આજ નહીં તો કાલે મળજો; પણ મળવાનું રાખો
મુજમાં ઓછા વધતા ભળજો; પણ ભળવાનું રાખો.
સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં
ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો.
જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી
મનગમતા ઢાંચામાં ઢળજો; પણ ઢળવાનું રાખો.
તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના
મને નહીં તો બીજાને ફળજો; પણ ફળવાનું રાખો.
તેનાથી કંઈ ફેર પડે ના આ જગનાં પાપોમાં
પુણ્યો થોડાં થોડાં રળજો; પણ રળવાનું રાખો.
માફકસરનું તમે બધાને આપી ના શકવાના
ઝીણું દળજો; જાડું દળજો; પણ દળવાનું રાખો.
ગઝલો પણ સાંભળવી, લખવી નીતર્યો બ્રહ્માનંદ છે
એ બાજુ છો ઓછા ઢળજો; પણ ઢળવાનું રાખો
- સોનલ
No comments:
Post a Comment