતુ છું, એવુ કંઇ નથી,હારું છું બહુધા પણ-
નથી હાર ને પલટાવવા દેતો હતાશામાં......

મોતી..

તારા ગયા પછી ન બન્યું કંઇ નવું અહીં,
અણઉઘડી બે છીપથી મોતી સરી ગયા.

- રાજેન્દ્ર શુક્લ

વહેવાર

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

- મરીઝ

બરબાદ થતું જીવન

છો આપ ફરી બેઠાં મુજથી એમાંય વિધિનો ભેદ હશે,
બરબાદ થતું જીવન આજે ફુરસદ ની પળે જોવાઇ ગયું.

- ગની દહીંવાલા

સ્નેહ

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- બેફામ

દિલાસો

તારા વિના તો કોણ દિલાસો દિયે મને ?
ખુદ હું જ મારી જાતને પંપાળતો રહ્યો.
- રાહી ઓધારીયા

એકલતા

તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
- શૂન્ય પાલનપુરી

ઓળખાણ હોય...

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબર
ખુદા કરે, 'અનિકેત' ના પ્રેમની એને થોડી જાણ હોય

- 'અનિકેત'

પંખીઓએ કલશોર.....

પંખીઓએ કલશોર... | |

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..

- નિનુ મઝુમદાર

કોણ માનશે???

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

રાખનાં રમકડાં....

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

- અવિનાશ વ્યાસ

પ્રેમમાં ફાવી ગયા

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

ચાલ્યા જ કરું છું...

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

વરસાદ...

આવ તને કહું
શું કહેવા માંગે છે વરસાદ.

આંઠ મહીનાં લાગ્યા મનાવતા
આજ વિરહમાં, ખુપ રડ્યો છે વરસાદ.

ધરતીનાં અંગે અંગમાં
આજ સમાયો છે વરસાદ.

ઓઢી ધરતીએ ચુંદડી લીલા રંગની
થોડો આજ શરમાયો છે વરસાદ.

આવ તને કહું
શું કહેવા માંગે છે વરસાદ.

નહીં ફાવે.... - 'ખલીલ' ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

- 'ખલીલ' ધનતેજવી

ઇશારા ઘણા હતા...

એમની આંખો માં ઇશારા ઘણા હતા
પ્રેમ માં આમતો સહારા ઘણા હતા

અમારે તો એમની આંખ ના
દરીયા મા જ ડુબવું હતુ

ઉભા જ રહેવુ હોત તો
કીનારા ઘણા હતા.

તમારું હેત મારી આંખમાં સમાયું નહીં...

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

એહસાસ..

દુર રહીને પણ પાસે રહેવની મને આદત છે,
યાદ બનીને આન્ખો માથી વેહેવાની મને આદત છે,
પાસે ન હોવા છતા પાસે જ લગીસ,
મને એહસાસ બનીને રેહેવની આદત છે.

મોક્લુ છુ...

ભીના વરસદ ની કોમલ
બુંદ મોકલુ છુ,
આખ તો ખોલ તને
ઉજાસ મોક્લુ છુ,
પીલા પડી ગયા પ્રતિક્ષા ના
પન્દડા,
ન્તર થી તને ખુસ્બુ ભરી
યાદ મોક્લુ છુ

મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો....

મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો.
રાત્રી થઇ ગઇ ને અંધકાર છવાઇ ગયો.

મારા પોતાનાય થઇ ગયા પરાયા એવા,
બીડાઇ ગયુ "ગુલાબ",ભ્રમર ગુંગળાઇ ગયો.

હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો,
અચાનક એમનો થોડો વિચાર બદલાઇ ગયો.

સપનાં જોતો તો મીલનનાં ને વિરહ છવાઇ ગયો.
મારા પ્રણય નો બગીચો એમ ને એમજ કરમાઇ ગયો.

બંધ આખે પણ નીહાળતો હતો હું જે સુરત સદા,
હાય આજે એજ સુરત ની તલાશ મા હું ખોવાઇ ગયો.

આ ચહેરાઓ ની માયાજાળ છેતરી ગઇ 'હ.વા.' ને પણ,
'હ.વા.' માં વિન્ઝી હાથ પોતાનામાં કેવો હું પટકાઈ ગયો .

ચહેરાઓના મુખવટામાં હું એવો તો ભરમાઇ ગયો.
સમજીને ખીલતું "ગુલાબ" કેવો હું કાંટામાં ભેરવાઇ ગયો.

- હાર્દિક વાટલીયા 'હ.વા.'

સ્ત્રોત : ખીલતું ગુલાબ પરથી

રોવુ હતુ મારે પણ...

રોવુ હતુ મારે પણ તે સમ આપેલ છે
કોને કહુ મારે મન તે ગમ આપેલ છે

રન્જ ન હોત જરી ગર તુ મોત દેત મને
પણ રદય મા દુ:ખ ને આંખ નમ આપેલ છે

ભીના છે નેણ મારા રડ્યો હુ નથી તોય
કારણ વાદળા ને વીજ તમે આપેલ છે

ખીલ્યુ હતુ જે ગુલબ કુદરત ચરણ મા
જો તેનેય ક્યા કદિ કન્ટક કમ આપેલ છે

દૂર છો ભલે મુજ નઝર થી આ યુગ માં
ખુશ છુ યાદો થી જે હરદમ આપેલ છે

કિધુ જેને પણ દુ:ખ મનડા-એ- નિહાર નુ
દુનિયા એ તેને શબ્દ મત્ર ખમ આપેલ છે

સમય વહી જાય છે

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે

જો ને સાજન....

જો ને સાજન તારા વર્ણન થી ગઝલ શરમાય છે,
પ્રેમ તારો જોઇ ને પ્રક્રુતી પણ હરખાય છે, જો ને સાજન...

ચાંદ હવે વાદળો પાછળ શરમાય ને છુપાય છે,
શિતળતા તારી જાણી ને ચાંદની ખિલી જાય છે, જો ને સાજન...

ઝરણા પણ જોને અહિં થી ખળ-ખળ વહી જાય છે,
શંખ-છિપલા પ્રેમ તણા પાણી થી ભીંજાય છે, જો ને સાજન...

પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે,
યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે, જો ને સાજન...

સ્વ્પનો ની યાદો મા મારી ઉર્મિ પણ હરખાય છે,
ઝાકળ ની બુંદો પણ હવે મોતી બની ઝબકાય છે, જો ને સાજન...

- રાજકોટીયન રાજ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)