મને ગમે છે.

મને ગમે છે......


જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે.

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે,

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે,

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે,

ખોટી તો ખોટી હૈયાઘારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે,

હસવું સદાય હસવું, દુઃખમાં અચુક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લુછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફુલો છાબો ભરી ભરીને,
છે ખુબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહિ દઊં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના ! વળગણ મને ગમે છે.

ભેટયો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં !
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે!

“ઘાયલ”, મને મુબારક આ ઉર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)