એક નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું. એ ઝાડ પર એક વાંદરો રહે. એ તો રોજ ઝાડ પરનાં મીઠાં મીઠાં જાંબુ ખાય, નદીનું સ્વચ્છ પાની પીએ અને આનંદ કરે. એ નદીમાં એક મગર રહેતો હતો. વાંદરાને આમ મોજ કરતો જોઈ મગરને એની સાથે દોસ્તી કરવાનું મન થયું.
એક દિવસ કાંઠે આવીને મગર વાંદરાને કહે કે ‘તમે એકલા એકલા આનંદ કરો છો, તે કરતાં આવો આપણે સાથે મજા કરીએ.’ વાંદરો કહે કે, ‘તું મને મારી નાખે તો ?’ મગર કહે કે ‘ના રે ના; એમ તે કાંઈ બને ? આપણે બન્ને તો દોસ્ત થઈશું.’ પછી તો મગર રોજ પાણીની બહાર આવે ને વાંદરો ઝાડ પરથી નીચે ઊતરે અને બન્ને ખાઈ-પી ગમ્મત કરે.
એક દિવસ વાંદરો ઝાડ પરથી ખૂબ પાકાં પાકાં જાંબુ લાવ્યો ને મગરને આપ્યાં. મગરે એકબે પોતે ખાધાં ને બીજાં એની મગરી માટે લઈ ગયો. મગરી તો મીઠાં મીઠાં જાંબુ ખાઈ ખુશ ખુશ થીઈ ગઈ અને મગરને કહે કે, ‘આ જાંબુ આવાં મીઠાં છે, ત્યારે જે હંમેશાં આ ફળ ખાતો હશે તેનું કાળજું કેટલું બધું મીઠું હશે ! માટે તમે એ વાંદરાને મારી નાખો ને એનું કાળજું મારે માટે લઈ આવો.’
મગરે તો મગરીને બહુ સમજાવી ને કહ્યું કે ‘તારે માટે હું દરરોજ મીઠા જાંબુ લાવીશ; પણ મારા મિત્ર વાંદરાને તો મારાથી કેમ મરાય ?’ પણ મગરી એકની બે થઈ નહીં ને હઠ લઈને બેઠી. ખાય નહીં પીએ નહીં. આખરે મગર બિચારો થાક્યો ને વાંદરાને કોઈ પણ બહાને મારી નાખવાનો નિશ્ચય કર્યો.
બીજે દહાડે દરરોજના નિયમ પ્રમાણે બન્ને મિત્રો નદીકિનારે સુખદુ:ખની વાતો કરતા બેઠા હતા, ત્યાં મગર વાંદરાને કહે કે ‘વાંદરાભાઈ, વાંદરાભાઈ, આપણે આટલા દિવસ થયાં દોસ્તી છે, પણ તમે એકેય દિવસ મારે ઘેર નથી આવ્યા. માટે આજ તો ચાલો. મારી મગરી તમને મળવાને બહુ જ આતુર છે. તમારે જરૂર આવવું પડશે.’
વાંદરો કહે કે, ‘મગરભાઈ, હું તો જમીન ઉપર રહેનારો. મને પાણીમાં તરતાં કેમ આવડે ? મગર કહે કે ‘એમાં શું? મારી પીઠ પર સવાર થઈ જાઓ.’ વાંદરો તો મગરની પીઠ પર બેઠો ને મગરે પાણીમાં તરવા માંડ્યું.
થોડે દૂર ગયા ત્યાં વાંદરાએ મગરને રડતો જોયો. વાંદરો પૂછે કે ‘મગરભાઈ, મગરભાઈ, કેમ રડો છો ?’ ત્યારે મગર કહે કે ‘ભાઈ, મારી મગરીને તારું કાળજું ખાવું છે, માટે તને હું ત્યાં લઈ જાઉં છું. એણે તો હઠ પકડી છે. ત્યાં પહોંચીશું એટલે એ તને મારી નાખશે. એટલા માટે હું રડું છું.’
વાંદરો આ સાંભળીને મનમાં તો ગભરાયો, પણ બહાર જણાવ્યું નહીં. મગરની વાત પૂરી થતાં એ તો ખડ ખડ હસી પડ્યો. મગર પૂછે કે ‘કેમ ભાઈ, હસો છો ? તમને મરવાની બીક નથી ?’ વાંદરો કહે કે ‘ભલા માણસ, તેં મને પહેલેથી કેમ ના કહ્યું ? કાળજું તો હું ઝાડ પર મૂકી આવ્યો છું. પાછો કિનારે લઈ જા એટલે હું લઈ આવું.’
વાંદરાની આ યુક્તિથી મગર ભોળવાયો ને વાંદરાને કિનારા તરફ લઈ જવા માંડ્યો. જેવો કિનારો થોડે દૂર રહ્યો કે વાંદરો છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો. ત્યાંથી તે મગરને કહે કે ‘અરે મૂરખ, કાળજાં તે વળી ઝાડ પર હોય ? મેં આ યુક્તિ ન કરી હોત તો મારું તો આવી જ બન્યું હતું ને ? આજથી આપણી દોસ્તી તૂટી. જા, તારી મગરીને કહેજે કે એના નસીબમાં કાળજુંયે નથી ને મીઠા જાંબુયે નથી, માત્ર ઠળિયા જ છે.’
મગર નિરાશ થઈને ઘેર ગયો.
No comments:
Post a Comment