ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ
લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ
(ભલું થયું કે મરાયા બહેની મારા કંથ
લાજવું પડત સખિઓમાં જો ભાગી ઘેર આવ્યા હોત)
-હેમચંદ્રાચાર્ય
કંથા ! તું કુંજર ચઢ્યો, હેમ કટોરા હથ્થ
માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ
પ્રાચીન
કોયલડી ને કાગ, ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ, સાચું સોરઠીયો ભણે
પ્રાચીન
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર, ખરેડી ખાંગો કાં ન થયો
મા પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે
પ્રાચીન
અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ
પ્રાચીન
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ
પ્રાચીન
કચ્છડો ખેંલે ખલકમેં, મહાસાગરમેં મચ્છ
જિન હકડો કચ્છી વસે, ઉન ડિયાણી કચ્છ
પ્રાચીન
જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી, રખે ગુમાવે નૂર
પ્રાચીન
જે ઊગ્યું તે આથમે, જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય
પ્રાચીન
જોઈ વહોરિયે જાત, મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ
પ્રાચીન
સાચી પ્રીત શેવાળની, જળ સૂકે સકાય રે
માંયલો હંસલો સ્વાર્થી, જળ સૂકે ઊડી જાય
પ્રાચીન
નહીં આદર, નહીં આવકાર, નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું, ભલે કંચન વરસે મેઘ
પ્રાચીન
મહેમાનોને માન, દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ, સાચું સોરઠિયો ભણે
પ્રાચીન
દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર
પ્રાચીન
રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ, બુદ્ધિ, ને ધન વધે, સુખમાં રહે શરીર
પ્રાચીન
વાપરતા આ વિશ્વમાં, સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે, એ અચરજ કહેવાય
પ્રાચીન
જે જાય જાવે, તે કદી ન પાછો આવે
જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે
લોકોક્તિ
વિપત પડે નવ વલખિએ, વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય
પ્રાચીન
દીઠે કરડે કુતરો, પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો, દબાયો કરડે નાગ
પ્રાચીન
નામ રહંતા ઠક્કરાં, નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં, પાડ્યા નવ પડંત
પ્રાચીન
જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ
લોકોક્તિ
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવિ
લોકોક્તિ
કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
બાળવાર્તા
મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય
લોકોક્તિ
કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુ:ખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ
અજ્ઞાત
અબે-તબે કે સોલ હી આને, અઠે-કઠે કે આઠ
ઈકડે-તીકડે કે ચાર આને, શું શા પૈસા ચાર
પ્રાચીન
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે, તો ય તૃણ નવ ખાય
પ્રાચીન
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
-નરસિંહ મહેતા
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં,અંતે તો હેમનું હેમ હોયે
-નરસિંહ મહેતા
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાન
-નરસિંહ મહેતા
હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે
-નરસિંહ મહેતા
ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ
-નરસિંહ મહેતા
એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
-નરસિંહ મહેતા
ઝેર તો પીધા છે જાણી જાણી
મેવાડા રાણા
ઝેર તો પીધા છે જાણી જાણી
-મીરાંબાઈ
સાકર શેરડીનો સ્વાદ તજીને,કડવો લીમડો ઘોળ મા રે
-મીરાંબાઈ
No comments:
Post a Comment