કેવી રીતે...

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

નાવનો ઉદ્ધાર કર !

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

યુદ્ધ ના માંગ્યુ છતાં આવી ઊભું
જા, ખુમારીથી ધનુષટંકાર કર !

જિંદગીમાં જે ક્ષણો આવી મળે
તું ઉલટથી સર્વનો સ્વીકાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

વરસાદમાં..

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

મામો

કરવાનું શું ને આ શું કરી રહ્યો છે?
તૂટેલ તુંબડીથી સાગર તરી રહ્યો છે?
મુશાયરાના દિવસો વેઢે ગણી ગણીને
ધંધો મૂકીને ‘મામો’ ગઝલો લખી રહ્યો છે.

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

– આદિલ મન્સૂરી

સુરજ પણ મારી આગળ નમે છે !

ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે !

- સોહિલ પટેલ

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.

————-
સુરતના ‘ગુજરાતમિત્ર’ની પુર્તીમાંથી.

આભાર

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

કિસ્મત

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

એક બીજાને મળવાનુ રખો...

આજ નહીં તો કાલે મળજો; પણ મળવાનું રાખો
મુજમાં ઓછા વધતા ભળજો; પણ ભળવાનું રાખો.

સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં
ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો.

જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી
મનગમતા ઢાંચામાં ઢળજો; પણ ઢળવાનું રાખો.

તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના
મને નહીં તો બીજાને ફળજો; પણ ફળવાનું રાખો.

તેનાથી કંઈ ફેર પડે ના આ જગનાં પાપોમાં
પુણ્યો થોડાં થોડાં રળજો; પણ રળવાનું રાખો.

માફકસરનું તમે બધાને આપી ના શકવાના
ઝીણું દળજો; જાડું દળજો; પણ દળવાનું રાખો.

ગઝલો પણ સાંભળવી, લખવી નીતર્યો બ્રહ્માનંદ છે
એ બાજુ છો ઓછા ઢળજો; પણ ઢળવાનું રાખો

- સોનલ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)