Showing posts with label શેખાદમ આબુવાલા. Show all posts
Showing posts with label શેખાદમ આબુવાલા. Show all posts

સારો નથી હોતો - શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

- શેખાદમ આબુવાલા

મોંઘી પડી - શેખાદમ આબુવાલા

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

- શેખાદમ આબુવાલા

સ્ત્રોત

મારી આંખ લૂછું છું....

તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

- શેખાદમ આબુવાલા

મુહોબ્બતના સવાલોના

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

મુક્તકો

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)