પ્રણયમા જવાની

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

– અમૃત ‘ઘાયલ’

તમે પાંપણને પલકારે વાત કહી કઇ

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

-હરીન્દ્ર દવે

પહેલાં પ્રણયની વાત

ન સમજ ,ન ડહાપણ , ન હતો કોઇ સ્વાર્થનો પણ હાથ
ખૂબ જ સહજતાથી મિલાવી હતી એમણે મારી આંખમાં આંખ

ચહેરો હતો પીડાને દબાવેલો...
હા,પણ નહોતું રોગનું નિશાન !
આછા પ્રકાશમાં ચમકતું હતું ,એ મુગ્ધ પ્રેમીનું વાન.

દૂર હતાં પણ વધારે નજીક હતાં આમ
ખબર પડી ત્યારે ..
જ્યારે એમનાં સરી પડેલ પાલવ અડ્યાનું થયું મને ભાન.

સરળ શબ્દોમાં અથડાઈ મારાં દિલને
એ ઊછળતી ઊર્મિઓની વાત,
લાગ્યું તોડી રહ્યું છે કોઈક
આ પત્થરની જાન !

આંખમાં ઝીણાં સપના ને હતો મૂંગા શબ્દોનો સાથ...
બરાબર સમજી ગયો
આ તો હતી ..પહેલાં પ્રણયની વાત!!

-મેહુલ શાહ

બદનામ

આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

- જૈમિન મક્વાણા 'બદનામ'

તારા વગર કઇ નથી

જીવન મા તારા વગર કઇ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કઈ નથી,
હુ એવી રીતે તારા વિચાર મા ખોયી છુ,
કે મારા વિચાર તારી યાદ વગર કઇ નથી..

દોરાયલી રેખા મહીં

તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે

તારી છબી તું આયને જોઇલે પ્રથમ
ને તે પછી તું અન્યને એ ધરી શકે

તોફાન જો આવે હવાનું અહીં બને
તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે

વાતાવરણ આ બાગનું હોયજો માફક
કળિયો તણી અહિ પાંદડીઓ ખિલી શકે

એતો વરસવાનો મૂશળધાર થૈ વફા
તારા મહીં હો હામ તો સંઘળી શકે

- મુહમ્મદઅલી વફા

ખબર નથી મને દુનિયાની

ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે.
ખબર નથી કઈ દિશામાં જવાનું જ્યારથી દરેક દિશામાં તમોને જોયા છે..

- રાજ

એ કેવી સજા છે ?

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે..

- ‘મરીઝ’

લાગણીનો પાથરી જઈશ

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

- મનોજ ખંડેરિયા

સાવ સાચી વાત છે

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે
સૂર્ય દેખાશે ગગનમાં ક્યાંક એવી રાત છે...

યાદ આવી ગઈ.

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ.

ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ.

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ.

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ.

- નીનુ મઝુમદાર

મને કહેજે.....

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે.

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે.

મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે.

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે.

- અદી મિરઝાં,

તમને સમય નથી

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;

જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઈંતિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

- બાપુભાઈ ગઢવી

પ્યારની વાતો..

રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ ‘દી તો પ્યારની વાતો.

બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.

ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.

આપ્યું ‘તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.

‘રજની’ એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.

- રજની પાલનપુરી

મને જોઈ ને શરમાય છે.....

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

જાણી જોઇને..

જાણી જોઇને કોઈ મને દુર કરી રહ્યું છે,
હું એના દિલમાં છું છતાં મને શોધી રહ્યું છે....

સમ તને...

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,
આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને..

- આકાશ ઠક્કર

ના આવડ્યું.

કોઈના અંગત થતા ના આવડ્યું,
સ્વપ્નમાં પણ જાગતા ના આવડ્યું.

સાંજ પડતા, એ જ રસ્તો એ જ ઘર,
તો ય ત્યાં પાછા જતા ના આવડ્યું.

જિન્દગીભર નામ જે રટતા રહ્યા,
અંતમાં ઉચ્ચારતા ના આવડ્યું.

જે પળેપળ હોય છે હાજર સતત,
સાથ એનો પામતા ના આવડ્યું.

નીકળ્યો પગમાંથી જે મરજી મુજબ
એ જ રસ્તે ચાલતા ના આવડ્યું.

એટલે કેદી રહ્યા કાયમ અમે
ક્યાંય કાચું કાપતા ના આવડ્યું.

છે બધું પણ કૈં નથી ‘આકાશ’માં,
ભાગ્યને અજમાવતા ના આવડ્યું.

- આકાશ ઠક્કર

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)