પૂરજો તમે!

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

આ દરિયામાં..

આ દરિયામાં
મને રણ જેવું લાગે છે.
ઠેર ઠેર પાણી
છતાં પ્યાસ લાગે છે.
રોજ ધોઉ છું,
મ્હારા સપનાઓ ને આશાઓથી
છતાં આસુંઓમાં,
ખારાશ લાગે છે.

ચાલ વરસાદ છે..

ચાલ વરસાદ છે,
થોડું રડી લઈયે.
ફરી આ લ્હાવો મળે ના મળે.
થોડું ગગન ખાલી કરી લઈયે.
ફરી આ લ્હાવો મળે ના મળે.

મજબૂર હોય છે.

મહોબ્બતનો એ સબૂત હોય છે,
કે મળે જો દર્દ, તો મંજૂર હોય છે.
એક તરફ હાલાત મજબૂત હોય છે
અને માનવી મજબૂર હોય છે.

થાક લાગે છે.

આંખો ને હવે,
પાંપણનો ફરકવાનો થાક લાગે છે.
પિજંર દેહને હવે,
ખોળીયું બદલવાનો પણ થાક લાગે છે.
ક્યાં જાઊ 'સાહિલ' મારી પાંખોને લઈને,
ઊડવાનો પણ થાક લાગે છે.
લગીરજો આપે ખુદા હાસ્ય,
તો પણ અધરને પણ થાક લાગે છે.

- ગૌરાંગ કાપડીયા 'સાહિલ'

સારુ..

બધા ગુનાઓની કબુલાત થૈ જાય તો સારુ,
મોતની ક્યાંક મુલાકાત થૈ જાય તો સારુ,
કહી શક્યો નહી વરસોથી, તને પ્રેમ કરુ છુ,
તારા મુખેથી એ વાત થૈ જાય તો સારુ.

એક જ્યોતીષી એ કહ્યુ હતું કે

એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!

કોન કરે?

પ્રેમ છે જુનો પણ કબુલાત કોન કરે?
પ્રેમ ના શબ્દો થકી રજુઆત કોણ કરે?
વાત કરવાને તો છે જબાન તત્પર,
પણ એ વાત ની શુરુઆત કોન કરે?

- સુરુ વ્યાસ

સહકાર પણ ગયો....

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

- મરીઝ

પ્રણય

તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)