કાવ્યપંક્તિઓનો સંગ્રહ-3

રસ તરસ્યા ઓ બાળ
રસની રીત મ ભૂલશો
પ્રભુએ બાંધી પાળ
રસ સાગરની પુણ્યથી
-નાનાલાલ

હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવાં બીજાં
-નાનાલાલ

પાર્થને કહો, ચડાવે બાણ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
-નાનાલાલ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
-નાનાલાલ

પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં
-રમણભાઈ નીલકંઠ

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર, યૌવન માંડે આંખ
-ઝવેરચંદ મેઘાણી

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે
-ઝવેરચંદ મેઘાણી

છેલ્લો કટોરો ઝેરનો આ, પી જજો બાપુ
સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ
-ઝવેરચંદ મેઘાણી

ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે
-ફૂલચંદભાઇ શાહ

સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ, એક માનવી જ કાં ગુલામ
-ઉમાશંકર જોશી

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ના લાધશે
-ઉમાશંકર જોશી

હું માનવી માનવ થાઉં તો પણ ઘણું
-ઉમાશંકર જોશી

તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા
-કરસનદાસ માણેક

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે, જિંદગીના મોજા
-મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
-મકરંદ દવે

આપણાં દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર
-રાજેન્દ્ર શાહ

લે, આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું
તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું
-રાજેન્દ્ર શુક્લ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં
-જગદીશ જોશી

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી 'શયદા'

'બેફામ' તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
–બરકત વીરાણી ‘બેફામ’

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
–બરકત વીરાણી ‘બેફામ’

ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

આ બધાં 'બેફામ' જે આજે રડે છે મોત પર
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
–બરકત વીરાણી ‘બેફામ’

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
-જલન માતરી

જિંદગીના રસને પીવામાં કરો જલદી 'મરીઝ'
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
-મરીઝ

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
-અમૃત 'ઘાયલ'

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે
-અમૃત 'ઘાયલ'

અમૃતથી હોઠ સૌના એંઠાં કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરીયે સંજીવની છે 'ઘાયલ'
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું
-અમૃત 'ઘાયલ'

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું
-અમૃત 'ઘાયલ'

જીવનની સમી સાંજે મારે, જખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં
-સૈફ પાલનપુરી

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે
-ચિનુ મોદી 'ઈર્શાદ'

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ
-મનહરલાલ ચોક્સી

લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
'ઓ હો,દર્શન થઈ ગયા',બોલે જાદવરાય
-ઉદયન ઠક્કર

હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન
-હરીન્દ્ર દવે

ડેલીએથી પાછા મ વળજો હો શામ
ઠાલા દીધા છે મેં તો મારા બારણાં
વિપિન પરિખ

રાતદિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખૂટે કેમ
તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ
-સુરેશ દલાલ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
-ચિત્રભાનુ

અમે બરફનાં પંખી રે, ટહુકે ટહુકે પીગળ્યા
-અનિલ જોશી

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
-રમેશ પારેખ

સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે
-રમેશ પારેખ


મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો
વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો
-રમેશ પારેખ

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
-મનોજ ખંડેરિયા

1 comment:


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)