જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ

એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ

દાવાનળ લાગતા પછી વાર નહી લાગે "રમેશ"
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

- રમેશ

માણી લે હર એક પળ તું આજે

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

મૌનને છૂપાવવું સહેલું નથી

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથી
આંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી

પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસ
સુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી

લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકો
બોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી

તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશે
લાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી

જીવન જીવાઇ જાયે છે....

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ‘ઘાયલ’

તમારું પાત્ર આવ્યું

તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

- 'સૈફ' પાલનપુરી

પગ પ્રમાણે ચાદરો લંબાય છે....

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
મિજાજ માફક અંત જેને જે ગમે વંચાય છે.

- ગુંજન ગાંધી

પ્રેમનુ એ ટપકુ પડ્યુ....

દોસ્તી ના પાલવમાં પ્રેમનુ એ ટપકુ પડ્યુ,
એ લાગણીઓને એની બહુ વસમુ પડ્યુ,

એક નાની વાત માં રાત આખી ગુજરી જતી,
એ થોડા શબ્દો પછી બોલવાનુ મોંઘુ પડ્યુ,

હાથ માં હાથ લઈ શહેર માં કેવા ફરતા,
એ દ્રશ્યને નજર માંથી ખસવુ પડ્યુ,

નવીન રજુઆત ના થઈ શકી જિંદગી ની,
અંતે સબંધોને લો પાણી માં ભળવુ પડ્યુ,

એ વાત પછી બીજી કદી આશ નથી નીકળી,
ખાલી ઊર્મિઓને દિલ માંથી મરવુ પડયુ.

એવા ખયાલ માં છુ...

એ ક્યારેક તો મળી જશે એવા ખયાલ માં છુ,
એના જ શહેરમાં બની મુસાફર પ્રવાસમાં છુ,

મારી સુગંધનો અંદાજ થોડો એ કાઢી શકશે,
કેટલાય દિવસથી બની અતર એના સ્વાસમાં છુ,

એક નિશાની મળે એની તોયે બહુ થઈ પડશે,
પગલા ક્યાં હશે ધૂળમાં એના, એ વિચારમાં છુ,

તરસ ના છીપાય મ્રુગજળથી એ તો ખબર છે,
તોયે લઈ ક્ટોરો હાથમાં , એની આશમાં છુ.

ના રાત પડી...

આખર તોયે ના રાત પડી,
મોંઘા સપનઓ ને ફરી લાત પડી,
હિંમત આપે જો ખુદા તો કહુ,
મન માં ઊંડે એક વાત પડી.

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)