જાગ રે માલણ જાગ..

જાગ રે માલણ જાગ..

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

હું નથી પૂછતો...

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

- 'શૂન્ય' પાલનપુરી

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો….

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો…

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો….

– આદિલ મન્સુરી

આજનો ચાંદલિયો..

આજનો ચાંદલિયો....

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

સજન મારી પ્રીતડી..

સજન મારી પ્રીતડી..




સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી.
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી?
બળતાં હૃદયની તેંતો વેદના ન જાણી.
સજન મારી પ્રીતડી..

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી.
સજન મારી પ્રીતડી..

ભોમિયા વિના

ભોમિયા વિના મારે...

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા,

હર મહોબ્બત..

હર આહ ભરનારા પૂરા આશિક નથી હોતા,
હર આગિયાની રુહમાં સિતારા નથી હોતા,

હર મહોબ્બત..

હર હોઠની મુશકાનમાં મતરા નથી હોતા,
હર વારતાના અંત સરખા નથી હોતા,
હર મહોબ્બત..

હર આસ્થા, શ્રધ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીના નાદમાં ઘનશ્યામ નથી હોતા,
હર મહોબ્બત..

હર વમળનાં વર્તુળમાં કંકળ નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા,
હર મહોબ્બત..

હર ચમનમાં ઉડતાં બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા,

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા(૨)

છાનું રે છપનું કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…
છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

- અવિનાશ વ્યાસ

સગપણ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

- બાલુભાઇ પટેલ

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો…

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)