Showing posts with label નરસિંહ મહેતા. Show all posts
Showing posts with label નરસિંહ મહેતા. Show all posts

કાનજી તારી મા કહેશે - નરસિંહ મહેતા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી તારી મા....

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે.. કાનજી તારી મા....

- નરસિંહ મહેતા



સ્ત્રોત

વૈષ્ણવજન - નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

ઊંચી મેડી તે મારા સંતની રે....

ઊંચી મેડી તે મારા સંતની રે..



ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

- નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ.

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

- નરસિંહ મહેતા

જળકમળ છાડી જાને...

જળકમળ છાડી જાને...
|
|

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે...

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ...

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ...

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો...

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો...

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ...

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ...

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો...

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો...

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે...

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને...

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો...

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)