સૂના સરવરિયા ને કાંઠડે - અવિનાશ વ્યાસ

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

- અવિનાશ વ્યાસ

સ્રોત

વગડાની વચ્ચે વાવડી

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે

નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે

મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સે...વગડાની...

એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે

સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી
વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે...વગડાની...

સ્રોત

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો...

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

વૈષ્ણવજન - નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

જીવન અંજલિ થાજો - કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો!
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો!
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!

-કરસનદાસ માણેક

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું - મુનિ શ્રી ચિત્રભાનુ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

- મુનિ શ્રી ચિત્રભાનુ

શબ્દો ને ચડી ગઈ છે ખાલી - રાજેશ

શબ્દો ને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી.. શબ્દો ને ચડી..

આભાસ વસંત નો ભરપૂર થયો,
ને પાનખરે કર્યા ઝાડવાં ખાલી.... શબ્દો ને ચડી..

આ જો ને હમણાં બાળપણ હતું,
ને જુવાની’ય છીનવાઇ ગૈ ખાલી....શબ્દો ને ચડી..

હજુ સમરું છુ સ્મરણો હું તારા,
ને વિદાય થી તારી ઘર થયું ખાલી....શબ્દો ને ચડી..

નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી.... શબ્દો ને ચડી..

-રાજેશ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)