હાથી અને સસલો

એક વનમાં ચતુર્દન્ત નામનો હાથી રહેતો હતો. એ ખૂબ જ મોટો હતો. જાણે નાનકડો પહાડ જ સમજી લો. એ હાથીઓના ટોળાનો રાજા હતો.

એક વાર એ વનમાં દુકાળ પડ્યો. વર્ષો સુધી વરસાદ પડ્યો નહિ. વનમાં આવેલા તમામ તળાવ, તળાવડાં અને નદીઓ સૂકાઈ ગયાં. ત્યારે સૌ હાથીઓએ પોતાના રાજા ચતુર્દન્તને કહ્યું : ‘દેવ ! પાણી વગર અમારા સૌના જીવ અકળાય છે. કેટલાંક મદનિયાં તો પાણી વગર મરી ગયાં છે અને બીજાં કેટલાંક મરવાની અણી પર છે. એટલે આપ કોઈક તળાવ શોધી કાઢો જ્યાં પાણી પીને અમે પાછા તાજા થઈએ.’ ગજરાજ ચતુર્દન્ત થોડી વાર વિચાર કરતો રહ્યો પછી બોલ્યો : ‘આપણા વનની વચ્ચે એક વિશાળ સરોવર છે. એની નીચે પાતાળગંગા આવેલી છે. એને કારણે એ સરોવરમાં બારેમાસ ભરપૂર પાણી રહે છે. માટે આપણે સૌ ત્યાં જઈએ.

ગજરાજનો હુકમ મળતાં તમામ હાથીઓ વનની વચ્ચેના એ સરોવર તરફ જવા ચાલી નીકળ્યા. પાંચ દિવસ અને પાંચ રાત ચાલતા રહ્યા. છઠ્ઠા દિવસની સવારે તેઓ સરોવર પાસે પહોંચી ગયા અને તરત જ સૌ પાણીમાં કૂદી પડ્યા. હાથીઓને પાણી ખૂબ જ ગમે છે. આ હાથીઓને તો વરસો સુધી આટલું બધું પાણી મળ્યું નહોતું. એટલે તેઓ આખો દિવસ પાણીમાં રમતા અને નહાતા રહ્યા. છેક સાંજ પડે જ તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા. હવે વાત એવી હતી કે આ સરોવરની આસપાસ પોચી જમીન હતી. અને એમાં અનેક સસલાઓએ પોતાનાં દર બનાવ્યાં હતાં. આનંદ અને મસ્તીમાં ઝૂમતા હાથીઓને દોડધામને કારણ સસલાંઓનાં ઘરમાં દર ભાંગી ગયાં. અંદર બેઠેલાં ઘણાં સસલાં મરી ગયા અને ઘણાનાં હાથપગ તૂટ્યાં. જે બચી ગયા તે એકદમ સરોવર કાંઠેથી દૂર ભાગ્યા.


સૌ સસલાં નજીકની ઝાડીમાં ભેગા મળ્યા. ઘણાંનાં ઘર હાથીઓનાં પગ નીચે કચડાવાથી ભાંગી ગયાં હતાં. ઘણાના પગ ભાંગ્યા હતા. ઘણાનાં શરીર લોહિયાળ હતાં. ઘણાનાં બાળકો મરણ પામ્યાં હતાં અને તેઓ રડી રહ્યાં હતા. તેઓ એકબીજા સાથે વાતો કરતા વિચાર કરવા લાગ્યા કે અરે, આ હાથીઓ આવી પહોંચ્યા છે એટલે આપણે તો હવે માર્યા જ જઈશું. વનમાં બીજે ક્યાંય પાણી તો છે નહિ, એટલે હાથીઓ દરરોજ અહીં આવ્યા કરશે. માટે આ મુસીબતનો કશોક વિચાર કરવાની જરૂર છે.
એક સસલો બોલ્યો : ‘આપણે આ દેશ છોડીને જતા રહીએ. કારણ કે આ જંગી હાથીઓ સામે આપણું તો કશું ચાલવાનું નથી.’
ત્યારે એક ઘરડો સસલો બોલ્યો : ‘ભાઈઓ ! આપણા બાપદાદાના વખતથી આપણે અહીં રહીએ છીએ. એટલે આ જગ્યા છોડી શકાય તો નહિ. વળી, વનમાં બીજે ક્યાંય પાણી તો છે નહિ. એટલે આપણે આ હાથીઓને કશીક બીક બતાવીને એમને અહીં આવતા અટકાવવા જોઈએ.’

એક બીજો સસલો બોલ્યો : ‘તમારી વાત સાચી છે. આ હાથીઓને કશીક બીક બતાવવી જોઈએ. તે કામ આપણા રાજાને સોંપીએ. આપણા રાજા વિજયદત્ત છે અને તે ચંદ્રમંડળમાં રહે છે. એટલે આપણે કોઈ દૂતને આ હાથીઓ પાસે મોકલીએ. તે જઈને હાથીઓને કહે કે ચંદ્રદેવનો હુકમ છે કે આ સરોવરમાં આવશો નહિ. ચંદ્રદેવના પ્રીતિપાત્ર સસલાંઓનાં અહીં ઘર છે ! આ દૂતની વાત માનીને કદાચ હાથીઓ જતા રહેશે.’ આ સસલાની વાત સૌને ગમી ગઈ. એમણે નક્કી કર્યું કે આપણે લંબકર્ણ નામના સસલાને હાથીઓ પાસે મોકલીએ. તે ખૂબ જ ચતુર છે અને દૂત તરીકે કામ કરવામાં હોશિયાર છે. આવું નક્કી કરીને તેઓએ લંબકર્ણને બોલાવ્યો. એને એનું કામ સમજાવ્યું. એટલે લંબકર્ણ ચાલ્યો અને હાથીઓના માર્ગમાં એક ઊંચી શિલા ઉપર જઈને બેઠો. હાથીઓ સરોવર તરફ આવવા લાગ્યા એટલે એ મોટા અવાજે બોલ્યો, ‘અરે દુષ્ટ હાથીઓ ! તમે તમારા મનમાં સમજો છો શું ? આ તો ભગવાન ચંદ્રદેવનું સરોવર છે. એને ડહોળવા માટે કેમ રોજરોજ આવ્યા કરો છો ? જલદી પાછા વળો, અને હવે કદી આ તરફ આવશો નહિ !’

એક સસલાને આવી ધમકીભરી વાત કરતો સાંભળીને હાથીઓના રાજાને નવાઈ લાગી. એ બોલ્યો, ‘અરે, તું કોણ છે ?’
સસલો કહે : ‘હું લંબકર્ણ નામનો સસલો છું અને ચંદ્રમંડળમાં રહું છું. અત્યારે ભગવાન ચંદ્રદેવે મને દૂત બનાવીને તમારી પાસે મોકલ્યો છે.
આ સાંભળીને ગજરાજ બોલ્યો : ‘સસલાભાઈ ! તમે ભગવાન ચંદ્રદેવનો જે સંદેશો હોય તે કહો. દેવની આજ્ઞાનું અમે પાલન કરીશું.’
સસલો લંબકર્ણ બોલ્યો : ‘તમે લોકોએ ગઈકાલે આવીને ઘણાં સસલાંઓને મારી નાખ્યા છે અને ઘણાનાં ઘર ભાંગી નાખ્યાં છે. ભગવાન ચંદ્રદેવે કહેવડાવ્યું છે કે સસલાઓ સૌ મારા કુટુંબીઓ છે અને એમના મોતથી મને ભારે ખોટું લાગ્યું છે. એટલે હવે તમે આ સરોવર તરફ આવશો નહિ.’
હાથીઓનો રાજા બોલ્યો : ‘અત્યારે ચંદ્રદેવ ક્યાં છે ?’
સસલો કહે : ‘તમારા ટોળાથી દુ:ખ પામેલા સસલાઓને આશ્વાસન આપવા માટે તેઓ સરોવરમાં ઊતરી આવ્યા છે. એમણે જ મને તમારી પાસે મોકલ્યો છે.’
હાથીરાજ કહે : ‘તો મને એમનાં દર્શન કરાવ. હું એમને પ્રણામ કરીને અહીંથી બીજે ક્યાંક જતો રહીશ.’
સસલો કહે : ‘ભગવાન ચંદ્રદેવ અત્યારે આરામ કરી રહ્યા છે. આજે રાત પડ્યે તમે એકલા અહીં આવજો. હું તમને એમનાં દર્શન કરાવીશ.’

આટલી વાત કરીને હાથીઓ પાછા વળી ગયા. રાત પડી એટલે ગજરાજ ચતુર્દન્ત એકલો સરોવર તરફ આવ્યો. લંબકર્ણ એના માથા ઉપર બેઠો અને તેઓ સરોવરકાંઠે પહોંચ્યા. હવે તે દિવસે પૂનમ હતી. એથી પૂર્ણ ચંદ્રમા ઊગ્યો હતો અને સરોવરનાં શાંત પાણી ઉપર એનું પ્રતિબિંબ દેખાતું હતું.

સસલો કહે : ‘જુઓ, આ છે અમારા દેવ ભગવાન ચંદ્રદેવ. એ સરોવરની વચ્ચે સમાધિમાં બેઠા છે. ચૂપચાપ એમને પ્રણામ કરીને ચાલ્યા જાવ. જો અવાજ કરશો અને એમની સમાધિમાં ભંગ પડશે તો ખૂબ ગુસ્સે થશે અને તમામ હાથીઓનું નિકંદન કાઢી નાખશે.’ હાથી ગભરાઈ ગયો. એણે ચંદ્રમાના બિંબને પ્રણામ કર્યા. પછી તે પોતના હાથીઓને લઈને જતો રહ્યો અને સસલાં ફરી પાછા સુખશાંતિથી જીવવા લાગ્યા.

આમ, ઘણી વાર મોટા લોકોનું ખાલી નામ લેવાથી પણ કેટલાંક કામ પાર પડી જાય છે.

– યશવંત મહેતા

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)