ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ - બરકત વિરાણી ‘બેફામ’

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

- બરકત વિરાણી ‘બેફામ’

સારો નથી હોતો - શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

- શેખાદમ આબુવાલા

રંગ - પ્રિયમ

કયો રંગ મોકલું પ્રિયમ?
આખો નો ગુલાબી સપના મઢેલો મોકલું કે
હૈયે નીતરતો ભીનો આસમાની?

અડકેલો તારો વાદળી મોકલું કે મોકલું લાલ?
કે પછી રંગો ની અદલાબદલી માં
ભેલાવેલી મારી આશ મોકલું?

આજે હાથમાં મુકેલી મહેંદી ભીનો
કેશારીયો મોકલુ સાથે હાથ થી તારા લગાવેલો
સીન્દુરીયો પણ મોકલું

-પ્રિયમ

એ ગભરાઈ જાય છે - 'હું' કિરણકુમાર રોય

મને ઉદાસ જોઈ એ ઉદાસ થઇ જાય છે,
મને રોતો જોઈ માં રઘવાઈ થઇ જાય છે.

કોઈ વાર કાંટા ને પણ પ્રેમ કરી લો,
જેના લીધી બાગ માં ફૂલો સચવાઈ જાય છે.

નદીનો તો પ્રેમ છે કે એ સાગર ને મળે છે,
તળાવ બિચારા એકલા ગરમીમાં સુકાઈ જાય છે.

જ્યાં પૂજા પાઠ ને ભક્તિ નથી હોતી,
એ આંગણે તુલસીનો છોડ કરમાઈ જાય છે.

કદી આસ્થાથી તૂટેલી નાવ માં બેસી જુવો,
સમંદર તો શું? ભવપાર પણ તરી જવાય છે.

ના પૂછો મને કેમની મળી હતી નજરો બાઝારમાં,
આ ચર્ચાયેલો વિષય છે ફરી ચર્ચાઈ જાય છે.

ભલે ડરતું હોય આખું જંગલ એની ગર્જનાથી,
'હું' શ્વાસ પણ જોરથી લઉં તો એ ગભરાઈ જાય છે.

- 'હું' કિરણકુમાર રોય
૨૩ માર્ચ ૨૦૧૩

ગુલાબ બધા ઝાંખા લાગે છે - 'હું' કિરણકુમાર રોય

આજ ગુલાબ બધા ઝાંખા લાગે છે,
બધા પતંગિયાની રજા લાગે છે.

સમંદર આટલો શાંત તો નથી હોતો,
દુરથી આવતું કોઈ તુફાન લાગે છે.

અમસ્તા નથી ઢળતો-ખીલતો આ ચાંદ,
અમાસ માં એની ક્યાંક હાજરી લાગે છે.

રાધા કૃષ્ણ છે સદિયોં થી સાથે,
તો પણ યુગલ એક નવું લાગે છે.

પ્રેમ ક્યાં કોઈનો પુરો થાય છે,
એ શબ્દજ થોડો અધુરો લાગે છે.

શહેરમાં અમન-શાંતિ કેમ છે??
સંસદમાં પડ્યા તાળા લાગે છે.

ઘેલું લાગ્યું છે બધી ગોપીઓને,
કાન્હાએ વગાડી વાંસળી લાગે છે.

લોઢું હતો ને સોનું બની ગયો,
તમારા સ્પર્શનો કમાલ લાગે છે.

મેહુલાને તો વરસવુંજ રહ્યું,
મોરલાએ કર્યો સાદ લાગે છે.

'હું' ફરી અચાનક રડી પડ્યો આજ,
માંએ મને કર્યો યાદ લાગે છે.

- 'હું' કિરણકુમાર રોય
૧૬ માર્ચ ૨૦૧૩

પત્થર ભગવાન બની ગયો - 'હું' કિરણકુમાર રોય

જેને માન્યો હતો ભગવાન એ પત્થર બની જોતો રહ્યો,
જેનાથી લાગીતી ઠોકર એ પત્થર ભગવાન બની ગયો.

ઉડવાની તલપ હતી ને પોતાની પાંખો કાપતો રહ્યો,
ખબર ના પડી ક્યારે એ, માણસ માંથી હેવાન બની ગયો.

એ મુફલસીના દિવસોમાં હતો મારા ગામમાં તવંગર,
આજ શહેરમાં આવી એ તવંગર, ગરીબ બની ગયો.

ઘણા પ્રશ્નો હતા એ હૃદયમાં દબાવતો ગયો,
એ આવ્યા મુજ નિકટ ને હું જ્વાળામુખી બની ગયો.

તડકા છાયા જોયા નહિ ને હું ચાલતો ગયો,
મંજીલની શોધમાં નીકળ્યો ને કોઈ ની મંજીલ બની ગયો.

કુરુક્ષેત્રમાં મારીજ સામે મહાભારત લડતો રહ્યો,
ક્યારેક મુજથી હારતો ને ક્યારેક જીતતો ગયો.

- 'હું' કિરણકુમાર રોય
૧૪ માર્ચ ૨૦૧૩

ગજબ થઇ જાયે

આજ ફરી એક વાર ગજબ થઇ જાયે,
એ મારા ર્હદય ના ખુબ નજીક થઇ જાયે.

દરિયા માં બેસી ને તોફાનની રાહ જોઉં છું,
મારી આજુ બાજુ હવે બવંડર થઇ જાયે.

એક વાત એ મને કરે અને એક વાત હું,
આમજ વાત વાત માં રાઈ નો પહાડ થઇ જાયે.

આંખો બંધ કરી હું એને યાદ કરું,
ને આખો ખોલું ત્યાં મેળો થઇ જાયે.

કરું વખાણ એના કાગળ પર,
વાંચું તો એ ગઝલ થઇ જાયે..

- 'હું' કિરણકુમાર રોય
૩૧ જાન્યુઆરી ૨૦૧૩

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)