Showing posts with label નિનુ મઝુમદાર. Show all posts
Showing posts with label નિનુ મઝુમદાર. Show all posts

યાદ આવી ગઈ.

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ.

ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ.

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ.

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ.

- નીનુ મઝુમદાર

પંખીઓએ કલશોર.....

પંખીઓએ કલશોર... | |

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..

- નિનુ મઝુમદાર

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)