કાવ્યપંક્તિઓનો સંગ્રહ-2

ચાતક, ચકવા,ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ
ખર, ઘુવડ ને મુરખ જન, સુખે સુએ નિજ વાસ
-ગણપતરામ

વાડ થઈ ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન
-શામળ ભટ્ટ

ઉજ્જડ ખેડાં ફરી વસે
નિર્ધનિયાં ધની હોય
ગયાં ન જોબન સાંપડે
મુઆ ન જીવે કોય
-શામળ ભટ્ટ

ભાષાને શું વળગે ભૂર
જે રણમાં જીતે તે શૂર
સંસ્કૃત બોલે તે શું થયું
કાંઈ પ્રાકૃતથી નાસી ગયું
-અખો

એ જ્ઞાન અમને ગમતું નથી, રૂષિ રાયજી રે
બાળક માંગે અન્ન, લાગું પાયજી રે
-પ્રેમાનંદ

પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે
માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખણહારા દાઝે
-પ્રીતમદાસ

તું નાનો હું મોટો, એવો ખ્યાલ બધાનો ખોટો
ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો
-પ્રેમશંકર ભટ્ટ

નથી મૃત્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં પેઠો
કનકની મુર્તિ કરે, નથી ઈશ્વર મહીં બેઠો
નથી ઘોરોમાં પીર, નથી જૈનોને દેરે
અસલ જૂએ નહિ કોય, સૌ નકલો હેરે
-નરભેરામ

અરે ન કીધાં કેમ ફૂલ આંબે
કર્યા વળી કંટક શા ગુલાબે
સુલોચનાને શિર અંધ સ્વામી
અરે વિધાતા તુજ કૃત્ય ખામી
-દલપતરામ

કોયલ નવ દે કોઈને, હરે ન કોનું કાગ
મીઠાં વચનથી સર્વનો, લે કોયલ અનુરાગ
-દલપતરામ

દેખ બિચારી બકરીનો કોઈ ન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન
-દલપતરામ

ઝાઝા નબળાં લોકથી કદી ન કરીએ વેર
કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર
-દલપતરામ

અન્યનું તો એક વાંકું આપના અઢાર છે
-દલપતરામ

વા વાયો ને નળિયું ખસ્યું, એ દેખીને કુતરું ભસ્યું
-દલપતરામ

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા
-દલપતરામ

કાણાને કાણો કહે તો કડવાં લાગે વેણ
હળવે રહીને પૂછીયે શાથી ખોયાં નેણ
-દલપતરામ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે
-નર્મદ

સુખી હું તેથી કોને શું, દુખી હું તેથી કોને શું
-ગોવર્ધનરામ

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને
કવ વિચરશું મહત પુરુષને પંથ જો
-સદગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
-ખબરદાર

સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ
-બહેરામજી મલબારી

અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
-બાલાશંકર

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે
-બાલાશંકર

છે માનવી જીવનની ઘટમાળ એવી
દુ:ખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી
-નરસિંહરાવ

પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયાં
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં
-નરસિંહરાવ

કલા છે ભોજ્ય મીઠી પણ ભોક્તા વિણ કલા નહિ
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ
-કલાપી

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે
-કલાપી

'રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ
નહિ તો ના બને આવું' બોલી માતા ફરી રડી
-કલાપી

હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહિ
સો સો દીવાલો બાંધતાં પણ ફાવશો કોઈ નહિ
-કલાપી

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે
-કલાપી

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી
-કલાપી

રહેવા દે રહેવા દે, આ સંહાર યુવાન તું
ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું
-કલાપી

જે પોષતું તે મારતું
શું ક્રમ નથી એ કુદરતી
-કલાપી

વ્હાલી બાબાં,સહન કરવું એ ય છે એક લ્હાણું
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું
-કલાપી

ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે
-કલાપી

મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે
-કલાપી

પધારો એમ કહેવાથી, પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શેનાં, અનાદર પ્રેમીને શાનો
વિનયની પૂરણી માગે, અધુરી તેટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-બોટાદકર

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
-મણિલાલ નભુભાઈ દ્વિવેદી

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)