ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?
આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?
અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?
શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?
કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?
આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?
- રઈશ મનિયાર
No comments:
Post a Comment