વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
-કવિ શ્રી દુલા ભાયા કાગ
No comments:
Post a Comment