ખુશબુમાં ખીલેલાં ફુલ હતાં
ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં
શું આંસુ ભૂતકાળ હતો શું
આંસુનાં પણ નામ હતાં......
થોડીક શિકાયત કરવી'તી
થોડાંક ખુલાસા કરવા'તા
મોત જરા રોકાઇ જતે
બે-ચાર મને પણ કામ હતાં....
હું ચાંદની રાતે નીકળ્યો'તો
ને મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંજિલ પણ મશહૂર હતી
કંઇ રસ્તા પણ બદનામ હતા...
જીવનની સમી સાંજે મારે
ઝખમોની યાદી જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો
બહુ અંગત-અંગત નામ હતાં.....
થઇ રાખને જે બેઠાં છે
એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો
કેવો ચંચલ જીવ હતો
કેવા રમતા રામ હતા.....
- 'સૈફ' પાલનપુરી
No comments:
Post a Comment