Showing posts with label અવિનાશ વ્યાસ. Show all posts
Showing posts with label અવિનાશ વ્યાસ. Show all posts

સૂના સરવરિયા ને કાંઠડે - અવિનાશ વ્યાસ

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

- અવિનાશ વ્યાસ

સ્રોત

એક બેવફા....

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા....

ઝંખી-ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા....

એક બેવફા શબનમ બદલે,
આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા....

ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગુલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા....

એક બેવફા બાગ બનાવી,
આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા....

નજર ને કહી દો કે...

ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.

નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..

મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.

જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..

- અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં....

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

- અવિનાશ વ્યાસ

ધૂણી રે ધખાવી...

ધૂણી રે ધખાવી બેલી..


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

– અવિનાશ વ્યાસ

ઉંચી તલાવડીની કોર

ઉંચી તલાવડીની કોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
બોલે અષાઢીનો મોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
ગંગા જમના બેડલું ને તિનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તોય નજર્યું લાગે કોની
વગડે બાજે મુરલીના શોર… પાણી ગ્યા’તા…

પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
ભીંજી ભીંજી જાય મારા સાળુડાની કોર
આંખ મદેલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો ના રેલાવ્યો નો ઘોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…
ઉંચી તલાવડીની કોર… પાણી ગ્યા’તા…
પાણી ભરતાં રે જોયો સાહ્યબો…

છાનું રે છપનું કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…
છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

- અવિનાશ વ્યાસ

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર..


ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

ભીગી ભીગી જાય મારા સાડલાની કોર
આંખ મદેલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર

ના રહે આંખ્યુંનો તોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

- અવિનાશ વ્યાસ

તાલીઓના તાલે

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,

ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,

રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …

પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત

- અવિનાશ વ્યાસ

ચરર ચરર મારું ચકડોળ ચાલે

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર

- અવિનાશ વ્યાસ

રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

-અવિનાશ વ્યાસ

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

પાટણથી પટોળાં મોંઘાં લાવજો| |

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….

પંખીડા ને આ પીંજરુ....

પંખીડા ને આ પીંજરુ....|


પંખીડા ને આ પીંજરુ જુનુ-જુનુ, જુનુ-જુનુ લાગે
બહુ એ સમજાવ્યુ તોયે પંખી નવુ પીંજરુ માગે

પંખીડા ને આ પીંજરુ જુનુ-જુનુ, જુનુ-જુનુ લાગે
બહુ એ સમજાવ્યુ તોયે પંખી નવુ પીંજરુ માગે

પંખીડા ને આ પીંજરુ....

ઉમટયો અજમ્પો એને પંડ ના રે પ્રાણ નો (2)
અણ્ધાર્યો કર્યો મનોરથ દુર ના પ્રયાણ નો
અણડીથે દેશ જાવા લગન એને લાગે
બહુ એ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
પંખીડા ને આ પિંજરુ....

સોને મઢેલ બાજઠીયો ને સોને મઢેલ ઝુલો (2)
હીરે જઢેલ વિંઝણો મોતી નો મોંઘો અણમોલો
પાગલ ના બનીયે ભેરુ કોઇ ના રંગ-રાગે
બહુ એ સમજાવ્યુ તોયે પંખિ નવુ પિંજરુ માગે
પંખિડા ને આ પિંજરુ જુનુ-જુનુ, જુનુ-જુનુ લાગે
બહુ એ સમજાવ્યુ તોયે પંખિ નવુ પિંજરુ માગે
પંખિડા ને આ પિંજરુ....

- અવિનાશ વ્યાસ

અમે અમદાવાદી

અમે અમદાવાદી…




અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…



- અવિનાશ વ્યાસ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)