કરતા જાળ કરોળિયો - દલપતરામ

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

- દલપતરામ

મૌલિક ગઝલ - વૈષ્ણવ ઈશિત

ભૂલી ચુક્યા છીએ હવે આંખોમાં આંસ
સ્વયં પ્રગટે છે તિમિર,પછાડી સૂરજનો અજવાસ,

વિશ્વાસનાં મિનારો કડકભૂસ છે પાયાઓના વાંકે,
બંધારણનાં બાંધકામને લગતો થયો છે પ્રશ્નાર્થ

ભારત એટલે ભારત એ સાચું કે પછી,
ભૂલ છે તારામાં અનન્વય અલંકાર!

વેન્ટીલેટર પર છે દેશની અખંડિતતા,
અનિયમિત છે હવે શ્વાચ્છોશ્વાસ

હોકાયંત્ર બરાબર નથી કે દિશાઓ ફરી ગઈ,
ભટકું છું ૧૦,જનપથ પર શોધવા હવે વિશ્વાસ

ધૂળ-માટી બની ગઈ છે વાસ્તવિકતા હવે ને
સોને કી ચિડીયા તો માત્ર એક આભાસ!

- વૈષ્ણવ ઈશિત

શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપતી લાવે તેવી પ્રભુ પાસે પ્રાથના.. દિવાળી ના દીવડા નો પ્રકાશ આપના જીવન માં અઢળક પ્રેમ પાથરે અને દુખો ને અંધકાર ની જેમ દુર કરે... શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
- કિરણકુમાર રોય અને હેત્વી રોય

મન થાય છે - ચિંતન ઠક્કર

મારા એક અજીજ દોસ્તે(ચિંતન ઠક્કર) એના વિચાર કાગળ પર ઉતાર્યા અને મને ગમ્યા એટલે મેં મારા બ્લોગ પર. આ પોસ્ટ માટે મેં એની પરવાનગી લઇ લીધેલ છે..આશા રાખું કે આપને પણ આ રચના ગમશે..

મારા વતન ની સાંકડી ગલીઓમાં,
મુક્ત મને દોડવાનુ મન થાય છે,
એજ જુના મિત્રો સાથે મસ્તી કરવાનુ મન થાય છે,
ઘરે લાવેલી કેરીયો કરતા મુજને,
આંબા પરથી કેરીઓ તોડીને ખાવનું મન થાય છે,
આજ ફરી મુજને બાળક થવાનુ મન થાય છે..
ફરીથી સ્લેટ અને પેન લઈને એકડો ઘુંટવાનુ મન થાય છે,
મિત્રો ના ટીફીન માં અવેલા બપોરીયાનો સ્વાદ લેવાનુ મન થાય છે,
એક વાર ફરી મને બળક થવાનુ મન થાય છે
બાળપણ કેરા વરસાદમાં પલળી જવાનુ મન થાય છે.

- ચિંતન ઠક્કર

દુનિયા ભુલાવી બેઠો છું.. - 'હું' કિરણકુમાર રોય (Duniya Bhulavi betho chhu - 'Hun' KiranKumar Roy)

તારી ઝુલ્ફો માં ખોવાઇને બેઠો છું
તારી 'હા' અને 'ના' ના વમળમાં ખોવાઇને બેઠો છું
તારી આંખ નો એક ઇશારો ઝંખુ છું
તારા શ્વાસ મા શ્વાસ પરોવીને બેઠો છું
તુ તરસ છીપાવી દે મારી, હું મ્રુગજળ પીને બેઠો છું
કિનારા પર બેસીને વાત ના કર, હું મજધારમાં આવીને બેઠો છું
તારા અંગે અંગ ની ઝંખના છે, હું તારુ શિલ્પ બનાવી બેઠો છું
તારી યાદોના પાલવ ની એક ગાંઠ બનાવી બેઠો છું
તુ આવીશ તો મને સારુ છે, 'હું' દુનિયા ભુલાવી બેઠો છું..

- 'હું' કિરણકુમાર રોય

30 મે, 2011 22:30

મઝધારને માઠું લાગ્યું છે - ‘નાઝ’ માંગરોલી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે;
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે.

આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.

દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.

- ‘નાઝ’ માંગરોલી

સ્ત્રોત

તો હું શું કરું? - ‘આદિલ’ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

- ‘આદિલ’ મન્સૂરી

કથા તો એ જ છે - વિજય રોહિત

કોણ જાણે પણ પ્રથા તો એ જ છે
પ્રેમ કરવાની સજા તો એ જ છે

એ ગલી છો ને અજાણી લાગતી
યાદની ત્યાં આવજા તો એ જ છે

હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા
સ્ત્રી થવાની આપદા તો એ જ છે

શું નવું અખબારવાળા લાવશે ?
નામ બદલાયા, કથા તો એ જ છે.

સાવ સ્હેલું પણ નથી બચવું `વિજય'
આંખના કામણ, કલા તો એ જ છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

Written on 7-4-20110, 12.10 am.

- વિજય રોહિત

સ્ત્રોત

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)